ગુજરાતમાં 60 લાખ લોકો દારૂ પીવે છે તેના હક્કોનું મિડિયા વિચારે 

ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યમાં દારૂબંધી કેટલી અમલી છે એ રાજય સરકાર દ્વારા દરવર્ષે બહાર પડાતા દારૂના કેસોના આંકડા ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે
  ગુજરાતમાં જ્યારે મોટા પ્રમાણમાં દારૂ પકડાય અથવા તો લઠ્ઠાકાંડ થાય ત્યારે દારૂબંધીની નીતિ, દારૂના અડ્ડા, ભ્રષ્ટાચાર, પોલીસ અને સરકાર નિષ્ફળ છે આવી ચર્ચાઓ થાય છે અને ફક્ત બે-ત્રણ દિવસ દારૂબંધીનો કડક અમલ થાય છે અને જ્યાં સુધી બીજી આવી ઘટના ન બને ત્યાં સુધી કોઈ ચર્ચા જ થતી નથી.
 આ બધું થવા પાછળના મૂળ કારણો સુધી પહોંચી આ પ્રશ્નનોના કાયમી ઉકેલ માટે આજ સુધી શાસકોએ ગંભીરતાથી વિચાર કર્યો નથી, નહીંતર આવા પ્રશ્નો સમયાંતરે ઊભા ન થતા હોત.
નેશનલ ફેમિલી હેલ્થ નામની સંસ્થાએ 2016માં કરેલા સર્વે મુજબ ગુજરાતમાં અંદાજે 60 લાખ નાગરિકો દારૂનું સેવન કરે છે. તેની સામે ગુજરાતમાં ફક્ત 70 હજાર નાગરિકો પાસે જ દારૂની પરમિટ આરોગ્યના કારણોસર છે. એનો સીધો મતલબ છે બાકીના લાખો નાગરિકો બુટલેગરો પાસેથી દારૂ ખરીદે છે. પરંતુ ગુજરાતમાં દારૂ પીવાની આદત ધરાવતા 60 લાખ નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને ભોગવવી પડતી તકલીફો બાબતે ચર્ચા જ થતી નથી. કદાચ એક કરોડથી વધારે લોકો દારૂ પીવે છે. ગુજરાતના આ 60 લાખથી એક કરોડ નાગરિકોને થતા અન્યાય અને એમના બંધારણીય અધિકારો બાબતે મીડિયામાં ચર્ચા કરવામાં આવે એવી અપીલ નાગરિક અધિકાર રક્ષા સમિતિના અતુલ દવેએ કરી છે.
સમર્થનમાં દલીલો આ મુજબ તેમણે કરી છે
1- દેશના બંધારણે નાગરિકે શું ખાવું કે શું પીવું એની સ્વતંત્રતાના અધિકારો દરેક નાગરિકોને આપેલા છે પરંતુ રાજ્યમાં દારૂબંધી હોવાથી ગુજરાતના આ 60 લાખ નાગરિકોના ખાવા પીવાની સ્વતંત્રતાના અધિકારોનું હનન થાય છે.
2- મોટાભાગના રાજ્યોમાં દારૂ પીવાની છૂટ છે પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવાથી બંધારણે આપેલા સમાનતાના અધિકારનો પણ ભંગ થાય છે.
3- દારૂબંધીના લીધે રાજ્યમાં હલકી કક્ષાનો દારૂ વેચાતો હોઈ આવો દારૂ પીવાથી લાખો નાગરિકોના સ્વાસ્થ્ય ખરાબ થઇ રહ્યા છે અને રાજ્યમાં થતા લઠ્ઠાકાંડનું મૂળ કારણ પણ રાજ્યની દારૂબંધી જ છે.
4- લઠ્ઠાકાંડ જેવી ઘટના બને ત્યારે બે-ત્રણ દિવસ દારૂબંધીનો કડક અમલ થાય છે ત્યારે રોજ દારૂ પીવાની ટેવ ધરાવતા નાગરિકોને દારૂ ન મળતા ડ્રગ્સનો સહારો લેતા હોવાથી ભવિષ્યમાં ઊડતા ગુજરાત બની શકે છે.
5- દેશના સૈનિકોને દારૂ પીવાની છૂટ છે એનો મતલબ સરકાર પોતે જ સ્વીકારે છે દારૂ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
6- જેના સેવનથી કેન્સર થાય છે એવા સિગારેટ અને તમાકુની ગુજરાતમાં છૂટ છે જ્યારે જેના સેવનથી સૈનિકોનું સ્વાસ્થ્ય પણ ખરાબ થતું નથી એ દારૂ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ હાસ્યાસ્પદ છે.
7- ગુજરાત સરકારનો નશાબંધી વિભાગ દારૂની પરમિટો આપે છે એમાં પણ સ્વાસ્થ્યની જાળવણી માટે લખેલું છે એટલે કે દારૂથી સ્વાસ્થ્ય જળવાઇ રહે છે એવું ગુજરાત સરકાર પોતે જ સ્વીકારે છે.
8- ગુજરાતમાં ડોકટરની ભલામણથી જ દારૂની પરમિટો અપાય છે હવે દારૂ સ્વાસ્થ્ય માટે ખરાબ હોયતો ડોકટર દારૂ પીવાની ભલામણ કરે જ નહીં.
9- દારૂબંધીના કારણે ગુજરાત વાર્ષિક હજારો કરોડનો ટેક્ષ ગુમાવી રહ્યું છે.
10- ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડાથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે.
11- દારૂની છૂટ ન હોવાથી બહારના ટુરિસ્ટો અન્ય રાજ્યોની સરખામણીએ ઓછા આવે છે એના લીધે રાજ્યના ટુરિઝમને પણ મોટો ફટકો પડે છે.
12- અમુક મોટા ઉદ્યોગો ફક્ત દારૂબંધીના લીધે જ ગુજરાતમાં મૂડીરોકાણ કરતા નથી જેનાથી પણ રાજ્ય આવક ગુમાવી રહ્યું છે.
13- રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર છે એના કારણોમાંથી એક કારણ દારૂબંધી પણ છે.
14- બિનજરૂરી કેસોના કારણે પોલીસ અને કોર્ટનો કિંમતી સમય તેમજ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા વેડફાય છે.