ગુજરાતી વિરૃદ્ધ પરપ્રાંતીઓનું સુરત ભાજપમાં યુદ્ધ

કડોદરામાં કાળો કકળાટ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ

કડોદરા નગરપાલિકાના અધ્યક્ષ અને કડોદરા ભાજપ શહેરના ઉપપ્રમુખ વચ્ચે વિવાદ વધી જતાં તેની ગંભીર નોંધ પ્રદેશ ભાજપે લીધી છે. ભાજપના ઉપપ્રમુખ દિનેશ મોદીએ દબાણ સમિતિના અધ્યક્ષ ધનંજય ઝા (લડ્ડુ) ને લાફો મારી દીધો હતો. જેનો અવાજ ગાંધીનગર સુધી સંભળાયો છે. પ્રદેશ ભાજપ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે, અહીં પરપ્રાંતિય અને ગુજરાતીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ છે. જેમાં પરપ્રાંતિય ભાજપના હોદ્દેદારોએ એવી માંગણી કરી છે કે દિનેશ મોદીને ભાજપમાંથી હાંકી કાઢવામાં આવે. જો તેમ નહીં થાય તો બિનગુજરાતીઓ ભાજપ છોડી દેશે. ભાજપના પર પ્રાંતિય આગેવાનો એકઠા થયા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, હરીયાણા જેવા રાજ્યોના હિંદીભાષી નેતાઓ એકઠા થયા હતા. જેમાં કડોદરા નરગપાલિકાના પ્રમુખ સીમા ઠાકુર અને ભાજપના મહામંત્રી શૈલેશ શ્રીવાસ્તવની આગેવાનીમાં ભેગા થઈને શહેર સંગઠનના પ્રમુખ દીપક દેસાઈના ઘરે મોરચો લઈ સારીએવી સંખ્યામાં પહોંચી ગયા હતા. જેમણે માંગણી કરી હતી કે, દીનેશ મોદી કે જે ગુજરાતી છે તેમને હાંકી કાઢવામાં આવે. આ બધી બાબતોમાં સી. આર. પાટીલે મદદ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

22 ઓગસ્ટ 2018ની રાત્રે કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાના સરથાણા કાર્યાલય પર કાર્યકરો ભેગા થયા હતા તેમાં કોમલ ઘેવરીયા અને મંજુલા સિરોયા નામની બે મહિલા કાર્યકરો કોઇક કારણોસર બાખડી પડી હતી અને છુટ્ટા હાથની મારામારી કરી હતી. ત્યારથી સુરત જિલ્લામાં ભાજપ હિંસા અને પ્રાંતવાદમાં ઘસડાઈ ગયો હોવાથી પ્રદેશ ભાજપ માટે ચિંતા વધી છે. આ વધી બાબતો પાછળ સુરતના બિનગુજરાતી સાંસદનો હાથ હોવાનું કેટલાંક કાર્યકરો કહી રહ્યાં છે.

વરાછામાં વડાપ્રધાનની સભા 2017ની ચૂંટણી વખતે બદલીને કડોદરામાં કરવામાં આવ્યા બાદ અહીં ભાજપમાં કાયમ અશાંતિ જોવા મળી રહી છે. જેમાં બિનગુજરાતી ભાજપના નેતાઓ એવું માનવા લાગ્યા છે કે રેલી તેમના કારણે સફળ થઈ હતી. વળી, 2016થી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કડોદરામાં રૂ.500 કરોડની જમીન ખરીદવાનું નક્કી કર્યું ત્યારથી કડોદરામાં સત્તા ઉથલાવીને સત્તા મેળવવા ભાજપમાં હોડ ઊભી થઈ છે.

ભાજપ-કોંગ્રેસ વેરભાવ

8 ઓગસ્ટ 2018માં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે છેલ્લાં 16 વર્ષથી ગુજરાતમાં વેરઝેરના બીજ રોપાયા છે. તેના ખરાબ પરિણામ ઘણી જગ્યાએ જોવા મળે છે. આવું સુરત જિલ્લા કોંગ્રેસમાં થતાં તે અંગે પ્રદેશ નેતાઓએ ગંભીર નોંધ લીધી છે અને તેમના પક્ષના નેતાને ભાજપના નેતા પરેશાન કરતાં હતા તે છતાં કેમ તે અંગે કોઈએ કંઈ કર્યું નહીં તેની વિગતો માંગી છે. કડોદરાના મોડી ફળિયામાં રહેતાં સુરત જિલ્લા કોંગ્રેસના વેપારી સેલના પ્રમુખ અને કોંગ્રેસને સારું એવું ચૂંટણી ફંડ લાવી આપતાં જિગ્નેશ મોદીને ભાજપના નેતાએ પરેશાન કરી મૂક્યા છે. જિગ્નેશ મોદીના મકાનની બરાબર પાછળ જ રહેતાં ભાજપ સંગઠનના ખજાનચી ભગવાન ચૌધરી સાથે જિગ્નેશ મોદીને બબાલ થઈ હતી. જેને લઈને જિગ્નેશ મોદીએ પ્રદેશ નેતાઓ સાથે વાત કરીને મદદ માંગી હતી કે ભાજપને નેતા તેને ખોટી રીતે પરેશાન કરી રહ્યાં છે. તેની અટકાયત કરી ત્યારે કોંગ્રેસના કોઈ નેતાઓએ તેમને કોઈ સાથ ન આપતાં તેમને અપમાન થયું હોવાનું લાગી આવતાં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

ભાજપના કોષાધ્યક્ષનો વાણી વિલાસ

1 ઓગસ્ટ 2018માં સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરામાં મોદી ફળીયાની પાછળ આવેલા રસ્તા બાબતે મહિલાઓ સાથે ભાજપના કોષાધ્યક્ષ ભગવાનસીંહ ચૌધરી દ્વારા મોદી ફળીયાની મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. મહિલાઓ પોલીસ સ્ટેશને ધસી ગઈ હતી. જે જમીનના લે વેચનો ધંધો કરે છે. કરોડોની જમીન લઈ લીધા બાદ તેમાંથી પસાર થતો રસ્તો ભાજપના નેતાએ બંધ કરી દીધો હતો. તેથી મહિલાઓએ વિરોધ કરતાં ભગવાન ચૌધરીએ મહિલાઓ સાથે ગાળા ગાળી કરી ધમકી આપી હતી.

લટ્ઠાકાંડથી ભાજપમાં ખળભળાટ

કડોદરાના વરેલીમાં થોડા સમય પહેલાં લઠ્ઠાકાંડમાં 17 લોકો મરી ગયા હતા. લઠ્ઠકાંડનો મુદ્દો રાજકીય બની ગયો હતો. કોંગ્રેસે વરેલી બંધનું એલાન આપ્યું હતું. જેમાં આરોપ હતો કે ભાજપના નેતાઓ વર્ષે 8 કરોડનો હપતો લે છે, ત્યારથી ભાજપના કેટલાંક નેતાઓ ખુલ્લા પડી ગયા હતા અને સત્તા ટકાવી રાખવા માટે જુથવાદ ચલાવી રહ્યાં છે, જેમાં ભાજપના બિનગુજરાતી સાંસદ તેને ટેકો આપી રહ્યાં છે. ઐાધોગિક વિસ્તારના વરેલી, કડોદરા અને હરિપુરા ગામમાં દેશી દારૂ પીધા બાદ 20 જણના મોત થયા હતા.

અંકુર દેસાઇના વિરોધમાં સહી ઝુંબેશ

સુરત જિલ્લા ભાજપમાં ચાલતી જૂથવાદની લડાઇમાં આગેવાનો કડોદરા ખાતે પાલિકાના તત્કાલીન પ્રમુખ અંકુર દેસાઇના વિરોધમાં નગરસેવકોની સહી કરાવવા નીકળ્યા હતા. જેઓ કેબિનેટ મંત્રી ઇશ્વર પરમારનો પણ વિરોધ કરી રહ્યાં હતા. નગરસેવકોને પ્રલોભન આપવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ અંકુર દેસાઈની સાથે ભાજપ રહ્યો હતો.

જિલ્લાનો જૂથવાદ કડોદરા સુધી

10 જાન્યુઆરી 2018માં સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતના તત્કાલીન પ્રમુખ સુરેશભાઇ પટેલ અને સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અશ્વિનભાઇ પટેલ (દાઢી)ના જૂથ વચ્ચે લાંબો સમયથી લડાઈ ચાલતી હોવાથી સુરત જિલ્લાના સહકારી અને સામાજિક ક્ષેત્રમાં અસર જોવા મળી હતી. બંને જૂથના ભારે વિવાદથી પ્રદેશ ભાજપે પણ નિર્ણયો બદલવા પડ્યા હતા. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અશ્વિન પટેલની હાર માટે ભાજપના સુરેશ પટેલ જૂથ જવાબદાર હતું. જેની સીધી અસર કડોદરામાં થઈ રહી છે.

પોલીસ પણ પક્ષીય બની

11 ઓક્ટોબર 2018માં ઉત્તર ગુજરાતમાં પરપ્રાંતના લોકો સામે શરૂ થયેલા ગુજરાત ભગાવો આંદોલનમાં સુરત જિલ્લા પોલીસ વડા મુનીયાની અધ્યક્ષતામાં બેઠક ભાજપના નેતાઓ સાથે મળી હતી. કડોદરા પોલીસે માત્ર ભાજપ સાથે સંકળાયેલા પરપ્રાંતિ આગેવાનોને જ આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓને બાકાત રખાયા હતા. ભાજપના ઇશારે કડોદરા પોલીસ કામ કરતી હોવાનો આરોપ પણ હતો. હવે આ જ પશ્ન ભાજપની સામે 17 ડિસેમ્બરમાં આવીને ઊભો છે. જેની પાછળ ભાજપના જ એક નેતાનો દોરી સંચાર છે.

સમરસતા સંમેલનમાં વિવાદ

26 એપ્રિલ 2018માં કડોદરા નજીક અકળામુખી મંદિર ખાતે ભાજપમાં સામાજિક સમરસતા સંમેલનમાં વિવાદ બહાર આવ્યો હતો. બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ પટેલ અને કાર્યકરોને મંચ ઉપર સ્થાન નહીં અપાતાં જાહેરમાં મંચ ઉપર જઈ ને જિલ્લા મહામંત્રી સંદીપ દેસાઈ સાથે બાખડયા હતા. મંચ પર ભાજપ આગેવાનો બાખડવાનો વીડિયો વાયરલ કરીને ભાજપના જુથોએ મજા લૂંટી હતી અને આખા ગુજરાતમાં તે વિડિયો મોકલી આપ્યો હતો. ગુજરાતના 80 લાખ સ્માર્ટ ફોનમાંથી 50 ટકા લોકો સુધી તે વિડિયો પહોંચી ગયો હતો. સંદીપ દેસાઈ ને કહેવામાં કંઇજ બાકી રાખ્યું ના હતું. છતાં અપમાન ચાલુ રહેતાં ભાવેશ પટેલ પોતાના કાર્યકરો સાથે મંચ ઉપરથી નીચે ઉતરી જઈને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. સમરસતાના બદલે વિખવાદ ઊભા થયા હતા.

બેકારી વધી પણ પાટીલને ચિંતા નહીં

ઔદ્યોગિક વસાહતો કડોદરા, પલસાણા, પાંડેસરા, સચિનમાં 400થી વધુ કપડા મિલો આવેલી છે, તેમાં 21થી વધુ મિલ ઓગસ્ટ 2018 સુધીમાં બંધ થઈ ગઈ હતી. 2018ની અંતમાં તે વધીને 29 મિલો થઈ ગઈ છે. જેના કારણે મિલના મજૂરો અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગોના મજૂરો મળીને 50 હજારથી વધું લોકો બેકાર થઈ ગયા છે. 4 કરોડ કાપડની સામે હવે 2 કરોડ કાપડ ઉત્પન્ન થવા લાગ્યું છે. મંદીમાં બેકારી વધી રહી છે. તેની ચિંતા અહીંના સાંસદ સી. આર. પાટીલને નથી કે ભાજપના લડતા નેતાઓને નથી. પણ પક્ષના નેતાઓ એક બીજાને પાડી દઈને ગુજરાતી બિનગુજરાતીનો વિવાદ ઊભો કરીને જૂથવાદ પાછળ વધારે સમય આપીને પોતાનું રાજકારણ ચલાવે છે.

ભાજપના નેતાને અહેવાલ

સુરત અને તેના ઔદ્યોગિક શહેર કડોદરામાં શું ચાલી રહ્યું છે તે અંગે પ્રદેશના એક નેતાને અપાયેલા અહેવાલમાં આ બધી વિગતો જાહેર કરવામાં આવી છે. પ્રદેશ પક્ષ દ્વારા અગાઉ કડોદરામાં સમજાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા. તેમાં એક ખાસ નોંધ કરવામાં આવી છે કે, ધારાસભાની તમામ બેઠક સુરતે આપી હોવાથી તેના કારણે ગુજરાતમાં ભાજપે સરકાર બનાવી છે. તે હવે ગુજરાત ભાજપ ભૂલી ગયું છે અને સુરત કે કડોદરાનો ગુજરાતી અને બિનગુજરાતી વિવાદ ઓછો કરવામાં આવતો ન હોવાનું પક્ષના સંનિષ્ઠ કાર્યકરો માની રહ્યાં છે.