ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા 2018માં રૂ. 8,00,00,000ની 1,000 મેટ્રિક ટન કેસર કેરીનું વેચાણ ‘કેસર મેંગો ફેસ્ટિવલ’ દ્વારા અમદાવાદમાં કર્યું હતું. તેનો મતલબ કે એક કિલાએ રૂ.80નો સરેરાશ ભાવ થયો હતો. જ્યારે અમદાવાદમાં ખુલ્લા બજારમાં ઋતુની શરૂઆતમાં રૂ.80 એક કીલોનો છૂટક ભાવ રહ્યો હતો. જે ધટીને એક કિલોના રૂ. 45 સુધી કાર્બાઈડ ફ્રી મળતી હતી. જ્યારે તાલાલામાં માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ દિવસે એક કિલોનો ભાવ રૂ.22.50 થી રૂ.55 રહ્યો હતો. જે કેરી તાલાલામાં રૂ.30ની જથ્થાબંધ ભાવે મળતી હતી તે અમદાવાદમાં રૂ.80ના ભાવથી છૂટક વેચાતી હતી. આમ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને કૃષિ વિભાગ દ્વારા અમદાવાદમાં કેસર કેરીના ઊંચા ભાવ લેવામાં આવી રહ્યાં હતાં.
ગુજરાતના નાગરિકો સમાજવર્ગોને કાર્બાઇડ ફ્રી કેસર કેરી ઉપલબ્ધ થાય તે હેતુથી એક અભિગમરૂપે એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ‘કેસર મેંગો ફેસ્ટીવલ’નું આયોજન કરે છે, એવો દાવો કરવામાં આવે છે. તો શું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સમગ્ર અમદાવાદમાં કાર્બાઈડથી પકવેલી કેરી વેચવા દે છે ? આ વર્ષે અંદાજે રૂ.8કરોડની 1000 મેટ્રિક ટન કાર્બાઇડ ફ્રી કેસર કેરી તથા ગત વર્ષ આવી 750 મેટ્રિક ટન કેસર કેરીનું નિગમ દ્વારા ગુજરાતમાં વેચાણ થયું હતુ.
કેસર કેરીનું સૌથી મોટુ બજાર જુનાગઢના ગીર તાલાલામાં છે. જ્યાં 3 મે 2018 ના પ્રથમ દિવસે કેસર કેરીના 18,980 બૉક્સની આવક થઇ હતી. એક બોકસમાં 10 કીલો હોય છે. વિશ્વવિખ્યાત સોરઠની કેસર કેરી હવે ગુજરાત અને બહારના રાજ્યોમાં ઘેર ઘેર પહોંચવા લાગી છે. આ વખતે હરાજી 17 દિવસ વહેલી શરૂ થવાથી આરંભે આવક થોડી ઓછી થઇ છે. કેરીનો ભાવ રૂા.225-550 રહ્યો હતો. 2015ની હરાજીમાં પ્રથમ દિવસે કુલ 33 હજાર બોક્સ આવ્યા હતા. જોકે, એ વખતે હરાજી 19મી મેએ શરું થઇ હતી. ખેડૂતોને 2015માં રૂા. 175-350નો જ ભાવ મળ્યો હતો. ગત વર્ષની તુલનાએ પ્રથમ દિવસે ખેડૂતોને વધુ ભાવ પ્રાપ્ત થયા હતા. તાલાલા યાર્ડના એક અગ્રણીએ કહ્યું કે, ચાલુ વર્ષે મોસમ પ્રમાણમાં અનુકૂળ રહી છે એટલે કેસર કેરીનું ઉત્પાદન ચોક્કસપણે વધવાનું છે. 2017માં ભાવ ઊંચા રહ્યો હતો. જૂનાગઢ યાર્ડમાં રોજ 17થી 18 હજાર બોક્સ અમરેલી અને તાલાલા પંથકમાંથી ઠલવાતા હોય છે. ગોંડલ અને રાજકોટમાં પણ રોજ બેથી ત્રણ ગાડીની આવક રોજ થતી છે.આમ એગ્રો ઈન્ડસ્ટ્રી ભાવમાં લૂંટ ચલાવી રહી હોવાનું જણાય છે.