કોંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય હાઇકમાન્ડ પક્ષના રાષ્ટ્રીય તેમજ વિવિધ પ્રદેશ એકમોના માળખામાં રહેલા છે તેને દૂર કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય હાઈકમાન્ડ દ્વારા વિવિધ રાજયોના પ્રદેશ એકમોના સંગઠનના માળખાને વિખેરી નાખવાનું આયોજન કરાયું છે. કોંગ્રેસનાં આ આયોજન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના સંગઠનના સમગ્ર માળખાને પણ આગામી દિવસોમાં વિખેરી નાખવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે. સૂત્રોએ એવું પણ જણાવ્યુ હતું કે, સોમવાર કે મંગળવાર સુધીમાં ગુજરાત કોંગ્રેસના માળખાને વિખેરી નાખવામાં આવે એવી શક્યતાઓ છે. જ્યારે કોંગ્રેસનાં એક નેતાનાં કહેવા પ્રમાણે વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થાય તે પછી પ્રદેશ કોંગ્રેસનાં માળખાને વિખેરીને નવેસરથી રચના કરવામાં આવશે. જેમાં પ્રદેશ પ્રમુખને હાલમાં કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રાખવામા આવશે. જ્યારે પક્ષના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ, પ્રવકતાઓ સહિતના તમામ હોદ્દેદારોને વિખેરી કાઢવામાં આવશે. જેમાં 600 હોદ્દેદારો છે.