ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ

અમદાવાદ, તા. 03

ગુજરાત જમીન વિકાસ નિગમમાં એક વર્ષથી ભ્રષ્ટાચારના પોપડા ઊખડી રહ્યાં છે. રોજ નવો ભ્રષ્ટાચાર બહાર આવે છે અને ઢંકાઈ જાય છે. છોટાઉદેપુર ખાતે નિગમના ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા આદિજાતિ સમાજના જયંતિ પટેલ પાસેથી એસીબીને એક વર્ષની તપાસના અંતે રૂ.2.81 કરોડની અપ્રમાણસર મિલ્કત શોધી છે. 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો. તપાસ દરમિયાન તેની પત્ની નંદાએ ખેતીની આવક થકી મિલ્કતો વસાવી હોવાનો દાવો કરી પતિને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જયંતિ પટેલ અને તેના પરિવાર કરોડો રૂપિયાની કિંમતની છોટાઉદેપુરમાં ખેતીની જમીનો, પ્લોટ, રહેણાંક મકાન તેમજ અર્થ મુવર્સની માલિકી ધરાવે છે. છોટાઉદેપુરમાં ખેતીલાયક 30 જમીન ખરીદી છે. કાળી કમાણીને ધોળી કરવા પુત્રને કોન્ટ્રાકટર બનાવી દીધો હતો. અમેરિકામાં ભણતા જૈમિનને ગુજરાત જમીન વિકાસ નિગમના બેંક એકાઉન્ટમાંથી દોઢ કરોડ રૂપિયા રકમ મોકલી છે. આઈટી રિર્ટનમાં ખેતીની આવક દર્શાવી નથી. ઘરકામ કરતા નંદા પટેલના નામે કરોડો રૂપિયાની મિલ્કત જયંતિ પટેલે ખરીદી છે.

જીએલડીસીના અનેક અધિકારીઓ ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયા 
ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી 56 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા બાદ નિગમના એમડી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સેક્રેટરી સહિતના અધિકારીઓની એસીબીએ ધરપકડ કરી હતી. જમીન વિકાસ નિગમમાં ભ્રષ્ટાચાર આચરી કરોડો રૂપિયાની મિલ્કત વસાવનારા કે.એસ.દેત્રોજા, એમ.કે.દેસાઈ સહિતના અધિકારીઓ સામે અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ જીએલડીસીના અન્ય અધિકારીઓ એસીબીની તપાસનો સામનો કરી રહ્યા છે.

આ કૌભાંડ કેમ થયું તે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે, શું છે આખું કૌભાંડ

ખેત તલાવડી કૌભાંડ રોજ બહાર આવી રહ્યા, છતાં સંયુક્ત તપાસ કરવામાં આવી નહીં અને નિગમને જ તાળા મારી દઈને ભ્રષ્ટાચારને તાળા મારી દેવાની ભૂલ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.
ખેડૂતો માટેની યોજનાઓમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ખેડૂતોના ખેતરમાં નાના તળાવ બનાવવાની યોજનામાં વ્યાપક કૌભાંડ થયું છે. રોજ આવા કૌભાંડ બહાર આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના સોખડા અને બરકાલ ગામે સરકારી અધિકારીઓએ લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં મદદનીશ નિયામક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. 13 ખેતરમાં તળાવ બનાવવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરતાં વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લી.ની વડોદરા કચેરીના મદદનીશ નિયામક કે.જી. ઉપાધ્યય, પૂર્વ મદદનીશ નિયામક એન.એચ. પટેલ, ફિલ્ડ સુપરવાઇઝર કે. જે. શાહ, ક્ષેત્ર મદદનીશ એન.સી. રાઠવા તથા ગેંગ લીડર છોટુ રવજી રાઠવા અને ગેંગ લીડર જેઠારામ પુરખારામે મળીને ખેતરમાં તળાવ બનાવ્યા વગર રૂપિયા વાપરી નાંખ્યા હતા. તેર તલાવડી માત્ર કાગળ પર બતાવીને  રૂા.11.64 લાખનું કૌભાંડ કર્યું હતું. મોડાસાના વતની એન.એચ. પટેલ, કે.જે. શાહ, એન.સી. રાઠવાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેમની મિલકતની ચકાસણી માટે પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાનોની તપાસ કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં તપાસ ન થઈ

ગુજરાતમાં અત્યાર સુધીમાં ખેત તળાવ કૌભાંડમાં 70 જેટલા અધિકારીઓને ધરપકડ કરી છે. આજ સુધી ક્યાં શું પકડાયું? તમામ જિલ્લાઓમાં તપાસનો આદેશ કરાયો હતો. જે તપાસ ન થઈ. ત્રણ જિલ્લામાં દરોડા પાડીને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. કુલ છ ટીમો બનાવીને રાજ્યના તમામ જિલ્લામાં અધિકારીઓની કાર્યપદ્ધતિ અને ગાંધીનગર સુધી ગોઠવાયેલા ‘ઉઘરાણાંના નેટવર્ક’ની તપાસ કરવાની હતી.  જમીન સંપાદન અધિકારીઓ અંગે તપાસ, અધિકારીઓની બેનામી, અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે ખાસ ડી.એ. યુનિટની રચના કરવાની જાહેરાત થઈ હતી. પણ પછી 12 ઓક્ટોબર 2018 સુધી કંઈ જ થયું નથી.

મુખ્ય કચેરીમાં જ દરોડો, મોટું લાંચકાંડ

5 વર્ષે રૂ. 3000 કરોડનું ટર્નઓવર ધરાવતાં ગુજરાત જમીન વિકાસ નિગમમાં લાંચ રૂશ્વત વિરોધી દળે દરોડો પાડતાં પાંચ અધિકારીઓ પાસેથી તેમની કચેરીમાંથી રૂ. 56 લાખ પકડાયા હતા. સરકારની કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર કે. સી. પરમારની પાસેથી રૂ. 40 લાખ મળી આવ્યા હતા. ખેડૂતો અને ગામમાં કોઈ કામ થયા ન હોવા છતાં અને તેનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું. આ બધી બાબતો બહાર આવતાં ગાંધીનગરનું સૌથી મોટું લાંચ કૌભાંડ હતું. ખેડૂતોની 21 યોજનાઓમાં 50 ટકાથી 100 ટકા સહાય આપવામાં આવે છે. રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ખેત તલાવડી માત્ર કાગળ પર બનાવીને કરોડોના આચરવામાં આવેલા કૌભાંડ અંતર્ગત તપાસ કોઈ એક સ્થળેથી કરવાના બદલે અલગ અલગ રીતે તપાસ કરવામાં આવે છે.

આ કંપની શું કામ કરે છે?

ખેત તલાવડી, સીમ તલાવડી બનાવવી, તળાવો ઊંડા કરવા તથા નવા તળાવ બનાવવા, પાળા બાંધવા, નાળા છાંદવા, ઢોળાવ ખેતી, જમીન સંરક્ષણ, સમતોલનું કામ આ કંપની કરે છે. સુરત, વલસાડ, ભરૂચ વગેરે આદિવાસી જિલ્લાઓમાં ડાંગરની ખેતી માટે ક્યારી બનાવવા માટે ખેડૂતોને નાણાં આપે છે. ડાંગ જિલ્લાના ઢોળાવો પર સ્ટેપ પધ્ધતિથી ખેતી, ક્ષાર નિયંત્રણ, પરકોલેશન ટેન્ક માટે નાણાં આપે છે.  જે પ્રજા સુધી પહોંચ્યા જ નથી.

કોણ છે અધિકારીઓ?

ગુજરાતના વરિષ્ઠ અધિકારી સંજય પ્રસાદ(આઈએએસ) જમીન વિકાસ નિગમ-કંપનીના અધ્યક્ષ, ડો. કે. એસ. દેત્રોજા કે જે મેનેજીંગ ડાયરેક્ટર હતા, ડાયરેક્ટરમાં અક્ષયકુમાર સકસેના (આઈએએસ), અક્ષયકુમાર સક્સેના આઈએફએસ, આર જી ભલારા, એન. સી. પટેલ, બી. આર. શાહ (એગ્રીકલ્ચર ડાયરેક્ટર), બી. એમ. મોદી (બીજ નીગમના એમ.ડી.) છે. આમ ખેતીવાડી વિભાગના અધિકારીઓ આ કંપની સાથે જોડાયેલાં છે. એસીબીએ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓની ડાયરી, કમ્પ્યુટર સહિતની વસ્તુઓ કબજે કરી છે. જેમાં રાજકારણીઓના અને ટોચના અધિકારીઓના નામો હોવાની શંકા હતી પણ તે વિગતો જાહેર કરાઈ નથી.

કરોડોના ટેન્ડર આપીને લાંચ કૌભાંડ થયું છે?

આ વર્ષે તળાવો સુકાઈ ગયા હોવાથી તળાવો ઊંડા કરવાનું રૂ. 24.30 કરોડનું ટેન્ડર હમણાં જ બહાર પાડવામાં આવ્યું હતું. ઉપરાંત એક લાખ ક્યુબીક મીટર જમીનનું ખોદકામનું કામ આપવામાં આવ્યું હતું. 90 હોર્સપાવરના 51 બુલડોઝર ભાડેથી લાવીને તેમને કામ મેળવવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. દરેક જિલ્લા દીઠ તળાવો ઊંડા કરવાના રૂ. 3.40 કરોડ અને આખા રાજ્યનું કુલ રૂ. 50 કરોડનું કામ આપવાનું હતું. જે એક એજન્સીએ એક લાખ ક્યુબીક મીટર માટી ખોદવાનું કામ મહિને કરે છે. લાંચની રકમ આ રીતે કરોડો રૂપિયાના ટેન્ડરો દ્વારા વર્ષોથી મેળવવામાં આવી રહી હતી.

જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ

લોકશાહી બચાવો અભિયાન દ્વારા સરકાર જૂઠું બોલી રહી હોવાનો ગંભીર આરોપ મૂકીને સનસનાટીભરી વિગતો પ્રજા સમક્ષ જાહેર કરી હતી. તેમના નેતાઓ પૂર્વ સીએમ સુરેશચંદ્ર મહેતા, પર્યાવરણ વીદ્દ મહેશ પંડ્યા અને અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે સંયુક્ત નિવેદનમાં 28 જુલાઈ 2018ના રોજ જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકારનું જળ સંચય અભિયાન એટલે ભ્રષ્ટાચારના જંગી ખાડા ખોદવાનો કાર્યક્રમ હતો. જૂનું કૌભાંડ ઢાંકવા નવું કૌભાંડ હતું. પણ ગંભીર બાબત એ છે કે, નદીઓને પુનર્જીવિત કરવાના મુદ્દે ગુજરાતના સીએમ નીતિ આયોગમાં હળાહળ જૂઠું બોલ્યા છે. તેમણે જાહેરમાં વચન આપ્યું હતું કે જળ સંચય અભિયાનનો હિસાબ જાહેર કરીશું પણ જાહેર કરાયો જ નહીં. તેથી ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર છૂપાવવા માગે છે. ચોમાસામાં વરસાદ પડી જતાં આ ભ્રષ્ટાચાર પણ ઢાંકી દેવાયો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર બહાર ન આવે તે માટે નિગમને બંધ કરી દેવાની જાહેરાત કરી છે.

છ કરોડ પ્રજા સાથે છેતરપિંડી આચરી

17 જૂન 2018ના રોજ સીએમે એમ જણાવ્યું હતું કે સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન દ્વારા ગુજરાતની 32 નદીઓ પુનર્જીવિત કરી છે અને તેમણે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને તે જોવા માટે નિમંત્રણ પણ આપ્યું હતું. પરંતુ આ નદીઓ કઈ તે ગુજરાત સરકારે હજુ સુધી કહ્યું જ નથી. આ અભિયાનનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રહેશે, ચોમાસુ પૂરું થયું છતાં હિસાબ હજુ સુધી જાહેર કરાયા નથી. છ કરોડની પ્રજા સાથે છેતરપીંડી કરી હતી. સીએમ પાસે આ હિસાબ માગતો પત્ર લખવામાં આવ્યો તો પણ તેમણે હિસાબ આપ્યો નથી. મુખ્ય પ્રધાન પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માગી હતી.

એક કૌભાંડ ઢાંકવા બીજું કરોડોનું કૌભાંડ

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું જે કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું હતું, તેને છાવરવા માટે અને તેના પર ઢાંકપિછોડો કરવા સુજલામ સુફલામ જળ સંચય યોજના શરૂ કરી હતી. મહત્ત્વનું એ પણ છે કે સરકારે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમનું કૌભાંડ બહાર આવ્યા પછી એ નિગમની કામગીરી સ્થગિત કરી દીધી હતી અને તેની બધી કામગીરી નર્મદા, જળ સંપત્તિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગને સોંપી દીધી હતી. જમીન વિકાસ નિગમના ચેરમેન એવા આઈએએસ અધિકારી સરકારની આખી યોજના જ નિગમના અધિકારીઓ ખાઈ ગયા છે. આ વ્યક્તિગત ભ્રષ્ટાચાર નથી પણ સામૂહિક કૌભાંડ જ છે. જળ સંચય અભિયાન ચલાવીને સરકારે પોતે જ ભ્રષ્ટાચારનો માર્ગ મોકળો કર્યો હતો. જૂનું કૌભાંડ ઢાંક્યું અને નવું કૌભાંડ કર્યું. તેમ સુરેશચંદ્ર મહેતા (ભૂતપૂર્વ સીએમ), મહેશ પંડ્યા અને હેમંતકુમાર શાહે જાહેર કર્યું છે. 2 સપ્ટેમ્બર 2019ના રોજ મુખ્ય પ્રધાને જાહેર કર્યું કે 18 ગામડાઓ અને તમામ શહેરોમાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. પણ આ એક નર્યું જુઠાણું છે.

ભાજપના ધારાસભ્યએ કૌભાંડ બહાર પાડી પડદો પાડી દીધો

પંચમહાલ જિલ્લાના 160 ખેડૂતોએ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક ખેત તલાવડીના રૂ. 87 હજાર લેખે 160 ખેડૂતોના રૂ.99 લાખનું કૌભાંડ હતું. મદદનીશ નિયામક કુશવાહ અને શહેરા તાલુકાના ફીલ્ડ સુપરવાઈઝર જે.કે. વણકરે કૌભાંડ કર્યું હતું. ખેત તલાવડી બનાવવા માટે તેઓ દ્વારા કોઈ પણ જાતની અરજી આપવામાં આવી નથી. ખેડૂતોની જાણ બહાર આ નાણાં ચૂકવી દેવાયા હતા. ભાજપના એક ધારાસભ્યએ આ કૌભાંડ જાહેર કર્યું અને હવે તેના ઉપર ઢાંકી દેવા રાજ્યાશ્રય મળ્યો છે.

ખેત તલાવડીમાં 20થી 30 ટકા કમિશન

જમીન વિકાસ નિગમના અધિકારીઓ તળાવ માટેની ગ્રાન્ટ મંજૂર કરાવવા 20થી 30 ટકા કમિશન લેતા હતા. જેમાં ટોચના નેતાઓ અને ટોચના અધિકારીઓ સંડોવાયેલા હતા. એસ દેત્રોજા અને કે સી પરમારની ડાયરીની પણ તપાસ થશે પુરાવા માટે જમીન વિકાસ નિગમના તમામ સીસીટીવી ફૂટેજ એસીબીએ કબજે લીધા હતા. જમીન વિકાસ નિગમની કચેરીમાંથી સોનાની લગડી મળી આવી હતી. જે વિગતો આજ સુધી જાહેર કરાઈ નથી. નિગમમાં વર્ષે રૂ.3000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનું માનવામાં આવે છે. જે પ્રકરણ જ તળાવો ઊંડા કરવાની જાહેરાત કરીને દબાવી દેવાયું હતું. શું થયું તેની વિગતો બહાર આવી નથી.

મોટો ઘટસ્ફોટ, 150 કરોડ લેવાયા

એસીબી ફૂટી જતાં ટ્રેપ કરી તે પહેલાં એક વ્યક્તિ ખૂબ જ મોટું રોકડનું કલેક્શન લઈને કચેરીમાંથી ભાગી ગયો હતો. તો આ વ્યક્તિ કોણ છે? કેટલી રોકડ રકમ લઇને રવાના થયો તેની તપાસ એસીબી કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે. રૂ.56 લાખનું કલેક્શન માત્ર એક જ દિવસનું હતું. તે હિસાબે અહીં વર્ષે કચેરીમાંજ રૂ.150 કરોડ લેવાતા હતા.

પૂર સહાયમાં ભ્રષ્ટાચાર

બનાસકાંઠામાં પૂર બાદ સહાયમાં કરોડો રૂપિયાનો ગોટાળો કરનારા એમ.કે. દેસાઈ 2016માં બનાસકાંઠામાં જમીન વિકાસ નિગમના ઇનચાર્જ નિયામક હતા જેમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ‘આયોજનબદ્ધ’ રીતે ભ્રષ્ટાચારના ‘ઉઘરાણાં’નું નેટવર્ક ગોઠવેલું હતું.

13,000 તળાવો બનાવવા નાટક

ભાજપ સરકારમાં વ્યાપક કૌભાંડ લોકોમાં ચર્ચાસ્પદ બનતાં લોકોને અવળા માર્ગે દોરવા માટે ગુજરાતમાં 13,000 તળાવો અને નદીઓ ઊંડી કરવા ‘ગુજરાત સ્થાપના દિન’ 1 મે 2018થી આખા મહિના દરમિયાન જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે 12,000 તળાવો ઊંડા કરી દેવામાં આવ્યા હોવાની સરકાર દ્વારા એકાએક જાહેરાત સીએમ વિજય રૂપાણી દ્વારા કરી દેવામાં આવી હતી.

ઠેર ઠેર, ઘેર ઘેર કૌભાંડ

રાજકોટના કોટડાસાંગાણીના નાના માંડવા અને જામકંડોરણાના બોરિયા ગામ, વલસાડમાં રૂ.34 લાખનું, સુરતના ત્રણ તાલુકા મહુવા, માંડવી, માંગરોળમાં 23 જેટલી ખેત તલાવડી બનાવ્યા વગર જ સરકારી રેકર્ડ પર બતાવીને કુલ રૂ.20.52 લાખનું કૌભાંડ, વલસાડના ધરમપૂરના બારોલીયા, સિંગારમાળ, બમાળ તથા કપરાડાના મધુબન અને નગર મળી કુલ 5 ગામોમાં મરણ પામેલા 35 ખેડૂતોના નામે કૌભાંડ થયા હતા. આ બધા કૌભાંડો અંગે એક સંયુક્ત અહેવાલ તૈયાર કરવામાં આવે તો તેમાં રૂ.3000 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનું કૃષિ વિભાગના અધિકારી માની રહ્યા છે.