ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા જુદી જુદી કોલેજોને અપાતા જોડાણની પ્રક્રિયા હવે ઓનલાઇન કરવાનુ નક્કી કરાયુ છે. અત્યાર સુધી આ પ્રક્રિયામાં અનેક પ્રકારના દસ્તાવેજો અને પુરાવાઓની જરૂરાયત ઉભી થતી હતી. હવે આ તમામ કાર્યવાહી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેના માધ્યમથી કોલેજોએ નવા જોડાણ માટે દરખાસ્ત કરવાની રહેશે.
જીટીયુ દ્વારા તૈયાર કરાયેલા ઓનલાઇન પોર્ટલમાં પાંચ સ્તરની જોડાણ પ્રક્રિયા રાખવામાં આવી છે. દરેક કોલેજોએ ઓનલાઇન પોર્ટલ ભર્યા બાદ બીજા તબક્કામાં ઓનલાઇન ડેફિશિયન્સી લેટર જનરેટ થશે. આ ક્ષતિપત્રનુ કોમ્પલાયન્સ પણ દરેક કોલેજોએ ઓનલાઇન કરવાનુ રહેશે. કોલેજ દ્વારા ભરવામાં આવેલી તમામ ઓનલાઇન વિગત સાચી છે કે નહી તેની ચકાસણી માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીનો અભિપ્રાય આવ્યા પછી જોડાણ અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જે તે સંસ્થાઓ દ્વારા તમામ વિગતો ઓનલાઇન આપવામાં આવતી હોવાથી અને એફિડેવિટ સાથે ભરી હોવાના કારણે વિગતો પાછળથી બદલી શકાશે નહી. તમામ ચકાસણી કર્યા પછી કોલેજને જોડાણ આપવુ કે નહી તેની જાણકારી પણ ઓનલાઇન જ આપવામાં આવશે. હાલની પ્રક્રિયામાં કોલેજ જોડાણની અરજીઓથી લઇને મંજુરી સુધીની પ્રક્રિયામાં અનેક પ્રકારના કાગળો તૈયાર કરવા પડતા હતા. હવે નવી ઓનલાઇન પધ્ધતિમાં ઓછામા ઓછા કાગળોની જરૂરયાત ઉભી થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.