07,અમદાવાદ
ભાજપના નેતા અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લડી રહેલા નેતા અલ્પેશ ઠાકોરની મિલકતમાં બે ચૂંટણી વચ્ચે જંગી વધારો થયો છે. તેમણે પોતાની સામેનો કેસ નબળો પાડવા માટે એક વકીલને રૂ.11 કરોડની લાંચ આપવાની ઓફર કરી છે. ત્યારે ગુજરાતના લોકો હવે પૂછી રહ્યા છે કે ગુજરાત ભાજપના નેતાઓમાં કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર છે ? તેનો ઉત્તર કેટલાક બનાવો પરથી જાણી શકાય છે.
કોણે કેટલો ભ્રષ્ટાચાર કર્યો ?
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારની વાત કરીએ તો સામાન્ય કોર્પોરેટરથી માંડીને મંત્રીઓ સુધી તેનું દૂષણ જોવા મળી રહ્યું છે, જેમાંથી અનેક કૌભાંડ ફરિયાદ બાદ સાબિત પણ થયાં છે. વાવ તાલુકા પંચાયતના પ્રમુખ તો ભ્રષ્ટાચાર દૂર કરવાની માગણી સાથે ખૂલીને બહાર પણ આવ્યા અને કબૂલ્યું કે, પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. જો કે ભ્રષ્ટાચારનું સમગ્ર ચિત્રની માહિતીમાં ચોંકાવી દે તેવી બાબતો સામે આવી છે.
ભાજપમાં ભ્રષ્ટાચારની વાત કરીએ તો લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરેટર પુરુષ કોર્પોરેટરો કરતાં ઊંચી લાંચ લેવામાં સવાઈ સાબિત થઈ છે. જેમાં કોર્પોરેટર વીણા જોશી 50 હજારની લાંચ લેતાં ઝડપાયાં, મીના રાઠોડ 5 લાખની લાંચ લેતાં ઝડપાયાં અને તેમને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. જો કે નેન્સી સુમરા પણ લાંચ લેતાં ઝડપાયા બાદ પ્રદેશ નેતાઓ તેમની સામે પગલાં ભરવામાં અચકાઈ રહ્યા છે. સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાળાએ મોકલાવેલો અહેવાલ ગાંધીનગર ખાતે મળી ગયો છે, તે પ્રદેશ કાર્યાલય દબાવીને બેસી ગયું છે. પ્રદેશ ભાજપે હજી સુધી નેન્સી સુમરાના સસ્પેન્શનના મુદ્દે મૌન ધારણ કરી લીધું હોવાથી ભાજપ પ્રદેશ નેતાઓ કૌભાંડને ચલાવી લેવા માગતા હોય તેવો પ્રજામાં સંકેત જઈ રહ્યો છે.
સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કુલ 5500 ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જેમાં કોંગ્રેસના બહુ ઓછા રાજકારણીઓ લાંચકેસમાં સપડાયા છે, જ્યારે ભાજપના નેતાઓ લાંચ લેતાં સૌથી વધુ ઝડપાયા છે. એક પ્રામાણિક કોર્પોરેટરના કહેવા મુજબ એક સભ્ય પાંચ વર્ષમાં 20 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલિંગમાં કમાઈ લે છે. સમગ્ર રાજ્યમાં જો 5500 લોકો મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કાર્યરત્ છે, તો આ ભ્રષ્ટાચારનો આંકડો અબજોને વટાવી જાય તેમ છે. સામાન્ય રીતે વાર્ષિક રૂ.10 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. ભાજપમાં 2014 સુધી કેન્દ્રિત ભ્રષ્ટાચાર થતો હતો, જે હવે વિકેન્દ્રિત થઈ ગયો છે, એટલે કે સામાન્ય કાર્યકર અને સામાન્ય નેતાના કુટુંબકબીલા પણ ભ્રષ્ટાચાર કરીને અબજો રૂપિયા પોતાના ગજવામાં સેરવી રહ્યા છે.
ટિકિટ માટે ધારાસભ્યએ કરોડોની લાંચ આપી
ધ્રાંગ્રધ્રાના ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે ટિકિટ મેળવવા માટે કરોડોની લાંચ ભાજપના એક નેતાને આપી હોવાનો આરોપ ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં ભાજપ સરકારના પૂર્વ કૃષિમંત્રીએ મૂક્યો હતો.
પ્રમુખનો પુત્ર નર્સ પાસેથી લાંચ લેતો પકડાયો
લીંબડીના ભાજપ ધારાસભ્ય કિરીટ રાણાનો પીએ બળદેવ છત્રોલા અને સુરેન્દ્રનગરના લીમડી નપાના પ્રમુખ નાનુબેન ચાવડાનો પુત્ર અને ભાજપનો કાર્યકર ભરત ચાવડા એક નર્સને નોકરી આપવા માટે રૂ.7 લાખની લાંચ અને કૌભાંડ કરતાં 26 માર્ચ 2018એ પકડાઈ ગયાં હતાં, આવાં કામ કરવા માટે તેની સાથે એક આખી ગેંગ પણ પકડાઈ હતી. જેમણે બસ કંડક્ટરની પુત્રીને નર્સ તરીકે નોકરી આપવા માટે રૂ.2 લાખ સ્ટાફ નર્સની પરીક્ષા પહેલાં, રૂ.2 લાખ પરિણામ સુધારવા, રૂ.10 હજાર ચા-પાણીના, રૂ.85 હજાર ઝાલોદમાં નોકરીનો ઓર્ડર રદ કરાવવા માગ્યા હતા, જે ઓર્ડર આપ્યા પણ તે નકલી હતા.
રાધનપુરમાં ભ્રષ્ટાચારનું પૂર
રાધનપુર ભાજપ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. ભાજપના એક રાજ્યકક્ષાના નેતાએ ભ્રષ્ટાચાર કરીને પોતાની એક ટીવી ચેનલમાં ભાગીદારી કરી છે. અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક કર્મચારીને છૂટો કર્યા બાદ હાઈકોર્ટે નોકરી પર પરત લેવા આદેશ કર્યો હતો. જો કે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં ભાજપના મહિલા કોર્પોરેટરે કર્મચારી પાસે નોકરીમાં પરત લેવા રૂ.5 હજારની માગણી કરી હતી. આ મહિલા કોર્પોરેટર દ્વારા ફરિયાદી પાસે લાંચ માગવાની ઓડિયો ક્લિપ સામે આવી હતી.
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલની સામે રૂ.20 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સામે ભ્રષ્ટાચારના ગુનાની FIR બાદ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભાજપના નેતાઓને પોલીસે ન પકડતાં અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. અદાલતે ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં ભાજપના આ બંને નેતાઓ સામે પક્ષ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. અને ભાજપના બંને નેતાઓ મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરમાં ખુલ્લેઆમ ફરે છે.
સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે પરષોત્તમ સાબરિયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાનાં નામ કરોડોના સરકારી કામમાં બહાર આવ્યાં છે, જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ અને ઉપપ્રમુખ વલ્લભ પટેલ સામે એફઆઈઆરમાં દાખલ કરાઈ છે. ભાજપના આ બંને નેતાને ભાગેડુ જાહેર કરી દેવાયા છે.
મોરબીના ભાજપના મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા પછી પાછા ખેંચ્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલે રૂપાણી સરકારના સિંચાઈ રાજ્ય પ્રધાન પરબત પટેલને પત્ર લખ્યો હતો કે, હળવદ તાલુકાની નાની સિંચાઈ યોજનામાં 309 કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે, જેમાં કામ વિના જ નાણાં ચૂકવી દેવાયાં છે. આ અંગે પાંચ દિવસમાં તપાસ કરવા નહીં તો ઉપવાસ પર બેસવાની ચીમકી અપાઈ હતી 12 જુલાઈના લખવામાં આવેલા આ પત્ર બાદ દોઢ મહિના પછી તેમણે બીજો પત્ર લખ્યો હતો. 30 સપ્ટેમ્બર 2018ના દિવસે મોરબીના કાર્યપાલક ઈજનેરને ભાજપના લેટર હેડ પર પત્ર લખીને કહ્યું કે, ‘ના આવો, કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.’ ભાજપના તે લેટરહેડ પર કમળના નિશાન સાથે લખ્યું હતું કે, ‘સૌનો સાથ-સૌનો વિકાસ અને ગતિશીલ ગુજરાત. જેમાં તેમણે વંદે માતરમ્ પણ લખેલું છે.
પોલીસ પાસે પુરાવા
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઊંડાં કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજિત રૂ.20 કરોડથી વધુ રકમનાં 334 કામ મંજૂર કર્યાં હતાં. સિંચાઈ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથકમાં 46 કામોની તપાસ કરાઈ હતી. જેમાં 66.91 લાખની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં થઈ હતી. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે ? પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 51 કામોમાં કુલ રૂ.1.12 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો.
વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવાના રૂ.40 લાખ
હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ ગુજરાત વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ન ન ઉઠાવવા તેમના વચેટિયા એવા વકીલ ભરત ગણેશિયા મારફતે રૂ.40 લાખમાં ડીલ કરી હતી. જે પેટે રૂ.10 લાખ ધારાસભ્યને ચૂકવાયા હતા અને બાકીની રકમના ચેક સંડોવાયેલી મંડળીના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા. જેમાં મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની ધરપકડ કરી હતી.
આવા એક જ વર્ષમાં ભાજપના 28 કિસ્સા બહાર આવ્યા છે. જે પાશેરામાં રૂની પૂણી બરાબર છે. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે કે રાજ્યના આર્થિક પાયા નબળા પાડી રહ્યો છે.