દિલ્હી ખાતે રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો.
અધિક મુખ્ય સચિવ શ્રી સંજ્ય પ્રસાદ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર” – નવી દિલ્હી દ્વારા “૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ – ૨૦૧૮” ના કાર્યક્રમમાં ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુજરાત રાજ્યને “બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય વતી આ એવોર્ડ શ્રી આર.સી.ફળદુ, કૃષિ મંત્રી, શ્રી સંજ્ય પ્રસાદ, અધિક મુખ્ય સચિવ (કૃષિ) અને શ્રી ભરત મોદી, ખેતી નિયામકે કેન્દ્રિય ગૃહ મંત્રીશ્રી રાજનાથ સિંહના હસ્તે સ્વીકાર્યો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા પ્રાયોજીત ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડની પસંદગી પ્રક્રિયા અંતર્ગત હરિતક્રાંતિનાં પ્રણેતા પ્રો. એમ.એસ. સ્વામીનાથનનાં અધ્યક્ષ સ્થાને રચિત જ્યુરી દ્વારા રાજ્યની “બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ” એવોર્ડ માટે પસંદગી કરવામાં આવેલ.
ગુજરાત કૃષિ ક્ષેત્રે નવા આયામો અપનાવવામાં અને નવી પહેલ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાત રાજ્યએ કૃષિ ક્ષેત્રે વિવિધ અભિગમ અપનાવી કૃષિ ક્ષેત્રે અમાપ સફળતાઓ હાંસલ કરી છે.
કૃષિ મહોત્સવ, સોઈલ હેલ્થ કાર્ડ, જળ સંચય, સૂક્ષ્મ પિયત, બાગાયત, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, ડેરી અને પશુપાલન થકી ગુજરાત રાજ્યએ એક નવી દિશા ચીંધી છે.
છેલ્લા બે થી ત્રણ વર્ષોમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવી તકનીક અપનાવવામાં અને કૃષિ ક્ષેત્રનો વિકાસ ટકાવી રાખવા માટે કટિબધ્ધ રહ્યું છે.
કપાસ રાજ્યનો મહત્વનો પાક છે અને રાજ્યની કૃષિ આવકમાં મહત્વનો ફાળો ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોમાં બી.ટી. કપાસ સામે ગુલાબી ઈયળ એટલે કે પિંક બોલવોર્મ દ્વારા પ્રતિરોધકતા કેળવી લેવામાં આવતા કપાસ સામે નવો ખતરો ઉપસ્થિત થયો હતો, પરંતુ રાજ્યનાં કૃષિ વિભાગ દ્વારા આ માટે કૃષિ વિસ્તરણ અને ગુલાબી ઈયળનાં નિયંત્રણ માટે સંકલિત અભિગમ અપનાવવામાં આવતાં રાજ્યએ ગુલાબી ઈયળનું સફળતાપૂર્વક નિયંત્રણ કરવામાં સફળતા હાંસલ કરી છે.
નવી ટેક્નોલોજી અપવાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્ય દ્વારા કેષિ ક્ષેત્રે સેટેલાઈટ ઈમેજીસ, જી.આઈ.એમ. મેપિંગ અને યુ.એ.વી.ના ઉપયોગ થી ટેકનોલોજી બાબતે હરણફાળ ભરી છે.