ગુણવત્તા અને સંશોધન દવા ક્ષેત્રને આગળ વધારશે, હવે જેનરિક દવા બનલા લાગી છે

ફાર્મા ક્ષેત્રમાં લેટેસ્ટ જાણકારી,  ઉજ્જવળ ભવિષ્ય ઘડશે

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના ગુજરાત વિભાગના વડા ડેપ્યુટી ડ્રગ કંટ્રોલર ડૉ. અરવિંદ કુકરેટીએ સમારોહમાં જણાવ્યું હતું કે તમારી દાનત સાફ હોય અને ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દવાઓનું ઉત્પાદન કરતા હો તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દવાઓને લગતા ધારાધોરણોમાં અનેક ફેરફારો થયા છે. આ પરિસ્થિતિમાં ભારતીય ફાર્મા ઉદ્યોગે પ્રગતિના પંથે ભરેલી હરણફાળની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. ફાર્મા ક્ષેત્ર હવે જેનરિક દવાઓના ઉત્પાદન પર પણ ધ્યાન આપતું થયું છે. દવાઓ અને તબીબી સારવાર સામાન્ય જનતાને પરવડે એવી બનાવવાની દિશામાં અનેક પગલાં લેવાઈ રહ્યા છે. દવાઓની ગુણવત્તા પ્રત્યે પૂરતું ધ્યાન અપાય તેના માટે સીડીએસસીઓ અને સ્થાનિક ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઑથોરિટીના અધિકારીઓની ટીમ મળીને સરપ્રાઈઝ ઈન્સ્પેક્શનો કરી રહ્યા છે.

આ સમારોહમાં સીઆઈઆઈના આઈપીઆર વિભાગના વડા અનિલ પાંડેએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. એલ.એમ. ફાર્મસી કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સીપાલ ડૉ. એમ.સી. ગોહેલે જણાવ્યું હતું કે અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન (એફડીએ)ની પરવાનગી મેળવવી એ ખરેખર પડકારજનક બાબત છે. આમછતાં યુએસએફડીએની સૌથી વધારે પરવાનગી મેળવવામાં ભારતમાં ગુજરાત રાજ્ય સૌથી મોખરે છે. રાજ્યના ફાર્મા ક્ષેત્રમાં ફોરમ્યુલેશન અને ડેવલપમેન્ટ (એફ એન્ડ ડી) વિભાગમાં શ્રેષ્ઠ લેબોરેટરીની અછત છે, ત્યારે એક્યુપ્રેકની આ નવી લેબ તે અછતને પૂરી કરશે એવો મને વિશ્વાસ છે.

ટેકનોલોજીની બાબતમાં જેમ જાપાન, જર્મની અને કોરિયા મોખરે છે, એવી રીતે ફાર્મા ક્ષેત્રમાં ભારતની પ્રગતિની દુનિયાભરમાં નોંધ લેવાઈ રહી છે. આવા સંજોગોમાં ફાર્મા ક્ષેત્રમાં લેટેસ્ટ જાણકારી, ક્વૉલિટી અને ઈનોવેશન જ ઉદ્યોગનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે, એમ ટ્રોઈકા ફાર્માના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. કેતન પટેલે જણાવ્યું હતું. ફાર્મા કંપનીઓમાં સારી માળખાકીય સુવિધાઓ આવશ્યક હોય છે જ પણ તેની સાથોસાથ ક્વૉલિટીની જાળવણી કરે તે જ સફળ બની શકે. પ્રગતિ માટે ઉત્કૃષ્ટ કામગીરી સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ છે. ગુણવત્તા પર સતત નિરીક્ષણ એ પ્રગતિની માસ્ટર કી છે.

એક્યુપ્રેકના મેનેજિંગ ડિરેક્ટર મુળુભાઈ કંડોરીયાએ કહ્યું હતું કે, ઈમાનદારી, મહેનત અને ખંતથી કામ કરીએ તો તેનું ફળ અવશ્ય મળે છે. ભારતમાં રિસર્ચમાં અન્ય દેશોની સરખામણીએ પ્રમાણમાં ઓછો વિકાસ થયો છે. રિસર્ચમાં થવી જોઈએ એટલી ઝડપી કામગીરી થઈ નથી. દેશને હાલમાં પાણી સહિતની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે રિસર્ચની આવશ્યકતા છે.

એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના ફોરમ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ બિલ્ડીંગના ઉદઘાટન સમારોહમાં રાજ્યના વિવિધ ફાર્મસી એકમોના માલિકો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંલગ્ન ફાર્મસી કૉલેજોના પ્રિન્સીપાલો તથા પ્રાધ્યાપકો તેમજ વરિષ્ઠ રેગ્યુલેટરી અધિકારીઓ પણ હાજર હતા.