હિંમતનગરના ઢૂંઢરની 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે વાવના કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે કાયદો હાથમાં લઈ આરોપીનો ખેલ ત્યાં જ પૂરો કરવાને લઈને કરેલા વિવાદિત નિવેદનનો વિડિઓ વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. જોકે આ મામલે કોંગ્રેસ પક્ષનાં નેતાઓએ હાથ ખંખેરી લીધા હતાં. જેનાં કારણે એકલાં પડી ગયેલાં ગેનીબહેને પોતાનાં આ નિવેદનનો લૂલો બચાવ કરી લોકોને શાંત કરવા માટે આ પ્રકારે વાત કરી હતી.
વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરનો વિવાદિત નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ ઢૂંઢરની ઘટના બની ત્યારે આરોપીને પોલીસને હવાલે કરવાને બદલે કાયદો હાથમાં લઈ તેને પેટ્રોલ છાંટી ત્યાંજ પૂરો કરવાની સલાહ આપતો વીડિયો વાઈરલ થયો હતો. આ પ્રકારનાં નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અને ભાજપ દ્વારા કોંગ્રેસ અને તેમનાં વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પર આકરાં પ્રહારો કરવામાં કોઈ કચાશ રાખવામાં આવી નહોતી.
ધારાસભ્ય તરીકે ગેનીબહેન ઠાકોરનો વિવાદિત નિવેદનનો વીડિયો વાઈરલ થતા તેઓ બચાવની સ્થિતિમાં આવી ગયા હતા. જોકે, ગેનીબહેન ઠાકોરે જણાવ્યું કે, આ ઘટનાને પગલે રોષે ભરાઈને રજુઆત કરવા આવેલી મહિલાઓનો ગુસ્સો શાંત કરવા મેં આવું નિવેદન કર્યું હતું. બાકી વિવાદિત નિવેદન કરવા પાછળ મારો કોઈ બદઈરાદો ન હોવાનો તેઓએ લુલો બચાવ કર્યો હતો.
આમ, કૉંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બાદ કૉંગ્રેસના જ વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ વિવાદના વમળમાં ફસાયા છે. હવે જોવું એ રહ્યું કે આવનારા દિવસોમાં ગેનીબહેનનાં નિવેદન મામલે રાજકારણ કેવું ગરમાય છે.