સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો કરવામાં આવે છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઇને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી અનેક વિદ્યાર્થો મુંઝવણમાં મૂકાઈ ગયાં છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે વિદ્યાર્થીઓનાં પરીક્ષા સીટ નંબર જમ્લીંગ કરીને ગોઠવણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી એક કોલેજના વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવું પડશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાનારી આગામી તમામ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઈને વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ કોલેજોનાં વિદ્યાર્થીઓના પરીક્ષા સીટ નંબર જમ્લીંગ કરીને બેઠક વ્યવસ્થા ગોઠવાશે. જેથી એક કોલેજના વિદ્યાર્થીએ બીજી કોલેજમાં પરીક્ષા આપવા જવું પડશે. જેનાથી વિદ્યાર્થીઓને મુસાફરી, વાંચન વગેરેમાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત યુવતીઓ અત્યાર સુધી પોતાની કોલેજમાં પરીક્ષા આપતી હોવાનાં કારણે પૂરી રીતે સુરક્ષીત હતી. ત્યારે હવે યુવતીઓએ અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવાનું હોવાથી સુરક્ષાને લઈને પણ મુંઝવણ અનુભવી રહી છે.
યુનિવર્સિટી દ્વારા જમ્લીંગ સીસ્ટમનો નિર્ણય કરવા પાછળ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા લેવાનું કારણ આગળ ધરવામાં આવ્યુ છે. આ સીસ્ટમથી વિદ્યાર્થીઓને કેટલા અંશે મુશ્કેલી પડશે તે વિચારવાનું કદાચ નિર્ણય કરનારાઓ ભૂલી ગયા હશે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ માટે દરેક મિનિટ કિંમતી હોય છે. કારણ કે તે સમયે વાંચન કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં અન્ય કોલેજમાં પરીક્ષા આપવા જવાની હોવાથી વિદ્યાર્થીઓનો સમય વેડફાશે. જેની અસર સીધી તેમનાં પરિણામ પર પડી શકે છે. આ પહેલાં પણ યુનિવર્સિટી દ્વારા કાયદાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ પરીક્ષા આપવાનો નિર્ણય કરાયો હતો. અંતે રાજ્યપાલના સૂચનથી નિર્ણય રદ્દ્ કરવો પડ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્વ કુલપતિ જોશીપુરાનાં કાર્યકાળમાં આ જમ્લીંગ સિસ્ટમ અપનાવવામાં આવી હતી. જે નિષ્ફળ જતા અંતે સિસ્ટમ રદ્દ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં જ પરીક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી આ નિર્ણય કરવાથી ગેરરીતિ અટકશે ખરી. કારણ કે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજના પરીક્ષા ખંડમા પહેલેથી CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા સ્વોર્ડની અનેક ટીમો બનાવામાં આવે છે જે પરીક્ષા દરમિયાન ચેકીંગ કરે છે. તો શું યુનિવર્સિટીને પોતાની જ સ્વોર્ડ અને સીસીટીવી વ્યવસ્થા પર ભરોસો નથી? ગેરરીતિના નામે વિદ્યાર્થીઓને પરેશાની થાય તેવા નિર્ણય કેટલા અંશે યોગ્ય તે એક યક્ષ પ્રશ્ન છે.