ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય એવું લાગી રહ્યું છે. એકબાજુ તેમનાં પાક વિમાની રકમને મામલે કોઈ ઉકેલ આવ્યો નથી. આ ઉપરાંત ખેડૂતોનાં દેવા માફી મામલે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ ઉકેલ આવ્યો નથી. આટલું ઓછું હોય એમ મગફળીનાં ગોડાઉનમાં પણ વર્ષની શરૂઆતમાં આગ લાગવાનાં બનાવો બન્યાં હતાં. ત્યારે આજે ગોંડલ APMC માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલાં મરચાની બોરીઓમાં આગ લાગી હતી. આ આગની ઘટના બનતાં જે ખેડૂતોનાં મરચાંનો પાક હતો તે નાશ પામ્યો હતો. આ આગને કારણે આસપાસનાં વિસ્તારોમાં પણ મરચાંની બોરીઓની આગને કારણે અસર થવા પામી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં મૂકવામાં આવેલી સૂકા મરચાંની બોરીઓમાં અચાનક જ આગ લાગી હતી. અને આ આગ લાગતાં જ એક પછી એક તમામ બોરીઓમાં આગની જ્વાળા પહોંચી જવા પામી હતી. આગનાં બનાવનાં પગલે ગોંડલ નગરપાલિકાનાં ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનાં પ્રયાસો હાથ ધર્યાં છે.
આ અંગે સ્થાનિક ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યાં છે કે, મરચાંની બોરીઓમાં આગ અચાનક લાગી નથી, પરંતુ આગ લગાડવામાં આવી છે. અને આ આગમાં સ્થાનિક ખેડૂતોનાં તેમ જ વેપારીઓનાં મરચાં બળીને ખાખ થઈ ગયાં છે અને તેનાં કારણે લાખોનું નુકશાન પણ થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક બાજુ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ બાબતે કોઈ નક્કર પગલાં લેવાયા નથી ત્યારે આ પ્રકારની આગને કારણે થતાં નુકશાનની ભરપાઈ કેવી રીતે કરશે સરકાર એ એક યક્ષ પ્રશ્ન છે.