ગોડસેએ એક ગોળી મારી પણ, ગાંધી આશ્રમમાં ગાંધીજીની રોજ હત્યા

1030માં આશ્રમનો અંગ્રેજ સરકારને કબજો લઈ લેવા ગાંધીજીએ કહ્યું હતું. પણ તેમ ન થતાં 1-8-1933માં ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમને હરિજન આશ્રમમાં ફેરવી નાંખ્યો હતો. તેમના પુસ્તકોની રોયલ્ટીની આવકના 25 ટકા રકમ હરિજન પ્રવૃત્તિ માટે આપવા ગાંધીજીએ વસિયત નામું કર્યું હતું. તે માટે હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. પછી આઝાદી મળી અને આશ્રમની કરોડોની મિલકતો પર તે સમયના ગાંધીવાદીઓની નજર બગડી હતી. ગાંધીજીએ જે વસિયત નામું કર્યું હતું તેની વિપરીત જઈને તેમના અવસાન પછી અલગઅલગ ટ્રસ્ટ બનાવીને સત્યાગ્રહ આશ્રમની 100 એકર જેવી જમીન પર ગાંધીયનો નજર બગાડી બેઠા હતા. સાબરમતી આશ્રમની જમીનના અનેક ટૂકડા થવા લાગ્યા હતા. જમીન અલગ અલગ ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી. જે પ્રવૃત્તિ પ્રમાણે જમીનો વેચી દેવામાં આવી હતી. ગાંધીજીએ જે વિશ્વાસ મૂક્યો હતો તેનો વિશ્વાસ ઘાત કર્યો હતો. ગાંધીજીનો આત્મા અહીં આશ્રમમાં હતો તે હ્રદય સમા આશ્રમના ટૂકડા ગાંધીવાદીઓએ કરી લીધા. જેઓ પૈસા અને સત્તા માટે કાગડાની જેમ તૂટી પડ્યા હતા. તે પણ એવી ચાલાકીથી કે કોઈને ખબર પણ ન પડે તે રીતે આશ્રમની પ્રવૃત્તિ પ્રમાણે ભાગ બટાઈ શરુ કરી હતી. જે આજ સુધી ચાલુ રહી છે. એક પણ ગાંધીયન એવા ન નિકળ્યા કે ગાંધી આશ્રમની 100 એકર જમીન અને બીજી ગૌશાળાની 1700 એકરથી વધુની જમીનને ગાંધી આશ્રમ માટે જ અનામત રાખીને પ્રવૃત્તિ કરવામાં આવે. પણ જમીનો પોતાની રીતે વેંચી ખાધી. ગોડસેએ તો એક ગોળી મારી હતી. પણ આશ્રમમાં તો આજે રોજ ગાંધી વિચારોને ગોળી મારવામાં આવી રહી છે. ગાંધી વિચારોની હત્યા રોજે રોજ થાય છે. જેની કોઈને પડી નથી. અહીં સાત ટ્રસ્ટ બનાવવામાં આવ્યા હતા. જેમાં સાબરમતી આશ્રમ, સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ, હરિજન આશ્રમ ગૌશાળા, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ, હરિજન આશ્રમ, હરિજન સેવક સંઘ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ અને કસ્તુરબા ખાદી મંડળીનો સમાવેશ થાય છે. કેન્દ્રીત વ્યવસ્થા હતી ત્યાં સુધી બહુ ખોટું થયું ન હતું. પણ જેવા આ ટ્રસ્ટ અલગ થયા તેની સાથે રોજ લૂંટફાટ ચાલું થઈ હતી. જ્યાં એક આખી ગાંધી યુનિવર્સિટી ઊભી થઈ શકે એટલી જમીન હતી તેના ટૂકડા કરી નાંખવામાં આવ્યા છે. આજે પણ જમીન કૌભાંડો અહીં ચાલુ છે. ગાંધીજીની મિલકતો રફેદફે કરી દેવામાં આવી છે.

2 ઓક્ટોબર 2018માં એવું જ ચાલું

2 ઓક્ટોબર 2018 સુધી ચાલુ રહી છે. આ દિવસે પણ અહીં ગાંધીજીની સાદગીને બદલે ભવ્ય કાર્યક્રમ કરાયો હતો. મુખ્ય પ્રધાન માટે ઝાઝમ પાથરવામાં આવી હતી. આશ્રમ જાણે સરકારી મિલકત હોય તેમ વાપરવામાં આવી હતી. ત્રણ વિશાળ ટીવી સ્ક્રીન રાખવામાં આવ્યા હતા. ચારેબાજુ ગાદલા પાથરવામાં આવ્યા હતા. ગાંધી આશ્રમનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગાંધીજીના પુસ્તકો વેચવા નહીં એવું ગુજરાત સરકારે અહીં ફરમાન કરીને પુસ્તકાલય બંધ કરાવી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ગાંધી જયંતીએ દોઢ લાખ રૂપિયાના પુસ્તકો લોકો ખરીદીને તેમના વિચારો અપનાવતાં હોય છે તે બપોર પછી બંધ કરાવી દેવામાં આવતાં ગાંધીજીના પુસ્તકો જ વેચાયા ન હતા. આમ અહીં આજના દિવસે પણ ગાંધીજીના વિચારોની હત્યા થઈ હતી. ક્યાંય સાદગી ન હતી. સરકારે આખા આશ્રમનો કબજો લઈ લીધો હતો. ગુજરાતના શિક્ષણ વિભાગે શિક્ષકોને આતવો જાહેર કરીને ખાદી ફરજીયાત ખરીદવા કહ્યું હતું. ગાંધીજીએ સામાન્ય જનતા પર કાયદાથી કે સરકારી નિયમોથી ખાદીને ફરજિયાત ક્યારેય કરી ન હતી. પણ ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ખાદી ખરીદીને તેનું બિલ સત્તાવાળાઓને મોકલી આપવા ફરમાન કર્યું હતું. ગાંધી વિચારની હત્યા ભાજપ સરકાર પોતે આજે પણ કરી રહી છે. આશ્રમમાં સાદગી નહીં પણ રાજાશાહી ઠાઠ થઈ રહ્યો છે. આઝાદી મળી પણ રાજનેતાઓ સવાયા અંગ્રેજ સાબિત થઈ રહ્યાં છે. આશ્રમનું ભગવાકરણ કરવા માટે પણ તેઓ તૈયાર રહેતાં હોય છે.