ગોધરા રમખાણોની પડદા પાછળની વાત કહેતુ પુસ્તક: પડદા પાછળનું ગુજરાત

અમદાવાદ,તા.23

આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવા યોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો અને સાંપ્રદાયિક દંગા અંગે ટીકાટિપ્પણ અને મોટા પાયે ચર્ચા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે થતાં ભારતની છબી ખાસ્સી એવી ખરડાઈ હતી, તેમ છતાં ગુજરાતમાં આ દુર્ઘટના ઘટી એ પ્રદેશની ભાષામાં પુસ્તક અનુદિત થતાં ખાસ્સો એવો વખત વીતી ગયો. એના કારણમાં જઈએ તો આ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરવા કોઈ તૈયાર થયું નહોતું, તો વળી કોઈ પ્રકાશકે આ પુસ્તક ગુજરાતીમાં પ્રકાશિત કરવા હિંમત દાખવી નહોતી, કહો કે તૈયારી દર્શાવી ન હતી.

આ અનુદિત પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય આપતાં કહી શકાય કે ગોધરા રેલવે-સ્ટેશન પરની દુર્ઘટના પછી ગુજરાતનાં અનેક શહેરો-વિસ્તારો-ભાગોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળવાનું મુખ્ય કારણ સરકારના પોલીસતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનાં પાલનમાં દાખવવામાં આવેલ ગંભીર પ્રકારની બેદરકારી હતું. આ પુસ્તકમાં બે જૂથો વચ્ચેનાં કોમી તોફાનો અને તે પછી પોલીસની સરિયામ બેદરકારી પર ઢાંકપિછોડો કરવા અને નિર્મમ હત્યાકાંડના અપરાધીઓને બચાવવા માટે કરવામાં આવેલ સરકારના આયોજનબદ્ધ (!) પ્રયત્નોનો લેખકે એક પોલીસ – અધિકારીની હેસિયતથી પર્દાફાશ કર્યો છે.

કોમી રમખાણો દરમિયાન ઉચ્ચ પોલીસ – અધિકારીની રૂએ લેખકે રજૂ કરેલા અહેવાલો અને તે પછી કોમી તોફાનોની તપાસ કરવા સારુ સરકારે નિયુક્ત કરેલાં તસાસપંચ સમક્ષ એમણે રાજકારણીઓ, પોલીસતંત્ર અને નોકરશાહોની નિમ્ન કક્ષાની ભૂમિકાનો કરેલો પર્દાફાશ આ પુસ્તકની મુખ્ય બાબતો છે. સર્વોચ્ચ અદાલતના આદેશથી રચાયેલ ખાસ તપાસ(એસ.આઈ.ટી.)ની કામગીરીને લેખકે બહુ જ નજીકથી અને બારીકાઈથી નિહાળી અને અંતે લેખક એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે એસ.આઈ.ટી.એ ગુનેગારોને તેમનાં અમાનુષી દુષ્કૃત્યો બદલ સજા કરવાને બદલે ગુનેગારોના બચાવપક્ષે રહીને વકીલ તરીકેની ભૂમિકા ભજવી હોય, એવી છાપ પડે છે.

લેખક પ્રાક્કથનમાં જણાવે છે કે, ‘એક પોલીસ-અધિકારી અને નાગરિક તરીકે મેં જે કાંઈ અનુભવ્યું, ફેબ્રુઆરી ૨૦૦૨ દરમિયાન ગોધરામાં ઘટેલી ઘટના બાદ સિલસિલાબંધ વિષમ પ્રસંગોના સાક્ષી બનવાનું થયું, તે સઘળું આ પુસ્તકમાં કશું ય ગોપનીય રાખ્યા વિના વર્ણવાયું છે.’  લઘુમતી વિરોધી હિંસાનાં હૃદયદ્રાવક દૃશ્યો એક વ્યક્તિ તરીકે અને ફરજના ભાગ રૂપે પણ જોઈને મેં નિર્ણય કર્યો કે રાજ્ય સરકાર સાચી માહિતી ઉપર ઢાંકપિછોડો કરી રહી છે. ગોધરાના આ રક્તરંજિત બનાવ બાદ ઇન્ટેલિજન્સ વિભાગના અધિક ડી.જી.પી. તરીકે એપ્રિલ ૨૦૦૨માં મને આ કામગીરી સોંપાઈ તેને હું દૈવી નિયોગશક્તિ સમાન ગણું છું, તેણે મને વહીવટી સત્તાધીશોને ખુલ્લા પાડવાની તક આપી.”

આ પુસ્તકમાં કુલ ૧૭ પ્રકરણો અને બે પરિશિષ્ટ મૂકવામાં આવેલાં છે. પ્રત્યેક પ્રકરણના પ્રારંભમાં વિવિધ ધર્મગ્રંથોનાં અવતરણ મૂકવામાં આવેલ છે, જેમાં ભગવદ્‌ગીતા, ચારેય વેદ, તિરુક્કુરલ (તિરુવલ્લુવર રચિત), કુરાન, બાઇબલ, ધમ્મપદ, નીતિસાર, નીતિશતક વગેરેના પ્રકરણનાં વિષયને અનુરૂપ અવતરણોનો સમાવેશ થાય છે.

‘નિરીક્ષક’ વિચારપત્રના તંત્રી, વિચારક અને કર્મશીલ પ્રકાશ ન. શાહે ‘સાચના સિપાહીની સોબતમાં’ – એ શીર્ષક હેઠળ જે પ્રસ્તાવના લખી છે, તેમાં આખાયે પુસ્તકનો સાર અને નિર્ભય પોલીસ અધિકારીની છબી સુવાંગપણે નીપજી આવે છે. ‘સતનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને’ – એ પ્રચલિત પંક્તિ સાથે શ્રીકુમાર સાહેબને સલામ અને મારી કલમને વિરામ! આ પુસ્તક શહેરના જાણીતા બુકસ્ટોલ અને લાયબ્રેરીમાથી ઉપલબધ્ધ થઈ શકશે.

(રમણ વાઘેલાના લેખનો અંશ)
સૌજન્ય : નિરીક્ષક