ગોવિંદ પટેલે ૧૯૨ દેશોના ધ્વજ અને ગુજરાતના નકાશા શાળાઓને ભેટમાં આપ્યા

ગોવિંદ પટેલ ૧૯૯૯થી એક મોટેલમાં કાયમી નોકરી મળી. મોટેલમાં એમને રહેવા માટે ઘર, પાવર, પાણી અને ગેસ પણ મોટેલ તરફથી વિના મુલ્યે મળ્યા. ગોવિંદભાઇએ એમના પત્નિ અને બાળકો સાથે મળી નક્કી કર્યું કે દર મહિને આપણા ૪૦૦-૫૦૦ ડોલર બચે છે તો આ રકમા શા માટે સેવા કાર્યોમાં ન વાપરવી? બસ એમણે શરૂઆત કરી દીધી. ૧૯૨ દેશોના ધ્વજ થોકબંધ ખરીદીને ગુજરાતની વિવિધ શાળાઓના બાળકોને મોકલી આપવા, ગુજરાતના નકશા થોકબંધ ખરીદીને શાળાઓને ભેટમાં આપવા અને કોઈપણ સામાજીક પ્રવૃતિમાં મદદ કરવા જેવું લાગે તો મદદ કરવી.

ગોવિંદભાઈનો જન્મ ૧૯૪૮ મા આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના જેસરવા ગામમાં થયો હતો. જેસરવામાં ચાર ધોરણ સુધી અભ્યાસ કરી, પાંચમાથી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કરવા પેટલાદમાં રહ્યા. ત્યારબાદ શિક્ષક થવાની ટ્રેઈનિંગ માટે વલ્લભ વિદ્યાલય, બોચાસણમાં ગયા. ૧૯૬૯ માં પેટલાદ તાલુકાના માનપુરા ગામમાં શિક્ષક તરીકેની નોકરીથી કારકીર્દીની શરૂઆત કરી. લગભગ ૨૦ વર્ષ સુધી વિવિધ શાળાઓમાં શિક્ષક તરીકે કામ કર્યા બાદ, ૧૯૮૯ માં ઓ.એન.જી.સી. ખંભાતમાં ૧ થી ૪ ધોરણની નવી શાળા શરૂ કરી. મુખ્ય શિક્ષક તરીકે ગોવિંદભાઈ અને સહાયક શિક્ષક તરીકે ખોડસિંહ પરમાર. શાળા શરૂ કરવા માટે જીલ્લા પંચાયતને બાંહેધરી આપેલી કે દરેક વર્ગમાં ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ બાળકો હશે. આ સંખ્યા ઝૂટાવવા સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી વાલીઓને સમજાવવા ઘરો ઘર ફરવું પડેલું. જૂનમાં શાળા શરૂ કરી અને ડીસેમ્બરમાં તાલુકાના શાળા શતાબ્દી મહોત્સવ નિમિત્તે ભરાયલા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો. બસ થઈ ગઇ શરૂઆત ! ત્યાર બાદ પાંચ જીલ્લા કક્ષાના અને એક રાજ્ય કક્ષાના વિજ્ઞાનમેળાઓમાં ભાગ લીધો.

શિક્ષક તરીકે કામ કરતાં કરતાં પણ ગોવિંદભાઈ સમાજ પ્રત્યેની ફરજ બજાવવાની એક પણ તક જવા ન દેતા. ૧૯૭૩ માં ભાલ વિસ્તારમાં અને ૧૯૭૯ માં મોરબીમાં આવેલા પૂરના રાહત કાર્યોમાં ગોવિંદભાઈએ પૂરજોરમાં કામ કરેલું. ૧૯૭૩ થી ૧૯૯૦ સુધી દર વર્ષે ગ્રામ સફાઈ સિબીરોમાં જઈને કામ કરતા. દુષ્કાળ રાહતના કામોમાં પણ ગોવિંદભાઈ સામિલ હોય જ.
રાજકારણમાં શરુઆતથી જ ગોવિંદભાઈને રસ પડતો. ૧૯૫૯-૬૦ ની મહાગુજરાત માટેની ચળવળ, ૧૯૭૪ નું નવ નિર્માણ આંદોલન અને ૧૯૭૫ ની ઈમરજન્સી, આમ બધી ચળવળમાં ગોવિંદભાઇએ જુસ્સાભેર ભાગ લીધેલો.

-પી. કે. દાવડા