અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર ભાજપના સાંસદ નારણ કાછડીયાનાં નિવાસ સ્થાન પાસે આવેલી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ગૌશાળા બનાવી દેવામાં આવેલી હતી. આ અંગે વિવાદ સર્જાતા આખરે અમરેલી કલેકટરે અમરેલી નગરપાલિકાના જેસીબીથી ગેરકાયદેસર ઊભી થયેલી ગૌશાળા તોડી પાડવામાં આવી હતી.
ગૌશાળામાં રહેલી ગાયોએ ચૌતરફ દોડાદોડી કરવા લાગતાં અને ભાંભરડા નાખવા લાગી હતી. ગૌ પ્રેમી હિન્દુવાદી સરકારના કાને આ ગાયોની લાચારી દેખાતી ન હોય તેમ ગાયોને ગૌશાળાની બહાર હાંકી કાંઢી ગૌશાળા ઘ્વંશ કરી દેવાઈ હતી.
ગૌચરની 8 એકર જમીન અનામત રાખવામાં આવેલી હતી, ત્યારે અમરેલીનાં પટેલ સંકુલનાં સ્થાપકે આ જગ્યા ઉપર ગૌશાળા બનાવી હતી. હાલમાં ગૌશાળા તથા સંકુલનાં પ્રમુખ મનુભાઈ કાકડીયા છે. ગૌશાળાને લઈ છેલ્લા કેટલાંક સમયથી સરકાર અને ગૌશાળાનાં સંચાલકો વચ્ચે વિવાદ ચાલતો હતો. ગૌશાળામાં રહેતાં ગોવાળ પરિવાર તથા અન્ય લોકોનાં ઉપરથી છાંપરૂ હટી જતાં ખુલ્લામાં રહેવા મજબુર બન્યા હતા. જેમાં બાળકોની હાલત પણ કફોડી દેખાય આવતી હતી. તેમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.
આ ઘટનાના એક દિવસ બાદ અહીં અમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું કલસ્ટર સંમેલન યોજાયુ હતું. તેઓએ પણ ગાયોને અને માણસોને વિકલ્પ આપવા સામે કોઈ પ્રબંધ કરવા કહ્યું ન હતું. સાંસદના ઘરની બરાબર બાજુમાં જ આ જમીન આવેલી છે. તેમ છતાં તેઓ મૌન રહ્યાં હતા.
જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અને કેન્દ્ર સરકારના કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તામ રૂપાલા, પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભિખુ દલસાણીયા, કાર્યક્રમના અઘ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ ચુંટણી પ્રભારી ઓમ માથુર, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર સરવૈયા, નાસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણી, અમરેલી સાંસદ નારણ કાછડીયા, ભાવનગર સાંસદ ભારતીબેન શીયાળ, ભાવનગર લોકસભા સીટના પ્રભારી મહેશ કસવાલા, લોકસભા સીટના ઈન્ચાર્જ હર્ષદભાઈ દવે, હરૂભાઈ ગોંડલીયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશ ગોધાણી, બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી અમો શાહ, અમરેલી લોકસભા સીટના પ્રભારી જયંતી કવાડીયા, ઈન્ચાર્જ વી.વી. વઘાસીયા,બંને જિલ્લાનાં વિસ્તારકો, મહામંત્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખો, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જીતુ ડેર, મયુર હિરપરા, રીતેશ સોની, વંદના મહેતા, જયોત્સના અગ્રાવત, રંજન ડાભી, મહામંત્રી રવુ ખુમાણ, કમલેશ કાનાણી, કૌશીક વેકરીયા, મંત્રી ભરત વેકરીયા, હિતેશ જોષી, મધુબેન જોષી, મંજુલા વીરડીયા, પૂર્વ ધારાસભ્યો, મંડલના પ્રમુખ, મહામંત્રીઓ, મોરચાના પદાધિકારીઓ, શકિત કેન્દ્રના ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, વિસ્તારકો, વર્તમાન અને પૂર્વ નગરપાલિકા, તાલુક પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેલ. પૂર્વ ધારાસભ્યો હાજર હતા. તેઓએ પણ ગાયોના ભાંભરડા કેમ શાંત થાય તે માટે પ્રયાસો કર્યા ન હતા.