ગાંધીનગર, રાજ્યસભાની બે બેઠકોની પાંચમી જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે તેમનાં બાગી તેવર ધરાવતા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીનો વ્હિપ અલગ અલગ પ્રકારે મોકલીને તેમને સાણસામાં લઈ લીધાં છે. પહેલી તારીખે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠકમાં તમામ 71 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મત આપવાનો વ્હિપ જારી કર્યો હતો. આ વ્હિપ તમામ ધારાસભ્યોને વ્હોટ્સ એપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. પરંતુ, બેઠકમાં હાજર નહિ રહેનારા અલ્પેશ અને ધવલસિંહે આવો કોઈ વ્હિપ મળ્યા હોવાનો ઈનકાર કરી મોટાં બણગાં ફૂંક્યા હતાં. પરંતુ હવે અલગ અલગ રીતે આપેલાં વ્હિપનો જો તેઓ અનાદર કરે તો કોંગ્રેસ તેમની સામે નિયમ પ્રમાણે કાર્યવાહી કરી શકશે. તે વાંચી છે.
વિધાનસભા સત્રનાં પહેલાં દિવસે ત્રણ લીટીનો વ્હિપ અપાયો
બીજી જુલાઈએ શરૂ થયેલાં વિધાનસભાનાં ચોમાસુ સત્રનાં પહેલાં જ દિવસે કોંગ્રેસે તમામ ધારાસભ્યોને લેખિતમાં ત્રણ લીટીનો વ્હિપ જારી કર્યો હતો. સત્રનાં પહેલાં દિવસે અલ્પેશ ઠાકોર હાજર નહોતાં રહ્યાં, પણ એવું કહેવાય છે કે, ધવલસિંહ ઝાલા વિધાનસભા સંકુલમાં આવ્યા હતાં. આ સમયે કોંગ્રેસનાં દંડક અશ્વિન કોટવાલે અનેકવાર પ્રયાસ કર્યા પણ ધવલસિંહે આ વ્હિપ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. તો અલ્પેશ ઠાકોરે પણ મોટા ઉપાડે એવું જાહેર કર્યું હતું કે, તેને કોઈ વ્હિપ મળ્યો નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં કાર્યાલયમાંથી અલ્પેશને વ્હિપનો ઈ-મેઈલ કરવામાં આવ્યો હતો.
વ્હિપ અલ્પેશ અને ધવલસિંહનાં ક્વાર્ટર પર ચોંટાડાયા
દરમિયાનમાં મંગળવારે બપોરે કોંગ્રેસનાં દંડક અશ્વિન કોટવાલ સહિત ધારાસભ્યો સી. જે. ચાવડા, ગેનીબહેન ઠાકોર અને પ્રતાપ દૂધાત ગાંધીનગર સ્થિત ધારાસભ્યોનાં ક્વાર્ટર્સમાં અલ્પેશને ત્યાં ગયા હતાં, પરંતુ અલ્પેશ હાજર નહિ હોવાનાં કારણે દંડકે આ વ્હિપ તેમનાં ક્વાર્ટરની બહાર ચોંટાડી દીધો હતો. આવી જ રીતે ધવલસિંહ ઝાલાનાં ક્વાર્ટર પર પણ તેમણે વ્હિપ ચોંટાડ્યો હતો. આ ઉપરાંત આ બન્ને ધારાસભ્યોને કોંગ્રેસનો વ્હિપ રજિસ્ટર્ડ એડીથી પણ મોકલવામાં આવ્યો છે. જેથી પાંચમી જુલાઈએ આ બન્ને ધારાસભ્યો એમ ન કહે કે તેમને વ્હિપ મળ્યો નથી.
વ્હિપને કારણે ફસાયાં અલ્પેશ અને ધવલસિંહ
કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે જારી કરેલો ત્રણ લિટીનો વ્હિપ આ બન્ને બાગી ધારાસભ્યોનાં ક્વાર્ટર ઉપર ચોંટાડીને તેમ જ રજિસ્ટર્ડ એડી અને ઈમેઈલ મારફતે પણ વ્હિપ મોકલીને બન્ને ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષે સાણસામાં લઈ લીધાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં જો આ બન્ને ધારાસભ્યો ગેરહાજર રહે અથવા તો ક્રોસ વોટિંગ કરે તો બન્નેને નિયમો પ્રમાણે પક્ષમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થઈ જાય અને કોઈ ચૂંટણી લડવા માટે પણ ગેરલાયક ઠરે. આમ કોંગ્રેસે પોતાનો માસ્ટરસ્ટ્રોક મારીને અલ્પેશ અને ધવલસિંહની મેલી મુરાદો પર પાણી ફેરવી દીધું છે.