ઘર બનાવતાં રૂપલબહેન અને રાજેન્દ્ર ભાઈને જમનાલાલ બજાજ એવોર્ડ

રૂપલ-રાજેન્દ્ર ..‌આર્કિટેક -એન્જિનિયરની જોડી. ચારેક દાયકાથી લોકોની વચ્ચે રહી કામ કરવાં બદલ પ્રતિષ્ઠિત જમનાલાલ બજાજ એવોર્ડથી તેમને સન્માનવામાં આવ્યાં.
મોટેભાગના આર્કિટેક્ટ, એન્જિનિયરોનું મોટાબંગલા, ઊંચી ઈમારતો, મોંઘાદાટ ઉપકરણો ને ધ્યાનમાં રાખીને વિચારજગત ઘડાતું રહેતુ હોય છે અને બજારની સાથે તાલ મિલાવીને તેમનાં વ્યવસાય-કાર્ય ચાલતાં હોય છે.
પણ આ દંપતીએ હમ્મેશા આમ જનસમુદાય નાં ‘ ઘર ‘ ની ચિંતા કરી તેને ઊભાં કરવાં કે ટકાવી રાખવાની મથામણ કરી છે.મહારાષ્ટ્ર, ગુજરાત, કાશ્મીર ને નેપાળમાં ભૂકંપ કે અન્ય આપત્તિઓને લઈ તહસનહસ થઈ ગયેલાં ઘરોને ફરીથી ઊભાં કરવાનાં કામોમાં તેઓ લાગેલાં રહ્યાં છે.
અને ખાસ તો પરંપરાગત રીતે કડિયાકામ કરતા કારીગરોને,જેઓ પોતાનાં કામમાં તો કુશળ છે જ પરંતુ જરુરી અક્ષરજ્ઞાન અને બજારનાં પ્રચારખેલથી વાકેફ નથી તેમને કડિયાકામની વિશેષ તાલીમ આપવાનાં આયોજનો ગુજરાતમાં ઠેર ઠેર પોતાનાં સાથીદારો સાથે મળીને કરે છે.સિમેન્ટ કે અન્ય મટિરિયલ્સ ની ઉત્પાદક કંપનીઓ પોતાનો માલ વધુ વપરાય-વેચાય એ દૃષ્ટિએ કડિયાકામ નાં કારીગરોને તાલીમ આપતી હોય છે તેની સામે વૈજ્ઞાનિક અભિગમ થી સરળ અને સ્થાનિક કક્ષાએ મળતાં ‘માલ’નો ખપ પૂરતાં ઉપયોગના અભિગમથી અપાતી આ તાલીમ વિશિષ્ટ છે.
સરકારની કોઈ સ્કીમ કે સહાય કે વિદેશી સંસ્થાઓનાં ફંડથી ચાલતી આ તાલીમ પ્રવૃત્તિ નથી.માત્ર મિત્રો અને સ્નેહીઓ નાં સૌજન્યથી ચાલતાં આ તાલીમ કાર્યક્રમો છે.