વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા દહેજ રો-રો ફેરી કે જે હવે પેસેન્જર સાથે વાહનોની પણ હેર ફેર કરશે. જે રો-પેક્સ ફેરી સર્વિસનો પ્રારંભ થાય તે પહેલાં જ મુશ્કેલીઓ જોવા મળી રહી છે. રો રો ફેરીમાં પ્રથમ ગ્રાસે મક્ષિકામો ઘાટ જોવા મળ્યો હતો. ઘોઘા દહેજ રો-પેક્સ ફેરી સર્વિસમાં પહેલા કોળિયે જ માખી જેવો ઘાટ ઘડાયો છે, કારણકે આ શિપ આવી ગયા બાદ ગત 12 તારીખના રોજ મુખ્યમંત્રીનાં હસ્તે આ ફેરી શરૂ થવાની હતી. પરંતુ ત્યાં જ ખરાબ વાતાવરણ અને દહેજ ખાતે પોન્ટુન ક્ષતિગ્રસ્ત થવાના કારણે આ કાર્યક્રમ રદ્દ થયો. 15 મહિનામાં ફેરી સર્વિસ શરૂ કરવાની વાત હતી. પરંતુ ચાર વર્ષ કરતાં પણ વધુ સમય વિતવાં છતાં હજુ મૂળ ફેરી સર્વિસ શરૂ થઈ શકી નથી.
જો કે હાલ હવે ફેરી સર્વિસની શિપ આવી ગયા છતાં પણ અનેક મુશ્કેલીઓ આ ફેરી સર્વિસને નડી રહી છે. ખાસ કરીને તજજ્ઞોના મતે આ ફેરી સર્વિસને અવરજવર કરવા 4 મીટરનો ડ્રાફ્ટ જોઈએ. જે ડ્રાફ્ટ પાણીમાં મેળવવા સતત ડ્રેજિંગની કામગીરી પણ કરતી રહેવી પડશે. જે ખૂબ ખર્ચાળ બનશે. આ ઉપરાંત શિપને ઘોઘા લાવીને ત્યાં તેમાં ટ્રક, બસ લોડિંગ અનલોડિંગ કરવાની ટ્રાયલ કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં પણ મુશ્કેલી નડી રહી છે. ઘોઘા ખાતેના પોન્ટુનની ઊંચાઈને લઈને શિપમાં ટ્રક લોડિંગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ટ્રક શિપ ચડતાં ચડતાં પાછો પડી રહ્યો છે, તો આગળના બે પૈડાં ઊંચા થઈ જાય છે. ત્યારે હાલ આ મુશ્કેલી પડી રહી છે. તો વધુ વાહનો હશે ત્યારે શુ સ્થિતિ થશે તે વિચારી શકાય છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ 2017માં વિધાસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને તે સમયે પણ રાજ્ય સરકારે મોટા ઉપાડે માત્ર છ મહિનામાં રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરી દેવાનાં બણગાં ફૂંકવામાં આવ્યાં હતાં. પરંતુ, રો-રો ફેરી સર્વિસમાં પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો. ત્યારે હવે આ રો-પેક્સ ફેરી સર્વિસ ક્યારે શરૂ થશે એ તો સમય જ કહેશે.