ચાંદીમાં તેજી-મંદીવાળા ભાવને પોતાના પાલામાં લઇ જવા કબડ્ડી રમી રહ્યા છે

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ તા.૦૯  ચાંદી અત્યારે ઉપર કે નીચે તરફ જવાનું બે તરફી દબાણ અનુભવી રહી છે. તાજેતરની મૂર્છાવસ્થામાંથી ઉભી થયેલી ચાંદી પાછી ચક્કર ખાઈને પડી ગઈ છે. ચાંદીમાં જે કઈ તેજી જોવાઈ હતી તે માટે, નબળા જાગતિક અર્થતંત્રો, નીચા વ્યાજદર, અનિશ્ચિત ડોલર મુલ્ય અને ઔધ્યોગિક માંગ વધારાની શક્યતા જેવા અસંખ્ય કારણો જવાબદાર ગણાવાયા હતા. ચાંદી વાયદા પર પ્રેસિયસ મેટલ્સનાં મોટા સટ્ટોડીયા અને હેજ ફંડોએ મજબુત પકડ જમાવીને જુનથી ઓગસ્ટ દરમિયાન મોટાપાયે તેજીના ઓળિયા વધાર્યા હતા, તે છેલ્લા ચાર સપ્તાહથી ઘટાડવાનું શરુ કર્યું છે.

નવા નિશાળીયા જેવા વધુ પડતા આશાવાદી સટ્ટોડીયા ઊંચા ભાવે દાખલ થયા હતા, તેમણે ધોબી પછાડ ખાઈને નફાના નામે નાહી નાખ્યું છે. પણ હવે અમને શંકા છે કે બાકી રહેલા તેજીના ઓળિયા મજબુત તેજીવાળાના હાથોમાં સિલક રહ્યા છે. નબળા મનના ખેલાડીઓ મેદામાંથી નીકળી જતા, હવે આવા ખમતીધર તેજીવાળા દરેક ઘટાડે વેચવાને બદલે લઈને વેપાર કરવાની સતરંજ પાથરશે. સિલ્વર ઇન્સ્ટીટયુટનાં અહેવાલ મુજબ ૨૦૧૫મા પુષ્કળ ચાંદીની ફીઝીકલ માંગ નીકળી હતી, ત્યાર પછીનાં વર્ષોમાં આવી માંગમાં ઓટ આવતા ૨૦૧૭મા ભાવોએ સ્થિરતા પ્રાપ્ત કરી હતી. કેટલાંક એનાલીસ્ટો અને માઈનીંગ સીઈઓ બજારમાં એવી હવા ફેલાવી રહ્યા છે કે સોના સામે ચાંદીએ પ્રમાણમાં નબળાઈ દાખવી હોઈ આ વર્ષે ભાવ પ્રમાણમાં જોઈએ તેવા વધી શક્યા નથી. બસ હવે તો સોનાને ઝાંખું પાડવા માટે ચાંદી સમયના તકાદાની રાહ જોઈ રહી છે.

અલબત્ત, સંસ્થાગત વાયદા ટ્રેડરો ત્રિમાસિક પોર્ટફોલિયોનું પુન: ઘડતર કરવા સપ્ટેમ્બર અંત સુધીમાં ચાંદીમાંથી નફો બુક કરી ગયા હતા, તેઓ વર્તમાન ત્રિમાસિકમાં બજારમાં પાછાં ફરતા ઉછાળાની શક્યતા નકારી ન શકાય. તો પછી એવો પ્રશ્ન પણ ઉદ્ભવે છે કે તાજેતરમાં જોવાયેલી ઉંચી સપાટી શુ આમને આમ આવી ગઈ હતી કે પછી આગામી દિવસોમાં આવનાર મોટી તેજીનું એ ટ્રેલર હતું. આગામી દિવસોમાં ચાંદી નવી તેજીની આગેવાની લેશે કે નહી તે માટે આપણે ગોલ્ડ સિલ્વર રેશિયો પર નજર રાખવાની રહેશે. આ વર્ષના આરંભે ચાંદીમાં આવેલા ઉછાળા પછી ગોલ્ડ સિલવર રેશિયો ૧ એપ્રિલ ૨૦૧૧ની અઢી દાયકાની ઐતિહાસિક ઊંચાઈ ૯૨.૮૩થી ઘટીને ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ૭૯.૮૩ની સપાટી સ્થાપિત કરી હતી. પણ ચાંદીમાં ફરીથી વેચવાલી આવતા મંગળવારે આ રેશિયો ૮૫.૮૧ થયો હતો.

અમેરિકન મિડવેસ્ટ સ્થિત વોરેન બફેટ સોના કરતા ચાંદીને વધુ ચાહે છે. વોરેન બફેટ અને તેમની કંપની બર્કેશીરએ ૧૯૯૭ અને ૧૯૯૮ એમ બે વર્ષમાં ૧૨૯૭ લાખ ઔંસ ચાંદી કોર્નર કરી હતી. પરિણામે બજારમાં ફીઝીકલ માલની તીવ્ર અછત નિર્માણ થઇ હતી. તે સાથે જ ચાંદીના લીઝ રેટ આસમાને ગયા હતા. ૧૯૯૮મા બર્કેશીરે તેમના શેર હોલ્ડરોને લખેલા પત્ર, જેમાં વોરેન બફેટએ સહી કરી હતી, કહ્યું હતું કે આ અગાઉના નાણાકીય વર્ષમાં કંપનીએ એકલા ચાંદીમામાથી કરવેરા પહેલાનો નફો ૯૭૪ લાખ ડોલર પ્રાપ્ત કર્યો હતો. મોટાભાગના રોકાણકારો જાણે છે કે બફેટ સોનાના ખતરનાક મંદીવાળા તરીકે જાણીતા છે.

જો ટેકનીકલ રીતે જોવા જઈએ તો ડીસેમ્બર ચાંદી વાયદામાં તેજી અને મંદીવાળાની ઓળિયા પોઝીશન અત્યારે સમતોલ છે. ડેઈલી ચાર્ટ બાર પર ચાર સપ્તાહ જુનો મંદીના ઝૂકાવવાળો ટ્રેન્ડ હજુ અખંડ છે. તેજીવાળાનો હવે પછીનો પ્રયાસ ભાવને ૧૮ ડોલર આસપાસના ટેકનીકલ રેસીસટન્સ તોડવાનો રહેશે. મંદીવાળા પણ ગાજ્યા જાય તેવા નથી, તેઓ ગત સપ્તાહની બોટમ ૧૬.૯૪ ડોલરના સપોર્ટને તોડવાનો પ્રયાસ કરશે. પ્રથમ રેસીસટન્સ ૧૭.૭૪ અને બીજો ૧૭.૮૪ ડોલરનો છે. આ જ રીતે નજીકના બે સપોર્ટ ૧૭.૩૩ અને ૧૭.૨૪ ડોલર છે.