ચાર વર્ષમાં 42 દેશ ફરીને મોદીએ 1500 કરોડ વાપર્યા

જૂન, ૨૦૧૪થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૮૪ દેેશોમાં પ્રવાસ કર્યો છે. આ વિદેશ પ્રવાસ માટેની ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ અત્યાર સુધીમાં ૧૪૮૪ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે.

વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્ય સભામાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ થયેલા ખર્ચની વિગતો રજૂ કરી હતી.
વી કે સિંહે આપેલા આંકડા મુજબ ૧૫ જૂન, ૨૦૧૪થી ૧૦ જૂન, ૨૦૧૮ સુધીમાં વડાપ્રધાનના વિમાનની સારસંભાળ પાછળ ૧૦૮૮.૪૨ કરોડ રૃપિયા, ચાર્ટડ ફલાઇટ પાછળ ૩૮૭.૨૬ કરોડ રૃપિયા અને હોટલાઇન પાછળ ૯.૧૨ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

મે, ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી મોદીએ ૪૨ વિદેશ પ્રવાસોમાં ૮૪ દેશોની મુલાકાત લીધી છે. વી કે સિંહે આપેલા ખર્ચના આંકડામાં ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં હોટલાઇન પાછળ થયેલા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ૨૦૧૮-૧૯ની ચાર્ટડ ફલાઇટનો ખર્ચ પણ સામેલ કરવામાં આવ્યો નથી.

સિંહે આપેલી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ ૨૦૧૪-૧૫માં ૧૩, ૨૦૧૫-૧૬માં ૨૪, ૨૦૧૬-૧૭માં ૧૮ અને ૨૦૧૭-૧૮માં ૧૯ દેશોની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન બન્યા પછી મોદીનો પ્રથમ વિદેશ પ્રવાસ જૂન, ૨૦૧૪માં ભૂતાનનો હતો. ૨૦૧૮માં તેમણે અત્યાર સુધીમાં ૧૦ દેશોનો પ્રવાસ કરી લીધો છે. જેમાં સૌથી છેલ્લો પ્રવાસ ગયા મહિનાનો ચીનનો પ્નવાસ હતો.
ચાર્ટડ ફલાઇટનો ખર્ચ ૨૦૧૪-૧૫માં રૃ. ૯૩.૭૬ કરોડ, ૨૦૧૫-૧૬માં રૃ. ૧૧૭ કરોડ, ૨૦૧૬-૧૭માં રૃ. ૭૬.૨૭ કરોડ અને ૨૦૧૭-૧૮માં રૃ. ૯૯.૩૨ કરોડનો ખર્ચ થયો હતો.