ચૂંટણી જીતવા ભાજપ રાજનેતાઓને મોં માંગી રકમે ખરીદે છે

સાબરકાંઠામાં હિંમતનગરના સુરજ નગર ગામે કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે પહોંચેલા હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ દ્વારા ખૂબ મોટા પાયે પૈસા આપવામાં આવી રહ્યા છે, તાલુકા સભ્યોને પણ ખરીદવામાં આવી રહ્યા છે. ભાજપ માટે બચવાનો આ એક જંગ છે. જો આ વખતે ભાજપ હારશે તો ભાજપના ઘણા બધા લોકો જેલમાં જવાના છે. ભાજપે નોટબંધીમાં એક લાખ કરોડની નકલી નોટો અને રદ નોટોમાં એક લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે પૈસાનો ખેલ રમી રહી છે. આ ઉપરાંત તમે જોયું જ હશે કે, જસદણની અંદર ભાજપના મંત્રી કુંવરજી બાવળિયાએ મહિલાઓનું અપમાન કર્યું છે એટલે ભાજપ ક્યાંકને ક્યાંક ચિંતામાં આવી ગયું છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ભગવાન રામને છેતરીને તેમના નામે મત મેળવ્યા છે. આ વખતે લોકોમાં ભાજપ સામે રોષ છે, એટલે લોકો આ વખતે કોંગ્રેસને જ જીતાડશે.

અમરેલીમાં યોજાયેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીની સભામાં કોંગ્રેસના 20થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા હતા, પાટણમાં 5 ગામના સરપંચોએ પોતાના 150 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો અને ભાજપની કેસરિયો ધારણ કર્યો હતો. વિઠ્ઠલાપુરમાં યોજાયેલી જાહેરસભામાં મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં કોગ્રેસના પુર્વ તાલુકા પંચાયતના સભ્ય હસમુખભાઈ બુટીયા સહીત 100થી વધારે કાર્યકર્તાઓએ પણ કેસરિયા કર્યા હતા.