2012માં નોંધાયેલા ગુનામાં વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરજાદા સહીત 5 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સરકારી મિલકતને નુકસાન અને અત્યાચારના ગુનામાં વર્ષ 2012માં ધારાસભ્ય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેતે સમયેના તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદના આધારે કામગીરી કરવામાં આવી હતી. આમ 7 વર્ષ પછી ધરપકડ કરવામાં આવી હતી. જે પોલીસની અત્યાર સુધીની નિષ્ક્રિયતા સામે આવી છે. પોલીસ રાજકીય આદેશોના પગલે કામ કરી રહી હોવાનું તેના પરથી ફલીત થાય છે. આરોપીઓની ધરપકડનો વોરંટ કાઢવામાં આવ્યું હતું.
2012માં તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં કોંગ્રસના ધારાસભ્ય સહીત તેમના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે ગયા હતા. કેટલાક લોકોએ સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતુ. અધિકારી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરજાદા સામે જાનથી મારી નાંખવાની ધમકી, સરકારી મિલકતને નુકશાન પહોંચાડવા અને એટ્રોસિટી હેઠળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
ધરપકડ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવીદ પીરજાદાએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લેતા પોલીસે ધરપકડ બાદ તમામ લોકોને મુક્ત કર્યા હતા.
અગાઉ અમરેલીના એક બનાવમાં અત્યાચારના ગુનામાં પીરજાદાએ રસ લઈને સરકાર સુધી રજુઆત કરી હતી. એ ઘટનાથી સરકાર પોતે હચમચી ગઈ હતી.
અમરેલીમાં 16 ફેબ્રુઆરી 2019માં ધારી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સેમરડી ગામ ખાતે ધારી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી એ.વી પટેલ અને અન્ય 10 જેટલા પોલીસના માણસો માત્ર અરજીની તપાસ કામ અર્થે બે બોલેરોકાર લઈને રાત્રીના 10 વાગ્યે આરોપીઓને પકડવા તેઓની વાડીએ ગયેલ હતા. ફરી 17 ફેબ્રુઆરી 2019ના રોજ 30 થી વધુ વાહનો સાથે પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ અને PGVCL ના અધિકારીઓ સેમરડી ગામે કોઈ પણ પ્રકારના સર્ચવોરંટ લીધા વિના સૌ પ્રથમ PGVCL દ્વારા ગામનું મુખ્ય વીજજોડાણ કાપી નાંખવામાં આવેલ હતું
નિર્દોષ લોકોના ઘરોમાં ગેરકાયદેસર રીતે જબરદસ્તી કરી પ્રવેશ કરીને ઘરમાં રહેલી તમામ ઘરવખરી, દર-દાગીના અને રોકડ રકમ અને ખાવા-પીવાની તમામ સામગ્રીનો નષ્ટ કરી ખુલ્લેઆમ લુંટ ચલાવવામાં આવેલી અને ઘરમાં રહેલી મહિલાઓ અને બાળકો ઉપર પણ અમાનુષી અત્યાચાર કરેલો હોત. મનફાવે તેવી ગાળો બોલેલ અને લાઠીચાર્જ કરેલ તેમજ ગામની અંદર આવેલી મસ્જીદમાં બુટ-ચપ્પલ સાથે ઘુસી જઈ મુસ્લિમ સમાજની ધાર્મીક લાગણીઓ દુભાય તે રીતે ધાર્મિક પુસ્તક (કુરાનશરીફ)ને ફેંકી દેવામાં આવેલા અને મસ્જીદમાં ઇમામત કરતા મોલાનાને ગંદી ગાળો આપી ધાર્મિક લાગણી દુભાય તેવી રીતે માર મારીને ભગાડી દેવામાં આવ્યા હતા. તેમજ ગામમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
જીલ્લા પોલીસવડાની હાજરીમાં પોલીસના માણસોએ રેડ કરીને તેમના ઘરમાં ઘરેણા અને પૈસાની લુંટ કરી, ઘરમાં રહેલ ટીવી. ફ્રીજ જેવા સમાનની તોડફોડ કરીને અનાજનું નુકસાન કરીને ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ તેમની લાયસન્સ વાળી બંદુક અને ખેતી કામમાં ઉપયોગી ઓઝારો પણ સાથે લઇ જઈ તેમની ઉપર FIR નંબર-૧૦/૨૦૧૯ થી ગુન્હો નોંધવામાં આવેલો છે.
સત્તાનો દુર ઉપયોગ કરીને ચોક્કસ એક ધર્મના ધાર્મિક પુસ્તકનું અપમાન કરીને તેમજ મસ્જીદમાં ઘુસી જઈને ધાર્મિક લાગણીઓ દુભાવવાનો, મહિલાઓ, અશક્ત વ્યક્તિઓ અને બાળકોને માર મારીને અમાનુષી અત્યાચાર કરેલ છે તેમજ પોલીસ દ્વારા ખુલ્લેઆમ લુંટ ચલાવી, વાહનોને નુકસાન પહોંચાડવામાં આવેલ છે. Jamaat-e-Islami Hind Gujaratના ફેસબુક પરથી.
ઉપરોક્ત તમામ બનાવો અને પોલીસ દમનના વિરોધમાં 21 ફેબ્રુઆરી 2019ના રોજ DGP ગાંધીનગર, તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરીને રૂબરૂ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને અમરેલી જીલ્લામાં પોલીસ દમન ઉપર તાત્કાલિક પગલા ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 11 માંગણીઓ કરવામાં આવી તેમાં 10 એપ્રિલ 2019 સુધી કોઈ પગલાં લેવાયા નથી.
આ બધી બાબતોમાં પીરજાદાએ રજૂઆત કરવામાં મદદ કરી હતી. હવે ચૂંટણી આવી તે સમયે બીજા કેસમાં પકડ વોરંટથી ધરપકડ કરવામાં આવી હતી.