VHP તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો જાહેર સભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચામાં છે. આલોક કુમારે કહ્યું કે, જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મંદિર બનાવવાનો મુદ્દો સામેલ કરશે તો તેમને સમર્થન આપવા અંગે વિચારી શકાય છે. નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરનો મુદ્દો હજુ કોર્ટમાં છે. સાથે જ તેઓએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં નોકરી અને ખેડૂતો સાથે જોડાયેલાં મુદ્દાઓ જ મહત્વના હશે.
VHP દ્વારા કોંગ્રેસને સમર્થન આપવાની વાત ભાજપ માટે તગડા ઝટકા સમાન છે. આ ઉપરાંત રામ મંદિરને લઈને પણ VHPનો વિશ્વાસ ભાજપ તરફથી ડગી રહ્યો છે. રામ મંદિરને લઈને કોંગ્રેસ ધીમા અવાજે સમર્થન કરતા નજરે પડી રહ્યાં હોય તેવું લાગે છે. હાલમાં જ ઉત્તરાખંડના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસ સત્તામાં આવ્યાં બાદ જ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં રામ મંદિરના મુદ્દા પર કહ્યું હતું કે આ કેસ હજુ કોર્ટમાં છે, એવામાં સરકાર ન્યાયિક પ્રક્રિયા પૂરી થવાની રાહ જોશે. બીજીબાજુ આરએસએસના ભૈય્યાજી જોશીનું નિવેદન આવ્યું કે તેમને 2025 સુધીમાં રામ મંદિરના નિર્માણની પ્રક્રિયા પૂરી થતી દેખાય છે. જોશી એ કહ્યું હતું કે અમારી ઇચ્છા છે કે 2025 સુધીમાં રામ મંદિર બની જાય.