સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26 અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં બે દિવસની રાષ્ટ્રીય કાર્યશાળા મળી રહી છે.
ધોલેરામાં લગભગ 6 હજાર હેક્ટરમાં દરિયા કિનારાના વૃક્ષો અને જમીન પરના વૃક્ષોનો સોથ વળી શકે છે. જેમાં 2280 હેક્ટર જમીન અને પાણી અંદર ચેર-મેગ્રુવઝના વૃક્ષો છે. જેમાં 1800 હેક્ટર જેવા ચેર તો એકદમ ગાઢ છે. તે જંગલોનું નિકંદન નિકળી જાય તેમ છે. તેમ છતાં ધોલેરા સર બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. ઉદ્યોગ કે શહેર બને તો તેને જાળવવા ઘણાં મુશ્કેલ બની શકે છે. તેને જાળવવા આ સેમિનારમાં ગુજરાત સરકારે યોજના જાહેર કરવી જોઈએ. પણ તેમ કરી શકે તેમ નથી. અહીં લાખો ચેરના વૃક્ષો અને બીજા દરિયાઈ વૃક્ષો નાશ પામશે. પણ ગુજરાતના રાજકારણીઓ અને અધિકારીઓને તેની પડી નથી. તેથી તે અંગે મહાત્મા મંદિર ખાતે કોઈ ચર્ચા કરવાના નથી. ધોલેરામાં દરિયાની દલદલ અને ખારાશ વાળી 35,000 હજાર હેક્ટર જમીન છે. જ્યાં કોઈ જ નિર્માણ કામ થઈ શકે તેમ નથી. કુદરતી રીતે રહેલી આ જમીન શહેર બનતા વધારે ખરાબ થવાની છે.
જીઇસી, ‘ગીર’ ફાઉન્ડેશન; તાબુક યુનિવર્સિટી, સાઉદી અરેબિયા; એમ.એસ.એસ.આર.એફ., એમ.એફ.એફ., આઇ.યુ.સી.એન., ગાઈડ, એક્શન ફોર પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ, ઓડિશા; નેચર એન્ડ વાઇલ્ડલાઇફ સોસાયટી; નાબાર્ડ; યુ.એન.ડી.પી.; મેન્ગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયા; કોલકાતા યુનિવર્સિટી; એન.સી.એસ.સી. એમ; કાર્મેલ કોલેજ, ગોવા; મહારાષ્ટ્રના વનવિભાગ અને ગોદરેજ સહિત અનેક મેન્ગ્રુવ સંગઠનો-નિષ્ણાતો ચેર સંરક્ષણ વિષય પર પોતાના વિચારો રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેન્ગ્રુવ (ચેર) વનોના સંરક્ષણમાં સમગ્ર દેશમાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો છે. વર્ષ 2004 દરમિયાન ભારતના પૂર્વ કાંઠે આવેલી સુનામી જેવી કુદરતી આફતોથી બચવા દરિયાકાંઠે આવેલા ચેરના વનોની જાળવણી માટે કાંઠાના રહેવાસીઓ તેમજ ઔદ્યોગિક એકમોને તેના સંરક્ષણ માટે એકત્રીત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચેર વનસ્પતિ તટવર્તી પર્યાવરણને જાળવી રાખવામાં, દરિયાઇ વિસ્તારના તીવ્ર મોજાઓ અને ધોવાણની અસરોને ઘટાડવામાં, આંતરિક કૃષિ વિસ્તારોમાં ખારાશ અને દરિયાઈ પાણીના સંચયને રોકવા અને દરિયાઈ ચક્રવાતો સામે દરિયાકાંઠાને રક્ષણ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરિયાકાંઠા વિસ્તારના રહેવાસીઓ મુખ્યત્વે ઘાસચારા, ઇંધણ લાકડું અને માછીમારી પ્રવૃત્તિઓ માટે ચેર પર આધારિત છે. ચેર પરિસરતંત્ર એ દરિયાઈ પરિસરતંત્રનું સંતુલન તેમજ અસંખ્ય જીવસૃષ્ટિ જેમ કે, મત્સ્ય જે સ્થાનિક સમુદાયને આજીવિકા પૂરી પાડે છે તેઓને આશ્રય આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેર એ સૌથી વધુ કાર્બન સંચય માટે જાણીતા છે, તેમજ તે મત્સ્ય અન્ય પ્રજાતિઓના વસવાટ ઉપરાંત જમીનના ધોવાણ અને દરિયાઈ મોજાઓ સામે જૈવ-ઢાળ તરીકે કામ કરે છે. ગુજરાત ઇકોલોજી કમિશને છેલ્લા એક દાયકાથી સતત પ્રયાસો દ્વારા ચેરના પુનઃસ્થાપનમાં એક નવીન પહેલ કરી છે. ગુજરાતમાં ચેરના પુનઃસ્થાપન માટેના પ્રયત્નોની વૈશ્વિક સ્તરે પ્રસંશા કરવામાં આવી છે. રાજ્યમાં ચેરના વનોના સંરક્ષણ પ્રણાલીઓનું સફળ મોડેલ દરિયાઇકાંઠાના રહેવાસી સમુદાયો, અગ્રણી ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓના સહયોગથી શક્ય બન્યું છે. બદલાતા હવામાન અને દરિયાઇ વિસ્તારની પર્યાવરણીય રચનાને કારણે, ચેર એ ખુબજ મહત્વનું ઉષ્ણકટિબંધીય પરિસરતંત્ર બન્યું છે. છેલ્લા એક દાયકામાં ચેર દરિયાકિનારાની કુદરતી આપત્તિઓ સામે તારણહારના રૂપમાં ખૂબજ મહત્વની પુરવાર થઇ છે, તેમ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા જણાવાયું છે. આ કાર્યશાળમાં વન મંત્રી ગણપતિસિંહ વસાવા તેમજ રાજ્ય વન મંત્રી શરામનલાલ પાટકર હાજર હશે.
અમિત જેઠવાનું ચેરનું જંગલ સાફ
ગુજરાતના દરિયાકાંઠે ઝીંગા ઉછેર કે મારણ ઉદ્યોગ આવતાં હવે દરિયા કાંઠે જલપ્લાવીત વિસ્તારોમાં ઉભેલાં લીલા ચેરના જંગલો પર આક્રમણ શરૂ થયું છે. કરોડોની કમાણી કરાવી આપતો દરિયાઈ જીવ ઝીંગાને કૃત્રિમ રીતે ઉછેરીને તેની નિકાસ જાપાન અને ચીનમાં કરવામાં આવે છે. દરિયાકાંઠે જમીન મેળવવીને તેમાં ખારા પાણીના તળાવ બનાવીને ઝીંગાનો ઉછેર કરવા માટે ચેરના જંગલો પર બૂલડોઝર ફરી રહ્યાં છે. નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ગુજરાતના સમગ્ર દરિયા કાંઠે આ હાલત છે.
રાજુલા તાલુકાનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ખેરા, ચાંચ,પરવા, કથીવદર, વીકટર, પીપાવાવ ધામ તથા ભેરાઈ ગામમાં મોટા પ્રમાણમાં મેગૃવ જેને સ્થાનિક લોકો તમર કે ચેરનાં વૃક્ષો કહે છે. આ મેન્ગ્રવનાં છોડનું વાવેતર 2005માં સ્વ. અમીતભાઈ જેઠા તથા તેમની સંસ્થા ઘ્વારા કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં ગીર નેચર કલબ ખાંભા ઘ્વારા આ વિસ્તારમાં 1,40,000 જેટલા ચેરના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. વન વિભાગ તથા ખાનગી કંપની દ્વારા ચેર વૃક્ષોનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે.
થોડા વર્ષોથી આ વિસ્તારમાં ઝીંગા ફાર્મનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં કાયદેસર અને ગેરકાયદે થઈ રહ્યો છે. તેના કારણે ભૂમાફિયાઓ મોટા પ્રમાણમાં ચેરના વનોનું નિકંદન કાઢી રહ્યાં છે અને જીંગા ફાર્મ બનાવી રહૃાા છે. આ પ્રવૃત્તિની સામે અનેક વાર અહીંનાં પર્યાવરણ પ્રેમીઓ, ગામના આગેવાનોએ રજૂઆત કરી છે.
વીકટર, કથીવદર, ખેરા, ભેરાઈ ગામ ઘ્વારા ચેરનું નિકંદન રોકવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આ વિસ્તારનાં ગામના લોકો ઘ્વારા વારંવાર કહેવામાં આવતું હોવા છતાં ભ્રષ્ટાચારના કારણે કંઈ થતું નથી.
ભચાઉના 20 કિ.મી.ના ચેર સાફ : ગ્રીન ટ્રીબ્યુનલની ટકોર
22 માર્ચ 2018ના દિવસે ગ્રીન ટ્રીબ્યુનલે કહ્યું હતું કે, ઊંટ ઉછેરક માલધારી સંગઠ દ્વારા રજૂઆતો કરાઈ હતી કે અદાણીએ કચ્છની ક્રીકમાં પાળા બાંધીને ચેર વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. ઉપરાંત કંડલા બંદર પર પણ વ્યાપક પ્રમાણમાં ચેર કાપી કાઢવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે.
ચેરના વૃક્ષોનું નિકંદન કઢાયું હોવાનો આરોપ મૂકીને ગ્રીન ટ્રીબ્યુનલે સ્ટે આપ્યો હતો. કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ઔદ્યોગિક હિતો સાચવવા માટે વોંધ વિસ્તારના દરિયાકાંઠે વ્યાપક પ્રમાણમાં ચેરિયાઓનું નિકંદન કરવામાં આવ્યું હોવાના મુદ્દે કેસ દાખલ કર્યો હતો. મીઠાનું ઉતપાદન પણ તે માટે કારણ ભૂત છે. મીઠાના એકમોએ 1200થી 1300 એકરમાં ચેરનું નિકંદન કાઢી નાંખ્યું છે. બીજા 4 હજાર એકરમાં ચેર નાણ પામે તેમ છે કારણ કે દરિયાનું પાણી આવતું રોકવા માટીના પાળા બનાવવામાં આવ્યા છે. ભચાઉના વોંધ, ચીરઈ, જંગી સહિતના વિસ્તારમાં અનેક ક્રિકો આવેલી છે. બેટ્ટી ક્રિક, ભોજાવાળી ક્રિક હડકિયા ક્રિક, લારાવાળી ક્રીકના અંદરના ભાગે સતત મશીનો ચલાવીને ચેરિયાઓનું નિકંદન કાઢવામાં આવ્યું છે. જેમાં શ્રીરામ સોલ્ટ સપ્લાયને સ્ટે આપવામાં આવ્યો છે. ચેર વૃક્ષના પાન ખાઈને જીવતી ખરાઈ ઉંટની જાત જોખમમાં આવી પડી છે.
અદાણી જૂથના પાવર પ્રોજેક્ટને કારણે વર્ષોથી કચ્છના દરિયાકાંઠે ફુલેલું-ફાલેલું મેન્ગૃવ્ઝ યાને ચેરના વૃક્ષોનું જંગલ ખતમ થયું છે. મુન્દ્રા તાલુકાનું દરિયાકાંઠે આવેલું હમીરામોરા ગામ કે જ્યાં અદાણીનો પાવર પ્લાન્ટ સ્થપાવાનો છે તે ચેરના જંગલથી ઘેરાયેલા ગામમાં ચેરના જંગલનું નિકંદન નીકળી ગયું છે. ગુજરાતની ભાજપ સરકાર સામે સ્થાનિક લોકોનો ભારે રોષ છે. કેન્દ્રીય એજન્સીનો અને એન્વાયર્નમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ હોવા છતાં અદાણી અને ગુજરાતની ભાજપ સરાકારે તેને ગણકાર્યો નથી. અદાણીના પાવર પ્રોજેક્ટથી લાખો ટન કોલસાની રાખનું ઉત્પાદન થવાનું છે, જેને કારણે દરિયો દૂષિત થશે તથા આસપાસની 500 હેકટર જમીન નષ્ટ થઈ જશે. મુન્દ્રા તાલુકામાં, તાતા જૂથ દ્વારા સ્થપાયેલો 4 હજાર મેગાવૉટનો અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ પણ છે. આશરે 2 હજાર મેગાવૉટના યુનિટો અદાણી સ્થાપી રહ્યું છે. ઓપીજી કંપની પણ એક હજાર મૅગાવૌટનો પ્રોજક્ટ સ્થાપી રહી છે. આ બધા પાવર પ્રોજેક્ટને કારણે માછીમારોની રોજીરોટી છિનવાઈ જવાનો ભય ઊભો થયો છે. ચેર ખતમ થઈ રહ્યા છે.
.
ગુજરાતના દરિયા કાંઠે ચેરવૃક્ષોનો વિસ્તાર 93 ટકા હિસ્સો કચ્છ અને જામનગર જિલ્લા છે જ્યાં સાત વર્ષમાં પોણાત્રણસો ચોરસકિલોમીટરનું ચેર અને અન્ય જંગલ નાશ પામ્યું હતું. 1998થી 2001 સુધીમાં 276 ચોરસ કિ.મી. વિસ્તાર નાશ પામ્યો હતો જેમાં રૂ.45 કરોડનું નુકસાન થયું હતું. ગુજરાત ઇકોલોજી કમિશનના એક અહેવાલના રિપોર્ટ મુજબ કચ્છ જિલ્લામાં 50 ચોરસ કિ.મી.તેમજ જામનગર જિલ્લામાં 226.18 ચોરસ કિ.મી.ના વિસ્તારમાંથી ચેરવૃક્ષો નાશ પામ્યા છે. તાજેતરમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં મહેલૂલ વિભાગની જમીન પર વનવિભાગનાં અંદાજ મુજબ આશરે ૨૫ ચોરસ કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલું ચેરવૃક્ષનું જંગલ નષ્ટ થયું છે.
માછલીઓના પ્રજનન માટે, કિનારાની જમીનમાં વધતી ખારાશને અટકાવવા, સુનામી જેવી હોનારત કે વાવાંઝોડાની સ્થિતિમાં તે રક્ષણ આપવા, માલધારીઓના પશુઓને ખોરાક પૂરો પાડે છે. ગુજરાતના જંગલો દિવસે દિવસે ઘટતાં જાય છે બીજી બાજુ કચ્છમાં આ રીતે ૨૦ થી ૨૨ ચોરસ કિ.મી.ના વિસ્તારમાંના ચેરનાં વૃક્ષોનું નિકંદન નોંધાયું છે. કચ્છના વિસ્તારમાં આશરે બે કરોડ જેટલાં ચેરવૃક્ષો છે જેનો વિનાશ ખાનગી કંપનીઓ કરી રહી છે.
1998ના અહેવાલ મુજબ ઉષ્ણ કટિબંધ અને સમતીશોષ્ણ કટિબંધના ૩૦ દેશોમાં 99,300 ચોરસ કિ.મી.માં ચેરવૃક્ષોનાં જંગલો છે. ભારતમાં અંદાજે 40 જેટલી ચેરની અલગ અલગ જાતિ છે. ભારતમાં 6740 ચો.કિ.મી. અને ગુજરાતમાં 991 ચો.કી.મી. ચેરના જંગલો છે. કચ્છમાં મુન્દ્રા, અંજાર, ગાંધીધામ (કંડલા) તાલુકાના ભાગોમા 724 ચો.કિ.મી.નાં ચેરના જંગલો છે.
મેન્ગ્રોવ પર પીએચડી કરી રહેલા 2 યુવાનો મહારાષ્ટ્રથી કચ્છ આવીને કચ્છના ચેરનો અભ્યાસ કરી ગયા છે. કચ્છમાં ક્રિક વિસ્તારમાં મોટાપ્રમાણમાં વિવિધ જાતના ચેરના વૃક્ષો છે. બોર્ડર સિક્યૂરિટી ફોર્સ અને ફોરેસ્ટ દ્વારા પણ મોટાપ્રમાણમાં ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. તો અદાણી, ટાટા પાવર, સાંઘી જેવા ઉદ્યોગોએ મોટાપ્રમાણમાં ચેરનું નિકંદન કર્યું છે. ચેરની મોટાભાગની જાતો નાશ પામી છે. અથવા તો નાશ થવાના આરે છે.