સમગ્ર વિશ્વમાં મેન્ગ્રુવ- ચેર વનસ્પતિના સંરક્ષણ માટે 26 જુલાઇના રોજ ‘આંતરરાષ્ટ્રીય ચેર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન (જીઇસી), ‘ગીર’ ફાઉન્ડેશન અને આઇ.યુ.સી.એન.ના સંયુક્ત ઉપક્રમે ભાગીદારીમાં ‘ચેર સંરક્ષણ: વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં’ વિષય પર 26 અને 27 જુલાઈ 2018ના દિવસે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં બે દિવસની રાષ્ટ્રીય કાર્યશાળા મળી રહી છે.
જીઇસી, ‘ગીર’ ફાઉન્ડેશન; તાબુક યુનિવર્સિટી, સાઉદી અરેબિયા; એમ.એસ.એસ.આર.એફ., એમ.એફ.એફ., આઇ.યુ.સી.એન., ગાઈડ, એક્શન ફોર પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ એનિમલ્સ, ઓડિશા; નેચર એન્ડ વાઇલ્ડલાઇફ સોસાયટી; નાબાર્ડ; યુ.એન.ડી.પી.; મેન્ગ્રુવ સોસાયટી ઓફ ઇન્ડિયા; કોલકાતા યુનિવર્સિટી; એન.સી.એસ.સી. એમ; કાર્મેલ કોલેજ, ગોવા; મહારાષ્ટ્રના વનવિભાગ અને ગોદરેજ સહિત અનેક મેન્ગ્રુવ સંગઠનો-નિષ્ણાતો ચેર સંરક્ષણ વિષય પર પોતાના વિચારો રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેન્ગ્રુવ (ચેર) વનોના સંરક્ષણમાં સમગ્ર દેશમાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો છે. વર્ષ ૨૦૦૪ દરમિયાન ભારતના પૂર્વ કાંઠે આવેલી સુનામી જેવી કુદરતી આફતોથી બચવા દરિયાકાંઠે આવેલા ચેરના વનોની જાળવણી માટે કાંઠાના રહેવાસીઓ તેમજ ઔદ્યોગિક એકમોને તેના સંરક્ષણ માટે એકત્રીત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચેર વનસ્પતિ તટવર્તી પર્યાવરણને જાળવી રાખવામાં, દરિયાઇ વિસ્તારના તીવ્ર મોજાઓ અને ધોવાણની અસરોને ઘટાડવામાં, આંતરિક કૃષિ વિસ્તારોમાં ખારાશ અને દરિયાઈ પાણીના સંચયને રોકવા અને દરિયાઈ ચક્રવાતો સામે દરિયાકાંઠાને રક્ષણ આપવા માટે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરિયાકાંઠા વિસ્તારના રહેવાસીઓ મુખ્યત્વે ઘાસચારા, ઇંધણ લાકડું અને માછીમારી પ્રવૃત્તિઓ માટે ચેર પર આધારિત છે. ચેર પરિસરતંત્ર એ દરિયાઈ પરિસરતંત્રનું સંતુલન તેમજ અસંખ્ય જીવસૃષ્ટિ જેમ કે, મત્સ્ય જે સ્થાનિક સમુદાયને આજીવિકા પૂરી પાડે છે તેઓને આશ્રય આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચેર એ સૌથી વધુ કાર્બન સંચય માટે જાણીતા છે, તેમજ તે મત્સ્ય અન્ય પ્રજાતિઓના વસવાટ ઉપરાંત જમીનના ધોવાણ અને દરિયાઈ મોજાઓ સામે જૈવ-ઢાળ તરીકે કામ કરે છે. ગુજરાત ઇકોલોજી કમિશને છેલ્લા એક દાયકાથી સતત પ્રયાસો દ્વારા ચેરના પુનઃસ્થાપનમાં એક નવીન પહેલ કરી છે. ગુજરાતમાં ચેરના પુનઃસ્થાપન માટેના પ્રયત્નોની વૈશ્વિક સ્તરે પ્રસંશા કરવામાં આવી છે. રાજ્યમાં ચેરના વનોના સંરક્ષણ પ્રણાલીઓનું સફળ મોડેલ દરિયાઇકાંઠાના રહેવાસી સમુદાયો, અગ્રણી ઉદ્યોગો અને સરકારી સંસ્થાઓના સહયોગથી શક્ય બન્યું છે. બદલાતા હવામાન અને દરિયાઇ વિસ્તારની પર્યાવરણીય રચનાને કારણે, ચેર એ ખુબજ મહત્વનું ઉષ્ણકટિબંધીય પરિસરતંત્ર બન્યું છે. છેલ્લા એક દાયકામાં ચેર દરિયાકિનારાની કુદરતી આપત્તિઓ સામે તારણહારના રૂપમાં ખૂબજ મહત્વની પુરવાર થઇ છે, તેમ ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા જણાવાયું છે. આ કાર્યશાળમાં વન મંત્રી ગણપતિસિંહ વસાવા તેમજ રાજ્ય વન મંત્રી શરામનલાલ પાટકર હાજર હશે.
ભચાઉના 20 કિ.મી.ના ચેરનો નાશ
ભચાવમાં મીઠાના એકમોએ 1200થી 1300 એકરમાં ચેરનું નિકંદન કાઢી નાંખ્યું છે. બીજા 4 હજાર એકરમાં ચેર નાણ પામે તેમ છે કારણ કે દરિયાનું પાણી આવતું રોકવા માટીના પાળા બનાવવામાં આવ્યા છે. ભચાઉના વોંધ, ચીરઈ, જંગી સહિતના વિસ્તારમાં અનેક ક્રિકો આવેલી છે. બેટ્ટી ક્રિક, ભોજાવાળી ક્રિક હડકિયા ક્રિક, લારાવાળી ક્રીકના અંદરના ભાગે સતત મશીનો ચલાવીને ચેરિયાઓનું નિકંદન કાઢવામાં આવ્યું છે. જેમાં શ્રીરામ સોલ્ટ સપ્લાયને સ્ટે આપવામાં આવ્યો છે. ચેર વૃક્ષના પાન ખાઈને જીવતી ખરાઈ ઉંટની જાત જોખમમાં આવી પડી છે.
અદાણીએ જંગલો સાફ કર્યા
અદાણી જૂથના પાવર પ્રોજેક્ટને કારણે ચેરના વૃક્ષોનું જંગલ ખતમ થયું છે. મુન્દ્રા તાલુકાનું દરિયાકાંઠે આવેલું હમીરામોરા ગામ કે જ્યાં અદાણીનો પાવર પ્લાન્ટ સ્થપાવાનો છે તે ચેરના જંગલથી ઘેરાયેલા ગામમાં ચેરના જંગલનું નિકંદન નીકળી ગયું છે. ગુજરાતના દરિયા કાંઠે ચેરવૃક્ષોનો વિસ્તાર 93 ટકા હિસ્સો કચ્છ અને જામનગર જિલ્લા છે જ્યાં સાત વર્ષમાં પોણાત્રણસો ચોરસકિલોમીટરનું ચેર અને અન્ય જંગલ નાશ પામ્યું હતું. 1998થી 2001 સુધીમાં 276 ચોરસ કિ.મી. વિસ્તાર નાશ પામ્યો હતો જેમાં રૂ.45 કરોડનું નુકસાન થયું હતું. ગુજરાત ઇકોલોજી કમિશનના એક અહેવાલના રિપોર્ટ મુજબ કચ્છ જિલ્લામાં 50 ચોરસ કિ.મી. તેમજ જ્યા રિલાયંસ, એસ્સારની રિફાઈનરી અને કેમીકલ્સ તથા ખાતરના કારખાના અને ઓઈલ પાઈપ લાઈન આવેલી છે. જામનગર જિલ્લામાં 226.18 ચોરસ કિ.મી.ના વિસ્તારમાંથી ચેરવૃક્ષો નાશ પામ્યા છે. તાજેતરમાં કચ્છના મુન્દ્રા તાલુકામાં મહેલૂલ વિભાગની જમીન પર વનવિભાગનાં અંદાજ મુજબ આશરે 25 ચોરસ કિ.મી.ના વિસ્તારમાં પથરાયેલું ચેરવૃક્ષનું જંગલ નષ્ટ થયું છે. કચ્છમાં 22 ચોરસ કિ.મી.માં ચેરના જંગલો સાફ થઈ ગયા છે. કચ્છમાં બે કરોડ વૃક્ષો હોવાનો અંદાજ હતો. આજે કેટલાં છે તે કોઈ કહી શકે તેમ નથી.
1998ના અહેવાલ મુજબ ઉષ્ણ કટિબંધ અને સમતીશોષ્ણ કટિબંધના ૩૦ દેશોમાં 99,300 ચોરસ કિ.મી.માં ચેરવૃક્ષોનાં જંગલો છે. ભારતમાં અંદાજે 40 જેટલી ચેરની અલગ અલગ જાતિ છે. ભારતમાં 6740 ચો.કિ.મી. અને ગુજરાતમાં 991 ચો.કી.મી. ચેરના જંગલો છે. કચ્છમાં મુન્દ્રા, અંજાર, ગાંધીધામ (કંડલા) તાલુકાના ભાગોમા 724 ચો.કિ.મી.નાં ચેરના જંગલો છે.
ધોલેરા સર બની રહ્યો છે ત્યાં પણ 28 ચોરસ કિમીના ચેરના વૃક્ષો આવેલાં છે તે શહેરી કરણ અને ઉદ્યોગોના કારણે નાશ પામે તેવો ભય છે.
તેની સામે ગુજરાત સરકારે ખંભાત સહિતના કચ્છના વિસ્તારોમાં ચેરના વૃક્ષોનું મોટા પાયે વાવેતર કર્યું છે. ખંભાત આસપાસમાં 12 ચોકસ કિમાીના ચેરના જંગલો ઉછેર્યા છે. જામનગર અને કચ્છમાં પણ ચેરનો ઉછેર કર્યો છે.