ચોરને દોરડે બાંધી જાહેરમાં માર માર્યો

રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. હજુ બુધવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીએ પોતે સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક કે ખોટા વીડિયો કે મેસેજીસ વાઈરલ કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. હજુ એ વાતને 24 કલાક પણ નહોતાં વિત્યાં ત્યાં બનાસકાંઠા જિલ્લાનાં થરાદનાં વળાદર ગામમાં બે દિવસ પહેલાં બનેલી એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં ચોરી કરનાર યુવકને ગામલોકો કાયદો પોતાનાં હાથમાં લઈને જાહેરમાં મારે છે. આ વીડિયો વાઈરલ થતાં બનાસકાંઠા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તાત્કાલિક આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
બનાસકાંઠાનાં થરાદ તાલુકાનાં વળાદર ગામમાં થોડાં દિવસ પૂર્વે ચોરીનો એક કિસ્સો બન્યો હતો. ચોરી કરનાર યુવકને લોકોએ ફરી ચોરી કરતાં રંગેહાથ પકડી લેતાં ગ્રામજનોએ તેને દોરડે બાંધી જાહેરમાં ફટકાર્યો હતો. અને આ માર મારવાની ઘટના મોબાઈલ ફોનમાં વીડિયો તરીકે રેકોર્ડ પણ કરાઈ રહી હતી. ચોરી કરનાર ચોરે વીડિયોમાં વળાદર ગામમાં અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું છે. આ યુવકને દોરડેથી બાંધીને ગ્રામજનોએ કાયદો પોતાનાં હાથમાં લીધો હતો અને તેને મારતાં મારતાં ગામ આખામાં ફેરવ્યો પણ હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી હતી અને આ ગામમાં જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે નોંધનીય છે કે, થોડાં સમય પૂર્વે ગુજરાત હાઈકોર્ટે પણ ગુનેગારોને દોરડે બાંધી પોલીસ દ્વારા જે રીતે જાહેર માર્ગો પર ફેરવવાની પરંપરા ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં ચાલી હતી તેની સામે લાલ આંખ કરીને આ પ્રકારે ગુનેગારોનું સરઘસ નહિ કાઢવા પોલીસને આદેશ કર્યો હતો અને આવા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. તેમ જ બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકો દ્વારા સોશિયલ મીડિયાનો જે રીતે દુરૂપયોગ કરાઈ રહ્યો છે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી જાહેરાત કરી હોવા છતાં આ પ્રકારનો વીડિયો વાઈરલ થતાં હવે જોવું એ રહ્યું કે, રાજ્ય સરકાર આ મામલામાં કેવી કાર્યવાહી કરે છે.