ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય

રૂ.૪૦૦૦ કરોડના ભાજપ મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના બારદાન કૌભાંડમાં આવનારા દિવસોમાં બહાર આવે તો નવાઈ નહીં. ધરતીપુત્રના કાળી મજુરી કરેલા ગરીબ ખેડૂત પરિવારના ભાજપના નેતાઓ ૪૦૦૦ કરોડ રૂપિયા ખાઈ ગયા છે. “ચોર ખાય, મોર ખાય બાકીનું ભાજપના ભ્રષ્ટાચારીઓ ખાય” તેમ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

ગુજરાત સરકાર ઉપર સીધો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓના ભાડે રાખેલા ગોડાઉનમાં મગફળી સાથે ઢેફાં ફ્રી ની કૃષિ યોજનામાં ખેડૂતો રાતા પાણીએ રોયા છે. મગફળી સાથે ભાજપ સરકારના મળતિયાઓ ઢેફાંનો વેપાર કરી લુંટ ચલાવી છે. ગુજરાતના ગરીબ ખેડૂતોના પરેસેવાની કમાણીના કરોડો રૂપિયા ગુજરાતથી લઈ દિલ્હીમાં બેઠલા ભાજપના નેતાઓના ખિસ્સામાં ગયા હોય તેવું લાગી રહ્યું છે.

હલકી ગુણવત્તાની મગફળીની ખરીદી કરી ભાજપના નેતાઓના ગોડાઉનમાં ભરી આગ લગાડી સળગાવવામાં પણ સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી રહી છે. ફાયર ફાઈટરના એક ઓડિયો ક્લીપમાં એસ.ડી.એમ. (નાયબ કલેક્ટર) જેવા અધિકારી બચાવવાની જગ્યાએ લાગેલી આગ વધુ લાગે તેવા પ્રયત્નો કરેલ છે. તેની પણ તપાસ થવી જોઈએ.

ગુજરાતથી મુખ્યમંત્રી માંથી વડાપ્રધાન બનેલા નરેન્દ્રભાઈ મોદીને પણ ગુજરાતના ગરીબ ખેડૂતોના પરિવારના મગફળી કૌભાંડમાં ચોકી કરવાને બદલે સુઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. દેશના ખેડૂતો બેહાલ છે અને દેશના ચોકીદાર પાસે રૂ.૪૦૦૦ કરોડની મગફળી કોણ ખાઈ ગયું તેનો જવાબ નથી. પણ ગુજરાતના લોકો સાથે સમગ્ર દેશના લોકો સાથે વિશ્વાસઘાત થયો હોય તેવો ભાજપની નિષ્ફળ સરકાર તરફથી એહસાસ થઈ રહ્યો છે. આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા તેનો જડબાતોડ જવાબ આપશે. ગુજરાતના ખેડૂતોના ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી. તેની ભાજપ સરકારમાં ચિંતા કરવાવાળું કોઈ નથી.

નામદાર હાઈકોર્ટના સીટીંગ જજની તપાસથી ભાજપ સરકાર કેમ ભાગી રહી છે? કારણ કે, ભાજપના નેતાઓ અને મગફળી કૌભાંડના લુંટારાઓ જેલ ભેગા થાય તેમ છે. હવે, ગુજરાતના લોકો ભાજપનો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને ઓળખી ગયા છે. ગુજરાતની પ્રજા ક્યારેય માફ નહિ કરે.