છાપામાં જાહેરાત માટે પંચની મંજૂરી લેવી પડશે, કાળા નાણાં આપી ટીવીમાં સમાચાર પ્રસારિત થાય છે તેનું શું ?

મતદાનના દિવસે તથા આગલા દિવસે પ્રસિધ્ધ થતી સમાચાર કત્રોની રાજકીય પ્રકારની જાહેરાતોના પૂર્વ પ્રમાણિકરણ માટે ચૂંટણી પંચે આદેશ કર્યો છે. પણ રાજકીય પક્ષો મતદાનના દિવસે જાતજાતના તુ્કકા કરીને ટીવી અને છાપામાં પોતાના સમાચારો છપાવીને કે પૈસા આપીને છપાવે છે ત્યારે મતદારો પ્રભાવિત થાય છે. ખરેખર તો મતદાનના 4 દિવસ પહેલાં ટીવી, સોશિયલ મિડિયા, વેબસાઈટ અને છાપામાં કોઈ પણ રાજકીય પક્ષની વાતો લખવા પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂર છે. 2014માં નરેન્દ્ર મોદી મતદાન કરવા ગયા ત્યારે કમળનું નિશાન બતાવીને મોબાઈલ પર સેલ્ફિ લીધી હતી. આ ઘટનાને ટીવીએ દિવસ ભર ચલાવી હતી. સોશિયલ મિડિયા અને વેબસાઈટ પર મોદીની ભરપુર પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. આવી પ્રસિદ્ધી માટે ટીવીના માલિકોને ભરપૂર પૈસા આપવામાં આવે છે. તેમને એક સેકંડ પ્રમાણે ટીવી પર જે બતાવવામાં આવે તેના પર કાળા નાણાં આપવામાં આવે છે, આ વાત કોબ્રા પોસ્ટના સ્ટીંગ ઓપરેશનમાં સાબિત થઈ ચૂકી છે.

રાજકીય પક્ષો, ઉમેદવાર, વ્યકિત, સંગઠન કે સંસ્થા ધ્વારા વિજાણું માધ્યમોમાં રાજકીય પ્રકારની જાહેરાતો પ્રસારિત કરતાં પહેલાં રાજ્ય કે જીલ્લા કક્ષાની મીડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ સમક્ષ પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની જોગવાઈ છે, આ પ્રકારની જાહેરાતોમાં પ્રિન્ટ મીડીયાનો સમાવેશ થતો નથી. પરંતુ મતદાનના દિવસે તેમજ મતદાનના આગલા દિવસ એટલે કે તારીખ ૨૨-૦૪-૨૦૧૯ અને ૨૩-૦૪-૨૦૧૯ દિવસે રાજકીય પક્ષો, ઉમેદાવારો, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા, સંગઠન દ્વારા પ્રિન્ટ મીડીયામાં જાહેરાત આપતાં પહેલાં રાજકીય પક્ષે રાજ્ય કક્ષાની મીડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ સમક્ષ તથા ઉમેદવાર પોતે, ઉમેદવારની તરફેણમાં કોઈ વ્યકિત, સંસ્થા કે સંગઠને જીલ્લા કક્ષાની મીડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટિ સમક્ષ પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની ચૂંટણી પંચ ધ્વારા સુચના આપવામાં આવેલ છે.