છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આલ્યાઘોડા ગામે આંગણવાડીના બાળકોને બેસવા માટે છેલ્લા 7 વર્ષથી મકાન નથી. જેના કારણે નાના ભૂલકાંઓને કાચા અને જર્જરિત મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે. તો અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
આલ્યાઘોડા ગામે આંગણવાડી કાર્યકર બહેન પોતાના કાચા મકાનમાં 17 જેટલા બાળકોને લાવીને રમાડે છે. પંખો ન હોવાથી ઉનાળાની ગરમીમાં બાળકોને શેકાવાનો વારો આવે છે મકાનની છત લાકડાની હોવાથી તે ખૂબ જર્જરિત થઈ ગઈ છે. સરકાર એક બાજુ ગુજરાતનાં વિકાસની મોટી મોટી વાતો કરે છે. જયારે આઝાદીના 72 વર્ષ પછી પણ આલ્યાઘોડા ગામમાં આંગણવાડીના મકાન બન્યા નથી. સરકારનો વિકાસ હજુ ગામડાં સુધી પહોંચ્યો નથી. વારંવાર રજુઆતો કરવા છતાં આજદિન સુધી મકાન બન્યું નથી તેવું ગામ લોકો જણાવી રહ્યા છે.
જે આંગણવાડીના મકાનમાં બાળકો આવે છે. તે મકાનની હાલત ખુબ જ દયનીય છે. વર્ષો જૂનું આ મકાન હવે સમારકામ માંગી રહ્યું છે. મકાન એટલી હદે જર્જરિત છે કે, તેમાં નીચે બેસવા માટે પણ જોખમ સમાન છે. અને ગમે ત્યારે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. તેવા ખંડેર જેવા મકાનમાં નાનાં ભૂલકાંઓ આવીને રમે છે. તો આ ભયજનક મકાનમાં બાળકોના જીવ જોખમમાં હોવા છતા તંત્ર દ્વારા કોઈ તકેદારી દાખવવામાં આવતી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, તંત્ર ક્યારે જાગશે.. શું તંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે. આ બાળકોના જીવ પર જે જોખમ છે તેની જવાબદારી કોની રહેશે.