છોટાઉદેપુરમાં ટામેટનાં ભાવ ગગડી જતાં ખેડૂતો પાયમાલ

ટામેટાના પોષણક્ષમ ભાવના અભાવે છોટાઉદેપુરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મહા મહેનતે પકવેલો ટામેટાનો પાક ખેડૂતોનો કસ કાઢી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં ખેડુતો દ્વારા ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને હાલમાં ટામેટાનો પાક તૈયાર છે. ત્યારે ટામેટાનો ભાવ તળીયે જતાં ખેતરોમાં કાળી મજુરી અને બિયારણ તેમજ ખાતરનો ખર્ચ કર્યા બાદ પણ ખર્ચનું વળતર પણ નહીં મળતાં ખેડુતોને ભારે આર્થિક ફટકો પડયો છે.
બોડેલી તાલુકાનાં ખેડુતો દ્વારા ટામેટાની વાડીઓ કરી ટામેટાનો પાક કરવામાં આવ્યો હતો અને ખેતરોમાં કાળી મજુરી કરી તેમજ બિયારણ અને ખાતરનો ભારે ખર્ચ કર્યા બાદ ટામેટાનો પાક તૈયાર થતાં જ ખેડુતોને સારો ભાવ મળવાની આશા હતી. પરંતુ સીઝન શરૂ થતાં જ ટામેટાનાં ભાવ તળીયે ગયાં હતાં. જેના કારણે ખેડુતોને રૂપિયા 10થી 15 પ્રતિ કિલોની પડતરમાં પડતાં ટામેટાનો ભાવ બજારમાં પ્રતિ કિલો રૂપિયા 5થી 7 થઈ જતાં ખેડુતોને તેઓની મહેનત અને કરેલા ખર્ચનું પણ વળતર મળતું નથી.
ટામેટા કેરેટમાં ભર્યા બાદ ખેતરમાંથી બજાર સુધી લઈ જવા પાછળ ખેડુતોને એક કેરેટનાં રૂપિયા 60થી 70નો ખર્ચ આવે છે. જેની સામે ખેડુતોને માત્ર રૂપિયા 70થી 80 કેરેટનાં મળે છે. ફક્ત પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બાદ કરતાં 20 કિલો પાછળ માત્રને માત્ર રૂપિયા 15થી 20 બચે છે તો ખાતર, બિયારણ, મજૂરી અને મહેનતના ખર્ચનું વળતર ક્યાંથી કાઢવું એ જગતનાં તાત માટે પાયાનો પ્રશ્ન બની ગયો છે.