જગતનો તાત ક્યારે સંગઠિત બની સાચી એકતા ઊભી કરશે ?

– લેખન, દેવશી મોઢવાડિયા, પોરબંદર

” સંગઠન માં જ શક્તિ છે અને એકતામાં જ તાકાત છે ” એ એક નરી વાસ્તવિક હકીકત છે, આજે સમજો હોય કે પ્રાંત, પ્રદેશ હોય કે ધાર્મિક સંપ્રદાયો સૌ સંગઠન અને એકતાના માધ્યમથી તાકાત અને શક્તિનો પરિચય દેશ અને દુનિયાને દેખાડી રહ્યા છે, પરંતુ આઝાદ ભારતની સૌથી મોટી વસ્તી ધરાવતો સમૂહ એટલે ખડૂતો.. બસ ખેડૂતોમાં જ એકતા નથી એટલે અન્યાયનો સામનો કરે છે, અસલામતી અનુભવે છે અને મૂંગા મોઢે અવગણનાની વેદના વર્ષોથી સહન કરી રહ્યો છે.

જે દેશનું અર્થતંત્ર ખેતી આધારિત હોય, જે દેશની ૭૦ % વસ્તી ખેતી કે ખેતી સંલગ્ન વ્યવસાયો સાથે જોડાયને રોજગારી પ્રાપ્ત કરતી હોય તે ખેડૂતો જ સંગઠિત નથી જેને કારણે આઝાદીના સાત સાત દાયકા પછી પણ ખેડૂત જે જગતના તાત તરીકે ઓળખાય છે તે ખેડૂત કાળી મજુરી કરી, પરસેવો પાડી, ટાઢ, તાપ કે વરસાદની ચિંતા કર્યા વગર આકરી મહેનત અને પરિશ્રમથી ઉત્પન્ન કરેલા અનાજથી દેશવાસીઓની આંતરડી ઠારે છે પરંતુ એજ જગતનો તાત અનેક મુશ્કેલી અને સમસ્યાઓથી પીડાતો હોય તેમની આંતરડીની ખેવના ના તો સરકાર કરે છે કે ના તો સમાજ… બસ મૂંગે મોઢે મોટા ભાગે અન્યાય જ સહન કરે છે કારણ કે સંગઠિત નથી.

ખેડૂતો માંગણીઓ સામાન્ય હોય છે, જો સરકાર ધારે તો ઘડીના છઠા ભાગમાં પૂરી કરી શકે, દેવું માફ કરવું કે સબસીડી આપવી કે એટલે થી જ સરકારની જવાબદારી પૂરી નથી થઇ જતી,,, આ દર્દનું કાયમી નિરાકરણ નથી.. કામ ચલાઉ ઉકેલ જ છે… ખેડૂતોની ખરેખર ખેવના સરકારે કરવી હોય તો ખેતીની પ્રાથમિક સવલતો પૂરી પાડવા માટે સરકારે પ્રયાસો કરવાની જરૂર છે. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખેત ઉત્પાદનના ખેડૂતો ને પોષણક્ષમ ભાવો મળે, ખેત ઉત્પાદનની વેચાણની પ્રક્રિયામાંથી વચેટીયાઓ નાબુદ થાય, ખેડૂત ખેત ઉત્પાદનનો ભાવ નક્કી કરી શકે તેમજ ખેતી માટે ચિંચાઈની પુરતી સવલતો મળે, સુધારેલા બિયારણો ઉપલભ્ય થાય, આધુનિક ખેતી પદ્ધતિથી ખેડૂતો માહિતગાર થાય, બજાર આધારિત ખેત ઉત્પાદનની ખેડૂતોને સમજ અને માહિતી પડે, ખેત ઉત્પાદનના સંગ્રહ અને જાળવણી માટે જરૂરી સ્ટોરેઝ ફેસીલીટી સ્થાનિક લેવલે ઉભી થાય, બિયારણ – રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ વ્યાજબી ભાવે મળી રહે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ ઉભી થાય તેમજ દુષ્કાળ અને અતિવૃષ્ટિ સમયે ખેડૂતોને તેમના હક્કનો પાકવીમો પૂરતા પ્રમાણમાં અને સમયસર મળી રહે અને પૂરતા પ્રમાણમાં દિવસના ભાગે નિયમિત વીજપુરવઠો મળે તેમજ ખેત ઉત્પાદન ના પૂરતા ભાવો ખેડૂતોને ટેકાના સ્વરૂપે મળે આવી સામાન્ય માંગણીઓ જ ખેડૂતોની હોય છે.

પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ખેડૂતો સંગઠિત નથી એટલે જ ખેડૂતોના હાથમાં ખેત ઉત્પાદન આવે ત્યારે જ ભાવો ગબડી પડે, પોતાના ઉત્પાદનના ભાવો બીજા જે નક્કી કરે તે જ ભાવે વેચવાની નોબત આવે, ખેડૂત જો પાક ધિરાણ સમયસર ના ભરી શકે તો બેંકો ખેડૂતો પર તવાઈ બોલાવે પણ હજારો કરોડ ચાઉ કરી જનારા હવાઈ માર્ગે બિન્દાસ્ત જો વિદેશ નાસી જાય તો પણ બેંકો કે સરકારના પેટનું પાણી હલતું નથી… ઉદ્યોગ ગૃહોને ૨૪ કલાક વીજપુરવઠો મળે પણ ખેડૂતોને જરૂરિયાતના સમયે પણ દિવસે વીજ પુરવઠો સરકાર પૂરી પાડતી નથી એટલે જ ખેડૂત બિચારો સાપ – વિચીના માથે પગ મુકીને રાત્રે પાણત કરવા મજબુર બને છે, ખેડૂતો પાક્વીમાંના પ્રીમીયમ ભરતો હોવા છતાં પકવીમાં ની ચુકવણીમાં મોટા પાયે ધાંધલીઓ થાય, રાસાયણિક ખાતરોના ભાવ આસમાનને આંબે છે, રાસાયણિક દવાઓમાં મલ્ટી નેશનલ કંપનીઓ ઉઘાડી લુંટ ચલાવે છે તોય સરકાર બહેરી – મૂંગી બનીને તમાચો જોતી રહે છે, સી પ્લેન ઉડાડવા માટે સાબરમતી નદીમાં પાણી છોડવા માટે પાણી છે પરંતુ ખેડૂતોના ખેતરમાં વરસાદ ખેચાવાથી મોઘા મુલનો પાક નજર સામે સુકાતો હોય ત્યારે પાક બચાવવા માટે સરકાર નદી કે કેનાલોમાં પાણી છોડવાનું નથી વિચારતી… કારણ કે સરકારના આવા ગેર વ્યાજબી પગલાઓ સામે અવાજ ઉઠાવવા ખેડૂતો સંગઠિત નથી એટલે જ મનમાની ચલાવવામાં આવે છે… અને આવી મનમાની ચલાવતી જ રહેવાની કારણ કે ખેડૂતોમાં એકતા નથી..

કૃષિ મહોત્સવના તાયફો તો કરવા માં આવે છે પરંતુ એ માત્ર પ્રચાર અને પ્રસાર માટે જ હોય છે. ખેડૂતોને ફાયદો થાય છે ખરો, ?? ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ કે ઓછા પાણીએ વધુ ખેત ઉત્પાદનની સમજ આપતા ખેતીલક્ષી કાર્યક્રમો બહોળા પ્રમાણમાં થયાનું નિહાળ્યું છે ક્યારેય ?? કૃષિ યુનીવર્સીટી અને કૃષિ સંશોધન કેન્દ્રો માત્ર કાગળ પર જ કામગીરી કરે છે તે સૌ જાણે છે. ખેડૂતો સાથે સીધું સંકળાયેલું અને ખેડૂતો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સહકારી ક્ષેત્રને પણ રાજકારણનો લુણો લાગી ગયો છે જે હવે ખેડૂત લક્ષી કામગીરી કરવાને બદલે બસ રાજકીય મલાઈ તારવવાનું જ માધ્યમ બની ગયું છે…

સરકાર ચંદ્ર પર મુન યાન મોકલવા,. મેટ્રો રેલ દોડાવવા અને બુલેટ ટ્રેન દોડાવવા તેમજ વિશ્વની સૌથી ઉચી પ્રતિમા બનાવવા માટે હજારો કરોડ રૂપિયા જે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ટેક્ષ રૂપે સરકારી તિજોરીઓમાં જમા થયેલા છે તેમાંથી છુટા હાથે વાપરી રહી છે પરંતુ ક્યારેય સાંભળ્યું કે ખેડૂતો માટે નર્મદા યોજના જેવી ચિંચાઈની એક કોઈ યોજનાનું ખાત મુહુર્ત કર્યું હોય કે ઉદઘાટન કર્યું હોય ?? હા કલ્પસર યોજના અને સૌની યોજના ના ખાતમુહુર્ત થયા છે પણ કોઈના ખેતર સુધી આ યોજનાઓથી ચિંચાઈનું પાણી પહોચ્યું હોય તેવું ક્યારેય નથી સાંભળ્યું… આવી અપેક્ષા રાખવી પણ અસ્થાને છે કારણ કે ” માગ્યા વગર માં પણ ના આપે ” આ કહેવત પ્રમાણે ખેડૂતોએ સંગઠિત થઈને હક્કની માંગ પણ નથી કરીને નથી તો અન્યાય સામે અવાજ ઉઠાવવા ક્યારેય સંગઠિત થઈને બાયો ચડાવી…

ખેડૂતો એ સંગઠિત થવું પડશે, ખેડૂતોના હક્કો માટે જાગૃત બનવું પડશે, રાજકીય પક્ષાપક્ષી અને ખોટા વાયદાઓમાં અટવાયા વગર એકતા અને સંગઠન શક્તિનો પરિચય કરાવવો જ પડશે નહીતર ” આગે છે ચલી આતી હે ” ના ન્યાયે ખેડૂત સતત પીસાતો જ રહેવાનો…