ભારતની નદીઓ ૬૦% જેટલી સૂકાઈ રહી છે -‘રિવર રિજુવિનેશન પ્રોજેક્ટ’ હેઠળ નદીઓમાં નવો પ્રાણ ફૂંકીશું:સદ્ગુરુ અમદાવાદ, તા.૨૩ જાન્યુઆરી 2018,મંગળવાર ”ભારતમાં બધી જ નદીઓ છેલ્લા ૫૦ વર્ષમાં ૪૦ થી ૬૦ ટકા જેટલી સૂકાઈ ગઈ છે, જેમાં ગુજરાતની નર્મદા ૬૦ ટકા અને ભારતની અગ્રણી એવી કૃષ્ણા નદી ૭૦ ટકા જેટલી સૂકાઈ છે. કેમ ? આપણે વેજીટેશન સાવ ખતમ કરી દીધુ છે. જ્યાં લીલીછમ વનરાજી હતી ત્યાં સૂકીભઠ્ઠ જમીનો છે. સાઉથમાં તો કેટલીક જગ્યાએ મોટા પ્રસંગોનો ખર્ચ કાઢવા ઝાડ પર લખે છે કે આ લગ્ન માટે કે આ બર્થ ડે માટે. નદીઓમાં માત્ર ૪ ટકા પાણી ગ્લેસીયરથી આવે છે, પરંતુ સારુ નસીબ એ છે કે ૯૬ ટકા પાણી જંગલોમાં વરસાદથી આવે છે. જંગલો વધે તો વર્ષના ૪૦-૪૫ દિવસના વરસાદથી નદીઓ ૩૬૫ દિવસ ભરેલી રહે અને હું અને સમગ્ર ભારતમાં મારી ટીમ એમાં કોઇ કસર નહીં છોડીએ.” સ્પીરીચ્યુઅલ લીડર, રેશનલ ગુરુ, પર્યાવરણ અને યોગ માટે ઇશા ફાઉન્ડેશનની ૩૦ વર્ષ પહેલા કોઇમ્બતુરમાં સ્થાપના કરનાર, યુએન, ઓક્સફર્ડ, હાર્વર્ડ, વર્લ્ડ ઇકોનોમીક ફોરમ વગેરે જગ્યાએ મનનીય પ્રવચન આપનાર તેમજ ‘ઇન્ડિયાઝ મોસ્ટ ઇન્ફલ્યુએન્શન પીપલ’ની યાદીમાં અગ્ર હરોળે સ્થાન પામનાર પદ્મવિભુષણ ‘સદ્ગુરુ’ એક મુલાકાતમાં આ વિશે વિસ્તૃત પ્રકાશ પાડી રહ્યા છે. પોતાના આ ઇનીશીએટીવ માટે તેમણે ‘રીવર રીજુવીનેશન પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતભરમાં રીવર રેલી યોજીને કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૧૬ રાજ્યોમાં ઉંડે સુધી પ્રવાસ કરીને સરકાર અને ખેડુતોને જાગૃત કર્યા છે અને અત્યાર સુધી ૧૬ કરોડ નાગરિકો આ કેમ્પેઇનમાં જોડાઈ ચૂકયા છે. તેમણે એકલા તામીલનાડુમાં પ્રોજેક્ટ ગ્રીન હેન્સ અંતર્ગત સવા ત્રણ કરોડ વૃક્ષો ઉછેર્યા છે, જેમાં પોંડીચેરીને પણ આવરી લીધું છે. વિશ્વના અત્યાર સુધીના આ સૌથી મોટા એન્વાયર્નમેન્ટ કેમ્પેઇન વિશે વાત કરતાં તેઓ કહે છે, ”૪૦ વર્ષ પહેલાં હું પણ ખેતી સાથે સંકળાયેલો હતો. એ વખતે ઝડપી ફાયદા માટે વૃક્ષો કાપીને એવો પાક વાવવા ખાતર બનાવતી કંપનીઓ ખેડૂતોને લલચાવતી હતી કે ટૂંકા ફાયદા માટે લાંબા હિતોને ભારે નુકશાન થયું. જમીનની ફળદ્રુપતા એ ‘નેચરલ ઇન્સ્યોરન્સ’ છે. જે કરોડો વૃક્ષો કાપવાથી ખતમ થઈ ગઈ. જ્યાં ઝાડ નથી, ઉજ્જડ જમીન થઈ ગઈ છે, ત્યાં જમીનમાં ઓર્ગેનીક કન્ટેન્ટ ખલાસ થઈ ગયો છે. આ કન્ટેન્ટ ઓછામાં ઓછો બે ટકા હોવો જોઈએ, જે ભારતમાં મોટાભાગની જગ્યાએ ૦.૫% થઈ ગયો છે. જેને હવે જમીન કે માટી નહી, રેતીની કક્ષામાં મુકાય. જો ૨% ઓર્ગેનીક કન્ટેન્ટ હોય, તો જ એ જમીન વરસાદનું પાણી પોતાનામાં સંઘરે અને શોષીને આખુ વર્ષ નદીને આપે. અત્યારે બધે આટલા બધા પુર કેમ આવે છે ? જમીન પાણી સંઘરતી જ નથી, તો પાણી પુર જ બને ને ? સદ્ભાગ્યે ભારતની ૨૫ ટકા જમીન હજી સરકાર પાસે છે. તેમાં પોલીટીકલ વીલથી જો કરોડો વૃક્ષો વાવવામાં આવે, તો જંગલો ફરીથી વિકસે અને જો એવું થાય, તો આવનારા બે દાયકામાં કેટલીય નદીઓ ખતમ થતી બચી જાય. અમે રીવર રીજુવીનેશનથી નદીઓમાં પ્રાણ ફૂંકીશું. ખેતી કરતા ખેડુતને ફરજ ન પાડી શકાય કે તું આ જ વાવ, પરંતુ ‘ક્રોપ બેઝડ ફાર્મીંગ કરતાં ટ્રી બેઝડ ફાર્મીંગ થી શું ફાયદો થાય એ અમે ખેડુતોને વિએતનામના ઉદાહરણથી સમજાવી રહ્યા છીએ. ત્યાં ખેડૂતોએ ફ્રુટસ ઉગાડવાનું શરુ કરતાં આવક ૨૦ ગણી વધી ગઈ, ૩ બીલીયન ડોલરનો અત્યારે એક્સપોર્ટ બીઝનેસ છે અને જમીનના ઓર્ગેનીક તત્વો વધી જવાની સાથે નદીઓમાં નવો પ્રાણ ફૂંકાયો. ભારતમાં ૧૨ હજાર વર્ષથી કઇ ખેતી થઇ એનો કાર્બન રેકોર્ડ મળે છે. પરંતુ આટલા વર્ષોમાં સમય સાથે તાલ મીલાવ્યો નથી અને વિજ્ઞાાનને નજરઅંદાજ કર્યું છે, નવી અને ફળદ્રુપ ખેતીને અવગણી છે. એને લીધે જંગલો, જમીન અને નદીઓ અને તેને લીધે આખી સંસ્કૃતિને અસર થઇ છે. અહીં એ કહેવાની જરૃર નથી કે સંસ્કૃતિઓ નદિ કિનારે જ વિકસી છે અને ટકી છે. ખેડૂતો માઇક્રો ઇરીગેશન સમજે એ માટે અમે પ્રયાસ કરીએ છીએ. અમે આ આખો રિસર્ચ નીતિ આયોગમાં લઈ ગયા છીએ અને વડાપ્રધાન સુધી પણ પહોંચાડી છે વાત ભારતમાં પરંપરાગત ખેતીની જગ્યાએ ફ્રુટસ, મેડીસીનલ હર્બ્સના વૃક્ષ અને રુટસ ઉગાડીને ખેડુત, જમીન, નદીઓ અને સંસ્કૃતિને સુદ્રઢ કરવાની વિપુલ તકો છે. દરેક રાજ્યની ટોપોગ્રાફીકલ અને જ્યોગ્રોફીકલ, કલાઇમેટીક કંડીશન પ્રમાણે અલગ અલગ વૃક્ષો ઉગાડી શકાય છે. સૌથી પહેલા તો જ્યાં જયાં નદી છે. એની બંને બાજુ ઓછામાં ઓછા એક કિલોમીટરના વિસ્તારાં સળંગ વૃક્ષો હોવા જોઈએ, તો જ નદી રીચાર્જ અને રીજુવીનેટ થશે. શહેરોમાં રીવરફ્રન્ટ ભલે બનાવો બ્યુટીફીકેશન માટે, પણ બીજે વૃક્ષો વાવો જ વાવો. ઇન્ડસ્ટ્રીના પ્રદૂષિત કચરાને નદીમાં ઠાલવતો બચાવવા નામ માત્રના એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને બદલે ત્રણ વર્ષમાં રાષ્ટ્રીય સ્તરે, મક્કમ મનોબળથી એક આખુ સેટ અપ જ ઉભું કરો.’ લીટરેચર સ્ટડીઝનું બેકગ્રાઉન્ડ ધરાવતા સદુગુરુ વર્લ્ડ ઇકોનોમી પર પણ એટલું જ પ્રભુત્વ ધરાવે છે. આ ફોરમમાં પોતાના વિચારો અંગે તેમણે કહ્યું, ‘વિશ્વની ૮૦ ટકા વેલ્થ માત્ર ૧ ટકો ધનિકો પાસે છે, ત્યારે સૌને એક છત્ર નીચે લાવીને કોમન પોલીસી રચવી એ એક આદર્શ છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ગરીબી અને ભૂખમરાથી પીડાતા દેશોની સંખ્યા અનેકગણી છે. અભાવમાંથી જન્મતો અસંતોષ ખોટા રસ્તે દોરે છે એ વાત સમજી રહેલા સમૃધ્ધ દેશોએ આજે નહીં તો કાલે, પડેલાને ઉભા કરવાનું વિચારવું જ પડશે.’ ત્યાગીનો ધર્મ અને સંસારીનો ધર્મ, એ બે વચ્ચેનો ફરક શું ? એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, ‘સૌથી પહેલા તો કોઇ એમ માનતું હોય કે હું ત્યાગી છું, તો એ એનો ભ્રમ છે. જીવનની છેલ્લી ઘડી સુધી પોતાની નૈતિક જવાબદારી નિભાવવી એનાથી મોટો ધર્મ બીજો કોઇ નથી. પછી તે કુટુંબ માટે હોય, સમાજ માટે હોય, દેશ માટે હોય કે દુનિયા માટે હોય, બધુ છોડી દીધું એવું માનવું એ ઘણી વખત ભાગેડુવૃત્તિ હોય છે, ત્યાગ નહીં. કેટલા બધા કાર્યો છે જો કરવા હોય તો પોતાની જાતને પણ બાજુ પર મુકીને.” – દક્ષેશ પાઠક