જ્યભરનાં જમીનના તમામ સરવે નંબરોનું સેટેલાઈટ દ્વારા ડિઝીટલાઈઝેશન કરવા માટે રાજ્ય સરકારે જમીન પુનઃમાપણી અંગેની કામગીરી હાથ ધરી છે. જમીન માપણી દરમ્યાન ખેડૂતોના જે કાંઈ પ્રશ્નો હશે તેનું યોગ્ય નિરાકરણ કર્યાં બાદ જ આખરી દસ્તાવેજીકરણ કરાશે.
જમીન પુનઃ માપણીની આ કામગીરીમાં ખેડૂતોને તેમના અધિકારો પૂરે-પૂરા મળી રહે તે માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ખેડૂતોને નુકશાન ન થાય તે માટે તેમને સાથે રાખી પ્રશ્નોનું નિરાકરણ કર્યા બાદ જ આખરી પ્રમોલગેશન થાય તે માટે વરિિષ્ઠ ચાર પ્રધાનોની સમિતિિ બનાવી છે. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિત ચાર મંત્રીઓની કમીટીની રચના કરી છે જેની આજે પ્રથમ બેઠક મળી હતી.
આ બેઠકમાં સરવે અંગે થયેલ કામગીરીની વિગતો આપતા નાયબ મુખ્ય પ્રધાનએ કહ્યું કે, આ સરવે દરમ્યાન રાજ્યમાં ૧ કરોડ ૭૦ લાખ ચો. કિ.મી. જમીનની માપણી કરવામાં આવી છે. માપણી બાદ ખેડૂતોને નકશા મોકલવામાં આવ્યાં હતા અને તેમાં જે વાંધા-સુચનો મળ્યાં હતા તેની પુનઃ માપણી કરી દેવાઈ છે. રાજ્યમાં ૧.૨૫ કરોડ સર્વે નંબરો છે તે પૈકી ૧.૧૫ કરોડ સર્વે નંબરોનું સ્થળ ઉપર જઈ જમીનની માપણી સંપન્ન કરી દેવાઈ છે. આ સર્વેની કામગીરી જામનગરથી શરૂ કરી હતી અને રાજ્યભરમાં આ કામગીરી પૂર્ણ થઈ છે. સર્વે દરમિયાન ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને આખરી રેકર્ડના પ્રમોલગેશનના કામગીરીની સમય મર્યાદા પણ લંબાવવામાં આવી હતી. તેમજ પ્રમોલગેશન બાદ પણ જે કોઈ ખેડૂતોને વાંધા હોય તો કોઈપણ ચાર્જ વસુલ કર્યાં સિવાય અપીલ દાખલ કરવાની પ્રક્રિયા કરાઈ છે.
રાજ્યના ૧૮૦૩૬ ગામો પૈકી ૧૨,૨૨૦ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સર્વે દરમિયાન મોટે ભાગે ભાઈઓ-ભાઈઓ વચ્ચેના ભાગની વહેંચણી મૌખિક રીતે થઈ હોય તેવાં મોટા ભાગના પ્રશ્નો રજુ થયાં હતા તે માટે જે ખેડૂતોના પ્રશ્નો હશે તેઓને આગામી સમયમાં રૂબરૂ બોલાવીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લવાશે. આ માપણી દરમ્યાન નકશાઓનું સેટેલાઈટ દ્વારા કોમ્પ્યુટરાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે સંદર્ભે ૨ ટકા જેટલા ખેડુતોના નાના-મોટા પ્રશ્નો રજુ થયાં છે. આ પ્રશ્નોનું તબક્કાવાર સંતોષકારક રીતે નિરાકરણ લાવવામાં આવશે અને ખેડૂતોને તેમના હક્કો આપીને આખરી પ્રમોલગેશન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.