જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા મનીષા અને ભાઉને સીઆઇડી ક્રાઈમની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસસાઈટી) દ્વારા શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જયાં ભચાઉ કૉર્ટ સમક્ષ પોલીસે ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં હત્યાકાંડની સાજીસથી માંડીને તેમાં કોણ-કેવી રીતે સામેલ છે તેની તપાસ કરવા ઉપરાંત મરનાર ભાનુશાળીનો મોબાઈલ હજુ સુધી ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે જે રીતે રિમાન્ડની માનગણીમાં જયંતિ ભાનુશાળીનાં ફોનનો ઉલ્લેખ કર્યો છે તેને જોતા સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે, ભાનુશાળીના મોબાઈલમાં ભાજપનાં કેટલાક દિગ્ગજ નેતાઓની કલીપ હોવાને કારણે તથા હત્યાકાંડમાં મોબાઈલ જ મહત્વપૂર્ણ છે. કોર્ટે પોલીસની માંગણી સામે સુજીત દેવસિંગ પરદેશી ઉર્ફે ભાઉ તથા મનીષા ગોસ્વામીનાં ૧૨ દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા હતા.
એસસાઈટીનાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર એવા ડીવાયએસપી પી.પી.પીરોજીયા દ્વારા ભચાઉની કોર્ટમાં રજૂ કરીને સમગ્ર હત્યાકાંડમાં મનીષા ઉપરાંત ભાઉ તથા અગાઉ પકડાઈ ગયેલા નિખિલ થોરાટ, છબીલ પટેલ તથા પડદા પાછળનાં આરોપી એવા જયંતિ ઠક્કર ડુમરાની ભૂમિકા તપાસવાની દલીલ કરી હતી. ખાસ કરીને હત્યા બાદ શાર્પ શૂટર જમ્મુ કટરા ખાતે એકઠા થયા હતા અને તે દરમિયાન ભાનુશાળીનો મર્ડર બાદ ગાયબ થયેલો મોબાઈલ ફોન આપ્યો હોવાની શક્યતા હોવાને કારણે પણ પૂછપરછ કરવી જરૂરી હોવાની ખાસ દલીલ કરી હતી.
સૂત્રોનું માનીએ તો જયંતિ ભાનુશાલી પાસે ભાજપનાં દિગ્ગજ કહી શકાય તેવા ૨૨ નેતાઓની વિડિઓ કલીપ હતી. જે તેમનાં મોબાઈલમાં તેઓ સતત તેમની સાથે રાખતા હતા. આશ્ચર્યજનક રીતે જયારે ભાનુશાળીનું ચાલુ ટ્રેનમાં ખુન કરવામાં આવ્યું ત્યારથી તેમનો મોબાઈલ ગુમ છે. જેને પોલીસ હજુ સુધી શોધી શકી નથી. આમ સમગ્ર મામલામાં મોબાઈલ એક મહત્વપૂર્ણ કડી હોવાનું પોલીસની દલીલ ઉપરથી સમજી શકાય તેવું છે.
ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાંથી મનીષા અને ભાઉને પકડી લીધા પછી સડક માર્ગે રાજસ્થાન થયીને અમદાવાદ લાવવાવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુનો ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હોવાને કારણે તેમને શુક્રવારે ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
રાંચી હની ટ્રેપનું શુ છે ?
પોલીસે રિમાન્ડની માંગ સાથે જયંતિ ભાનુશાળીને રાંચી ખાતે બોલાવીને ટ્રેપ કરવાનાં પ્લાનિંગ અંગે પણ રિમાન્ડ માંગવાનો ઉદ્દેશ્ય જણાવ્યો હતો. રાંચીમાં ભાનુશાલીને ટ્રેપ કરવા માટે મનિષાએ કોઈ મહિલાનો ઉપયોગ કર્યો હોવાનું જણાવીને તેની તપાસ કરવી જરૂરી હોવાનો પણ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કર્યો હતો.
છબીલ પટેલે ગૂગલ મેપથી રસ્તો બનાવેલો
પોલીસે કોર્ટમાં શા માટે રિમાન્ડની જરૂર છે તે જણાવતા જે મુદ્દાઓ ટાંક્યા હતા તેમાં હત્યા પૂર્વે જયારે મનીષા તારીખ પાંચમી જાન્યુઆરી,૨૦૧૯નાં રોજ સામખીયાળીથી અમદાવાદ ગયી હતી ત્યારે પરંપરાગત રૂટ-રસ્તાને બદલે અન્ય રૂટ અપનાવ્યો હતો. ગૂગલ મેપથી તૈયાર કરવામાં આવેલો આ રૂટ મનીષાને છબીલભાઈ પટેલ તરફથી મળ્યો હતો. જેની તપાસ પણ આ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ બની શકે તેમ હોવાને કારણે પોલીસે તેનો પણ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરતો હતો.