જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેરમાં દેખાયા, VIP હરોળમાં કેમ બેઠા તેની તપાસ શરૂ

બળાત્કારના આરોપ બાગ ભૂગર્ભમાં ઊતરી ગયેલાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેર રાજકારણમાં જોવા મળ્યા હતા. ભુજ ખાતેના સમારોહમાં દુષ્કર્મકાંડથી વિવાદમાં ફસાયેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં જયંતી ભાનુશાળી કઈ રીતે આવી ગયા તે અંગેની ખાનગી રાહે તપાસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી છે. જ્યારે તેમના કટ્ટર રાજકીય હરીફ છબીલ પટેલ ક્યાંય જોવા મળ્યા ન હતા. આ બન્નેની રાજકીય દુષ્મનાવટના કારણે ભાનુશાળીનું કલંકિત બળાત્કાર પ્રકરણ બહાર આવ્યું હતું અને પછી તેમાં સમાધાન પણ કરી લેવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી ભુજ પહોંચ્યા ત્યારે ભાજપના દરેક મોટા નેતાઓ અને ભુજ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. તે સમયે તો જયંતી ભાનુશાલી જોવા મળ્યા ન હતા, પણ સતાપર ગોવર્ધન પર્વત ખાતે આયોજિત વડાપ્રધાનની સભામાં દુષ્કર્મ કાંડના પગલે વિવાદમાં સપડાયેલાં જયંતિ ભાનુશાલી જોવા મળતાં ભાજપના સંનિષ્ઠ કાર્યકરો મોં ફેરવી લેતાં જોવા મળ્યા હતા. કેટલાંક નેતાઓએ તો તુરંત તપાસ શરૂ કરી દીધી હતી કે તેમને પાસ કઈ રીતે આપવામાં આવ્યા હતા.

બળાત્કારની ઘટના બાદ ભુગર્ભમાં ઉતરી ગયેલા ભાનુશાલીએ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહીને પૂર્વધારાસભ્ય પંકજ મહેતાની બાજુમાં વીઆઈપી લેનમાં ગોઠવાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આણંદ, રાજકોટ અને ભુજની મુલાકાત લઇ વિવિધ સમારોહમાં ભાગ લીધો હતો.