જર્મન પાસપોર્ટ પર ધારાસભ્ય બન્યા, સરકારે નાગરિકતા રદ કરી

ન્યુ દિલ્હી,તા.23
તેલંગાણામાં તેલંગાણા રાષ્ટ સમિતિના ધારાસભ્ય ચિન્નમેની રમેશની નાગરિકતા કેન્દ્ર સરકારે રદ કરી નાંખી છે. ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં જાણકારી આપતા કહ્યું હતુ કે, નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની ધારા ૧૦ હેઠળ તેમની નાગરિકતા ખતમ કરવામાં આવે છે.

જોકે રમેશ રાજકારણમાં છેલ્લા ૧૫ વર્ષથી છે.૧૫ વર્ષથી તેઓ તેલંગાણામાં વેમુલવાડાવિધાનસભા બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે.તેઓ મહારાષ્ટ્ર પૂર્વ રાજ્યપાલ સી વિદ્યાસાગરના ભત્રીજા પણ છે.

રમેશ ૧૯૯૦ના દાયકાની શરુઆતમાં રોજગારી માટે જર્મની ગયા હાત.જ્યાં તેમણે ૧૯૯૩માં જર્મન નાગરિકતા પ્રાપ્ત કરી હતી.એ દરમિયાન તેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી હતી.જ્યારે તેઓ ૨૦૦૮માં ભારત પાછા ફર્યા ત્યારે તેમણે ફરી ભારતની નાગરિકતા મેળવવા માટે આવેદનપત્ર આપ્યુ હતુ.એ પછી ગૃહ મંત્રાલયે તેમને નાગરિકતા આપી હતી.૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બન્યા હતા.

જાકે નાગરિકતા સબંધી નિયમ એવો છે કે, ભારતીય નાગરિકતા માટે અરજી કરનાર વ્યક્તિએ અરજી કર્યાની જે તારીખ હોય તેનાથી ઓછામાં ઓછા ૧૨ મહિના પહેલાથી ભારતમાં રહેવુ જરુરી છે.

રમેશની સામે ચૂંટણી લડનારા સ્થાનિક નેતા આદિ શ્રીનિવાસે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી કે, રમેશ હજી પણ જર્મન પાસપોટ્ટ ધરાવે છે અને તેમણે નાગરિકતા માટે અરજી કરી તે પહેલાના ૧૨ મહિનામાં તેઓ જર્મની પણ જતા રહ્યા હતા.

એ પછી ગૃહ મંત્રાલયની સમિતિએ મામલાની તપાસ કરીને તારણ કાઢ્યુ છે કે, રમેશે તથ્યો છુપાવીને ભારત ની નાગરિકતા મેળવી છે.૨૦૧૭માં જ આમ તો તેમની નાગરિકતા રદ કરાઈ હતી પણ તેમણે હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો.૨૦૧૮માં તેઓ ફરી ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બન્યા હતા.

હાઈકોર્ટે આ મામલાને ફરી ગૃહ મંત્રાલય પાસે મોકલી આપ્યો હતો.જાકે ગૃહ મંત્રાલયે તેમની નાગરિકતા રદ કરવાનો આદેશ આપ્યો છે.જાકે રમેશે ફરી આ મામલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે.