એકબાજુ આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરૂદ્ધ ભાજપ દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અને એનઆરસી દ્વારા ઘૂસણખોરી પર લગામ લગાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ભાજપની નેતાગીરી પણ આ મામલે આકરી ટીકાં કરી રહ્યાં છે. એવા સંજોગોમાં બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર પરથી બાંગ્લાદેશી ઝડપાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાનાં સૂઈ ગામના જલોય ચોકી પાસેથી બીએસએફ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. ભારત પાકિસ્તાન બોર્ડર પરથી આ ઘૂસણખોર ઝડપાતાં અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યાં હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘૂસણખોર ઝડપાતાં જ સુરક્ષા એજન્સીની સાથે સાથે ગુપ્તચર તંત્ર પણ તપાસમાં લાગી ગયું છે. ઝડપાયેલાં બાંગ્લાદેશી ઘૂસણખોરને બીએસએફ દ્વારા સૂઈગામ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, શનિવારે જ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે જયપુર ખાતે એક જનસભાને સંબોધતાં બાંગ્લાદેશી ઘૂસણખોરો બાબતે વિપક્ષોની આકરી ટીકા કરી હતી. સાથો સાથ તેમણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઉધઈ સાથે સરખાવ્યાં હતાં. તેમણે આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)નો ઉલ્લેખ કરતાં એવું પણ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર એનઆરસી લાવ્યું છે અને 40 લાખ જેટલાં બાંગ્લાદેશીઓને ઓળખી કાઢ્યાં છે. ભાજપ સરકાર પ્રત્યેક ઘૂસણખોરોને વીણી વીણીને દેશમાંથી હાંકી કાઢવા કટિબદ્ધ છે.