જાપાનની જિકા કંપનીએ ફંડિંગ અટકાવી દેતાં સરકાર માટે મુંજવણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બૂલેટ ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી ઉપડે એ પહેલાં જ ચેઈન પૂલિંગ થયું છે. જી હા, જાપાનની જિકા કંપનીએ આ પ્રોજેક્ટ માટેનું ફંડિંગ રોકી દેવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભરાઈ ગઈ છે. ભારતની પ્રથમ બૂલેટ ટ્રેન જે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડવાની હતી, તેની કામગીરી શરૂ થયાંને થોડાં જ સમયમાં જ બૂલેટ ટ્રેનનાં રૂટમાં આવતી જમીનનાં ખેડૂત માલિકોએ ભારે વિરોધ શરૂ કર્યો હતો. અને આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટીશન કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને મંગળવારે અચાનક જ જાપાનની જિકા કંપનીએ પ્રોજેક્ટનું ફંડ અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર ભારે અસમંજસમાં મૂકાઈ ગઈ છે.
જમીન સંપાદન મામલે સામાજિક અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહિ તે બાબતે બંને સત્તાધીશો ગુજરાત સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેસનનાં નોટિફિકેશનમાં અલગ અલગ વાતો રજૂ કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ બન્ને સત્તાધીશો અલગ અલગ વાત કરી રહી હોવાનું બહાર આવ્યું છે. કેમ કે, રાજ્ય સરકાર એવું કહે છે કે નવા કાયદા મુજબ આ બંધન હવે રહેતું નથી., તો નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન આ બાબતે કંઈક અલગ જ રાગ આલાપે છે. તે કહે છે કે સોશ્યલ એસેસમેન્ટ અને અન્ય એસેસમેન્ટ કરી લીધા છે. તો બીજી બાજુ જિકા કંપનીએ પ્રોજેક્ટ માટે ફંડ મુલતવી રાખ્યું હોવા છતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આ વાતનો ઈનકાર કરી રહી છે અને કહે છે કે, આ વાત તદ્દન ખોટી છે અને કોઈપણ પ્રકારનું ફંડ અટકાવી દેવામાં આવ્યું નથી. અને આવી જ વાત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને પણ ઉચ્ચારીને કહ્યું કે, જિકા અને જાપાન સરકારે નાણાંકીય સહાય બંધ નથી કરી. ગુજરાત હાઈકોર્ટમાં જમીન સંપાદન મામલે ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એક સોગંદનામું રજૂ કર્યું જેમાં સ્પષ્ટ કહ્યું છે કે બૂલેટ ટ્રેન માટે જમીન સંપાદનનું કાર્ય રાજ્ય સરકાર કરશે. ત્યારે રાજ્ય સરકાર આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
અત્રે નોંધનીય છે કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન એબે શિન્જોએ સંયુક્ત રીતે અમદાવાદનાં સાબરમતીમાં બૂલેટ ટ્રેન માટે ભૂમિ પૂજન કર્યું હતું. અને તે જ દિવસે ગાંધીનગર ખાતે ભારત-જાપાન વચ્ચેનાં દ્વીપક્ષીય વાટાઘાટો દરમિયાન બૂલેટ ટ્રેન માટે કરાર પણ કર્યાં હતાં. તે સમયે જાપાન સરકારનાં બૂલેટ ટ્રેનનાં સલાહકાર સંજીવ સિન્હાએ ભારત-જાપાન વાર્ષિક સમિટમાં કહ્યું હતું કે, ભારતમાં આટલાં મોટા પ્રોજેક્ટ સમયસર પૂરાં થતાં નથી. કેમ કે, અહીં અનેક પ્રકારનાં વિઘ્નો આવતાં હોય છે. આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમિટમાં દાવા સાથે જાહેર કર્યું હતું કે, ભારતની પહેલી બૂલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વર્ષ 202માં પૂર્ણ થઈ જશે. અને આજે જ્યારે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો મામલો આવ્યો ત્યારે તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટીશન દાખલ થઈ છે, તો બીજી બાજુ આ મામલાને લઈને જાપાનની જિકા કંપનીએ ફંડિંગ મુલતવી કરવાનો નિર્ણય લેતાં તેમની વાત સાચી પડતી હોય એવું લાગી રહ્યું છે.