વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના વિસ્તાર અમરેલીના જાફરાબાદમાં કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના સભ્યોએ ભાજપ સાથે મળીને કારોબારી ચેરમેનને હટાવ્યા છે.
જાફરાબાદ તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 8 કોંગ્રેસ અને 8 ભાજપ ઉપર વિજય થયો હતો. બન્ને રાજકીય પક્ષોએ સાથે મળીને અઢી-અઢી વર્ષનું શાસન કરવાનું નક્કી કર્યું હતું. પહેલા ભાજપના સભ્ય પ્રમુખ બન્યા ત્યારે કોંગ્રેસના સભ્ય ઉપપ્રમુખ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા હાલ કોંગ્રેસના મહિલા સભ્ય પ્રમુખ છે. જયારે ભાજપના સભ્ય ઉપપ્રમુખ છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના મહિલા પ્રમુખ સામે કેટલાક સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેના પરિણામે કોંગ્રેસ દ્વારા તેમને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા હતા. દરમિયાન પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખની અધ્યક્ષતામાં સભા મળી હતી. જેમાં વિરોધપક્ષના નેતાએ કારોબારી ચેરમેન સામે વિરોધ ઉઠાવ્યો હતો. ભાજપના વિરોધના સૂરમાં કોંગ્રેસના ચાર સભ્યોએ સૂર પુરાયો હતો. જેથી કારોબારી સભ્યને તેમના પદ ઉપરથી દુર કરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે જ જાફરાબાદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોએ બળવો કરતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જિલ્લાના કોંગ્રેસના નેતાઓએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને ડેમેજ કન્ટ્રોલની કામગીરી આરંભી હોવાનું જાણવા મળે છે. ભાજપના નેતાએ કરેલી દરખાસ્તને પગલે કારોબારી ચેરમેનને હટાવવા માટે મતદાન થયું હતું. જેથા ભાજપના સભ્યોએ ટેકો આપ્યો જ હતો પરંતુ કોંગ્રેસના પણ ચારેક સભ્યોએ સમર્થન આપ્યું હતું.