જીતુ વાઘાણીનું રાહુલ અને પ્રિયંકા સામે વિવાદિત નિવેદન, માફિ માંગી

પાટણમાં ભાજપ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિવેદન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યુ હતું કે, નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને અનેક વાર જન્મ લેવા પડશે.

ત્યાર બાદ વિકાસ મામલે પ્રતિક્રિયા આપી છે કે, વિકાસના માથે સિંગડા નથી હોતા. વિકાસ માત્ર કોંગ્રેસને જ દેખાતો નથી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસને અભાગ્યા અને લુખ્ખાઓ સાથે સરખાવ્યા હતા. જીતુ વાઘાણીના રાહુલ ગાંધી પરના વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને મનીષ દોશી, પરેશ ધાનાણી, લલીત વસોયા અને અમિત ચાવડાએ પ્રતિક્રીયા આપી હતી.

જીતુ વાઘાણી પદ મેળવવા પ્રહાર કરે છે: મનીષ દોશી
જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે, ભાજપમાં જે નેતા કોંગ્રેસ પર નિશાન સાધે છે તેને સારો પદ આપવામાં આવે છે. જીતુ વાઘાણી કોઈ પદ લેવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે.

વાઘાણી તાત્કાલિક માફી માગે નહી તો જોયા જેવી થશે: પરેશ ધાનાણી
જીતુ વાઘાણીના વિવાદિત નિવેદન પર પરેશ ધાનાણીએ રોષ વ્યક્ત કર્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વાઘાણી તાત્કાલિક માફી માગે નહી તો જોયા જેવી થશે. કારણ કે, ગાંધી પરિવારની વધતી જતી લોકપ્રિયતાથી વાઘાણી ભાન ભૂલ્યા છે. ગાંધી પરિવારે દેશ માટે અનેક ભોગ આપ્યા છે જ્યારે પોતાની નિષ્ફળતા છૂપાવવા જતા ભાજપે ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યુ છે.

વાઘાણી જેવી વલગર ભાષા કોઈ ટપોરી પણ બોલી ન શકે: વસોયા
વાઘાણીના નિવેદન પર ધારાસભ્ય લલિત વસોયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જીતુ વાઘાણીના નિવેદનથી ભાજપના સંસ્કાર ઉજાગર થયા છેય વાઘાણી જેવી વલગર ભાષા કોઈ ટપોરી પણ બોલી ન શકે. વાઘાણીને એમની ભાષામાં જવાબ આપવામાં અમારા સંસ્કાર આડા આવે છે.

ભાજપે માનસિક સંતુલન ગુમાવ્યું: અમિત ચાવડા
તો જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીને લઈને નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ભડક્યા હતા. ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રિયંકા રાજનિતિમાં સક્રિય થતા ભાજપે માનસિક સંતુલન ગુમાવ્યું છે. વાઘાણીનું નિવેદન તેમની હલકી માનસિકતા દર્શાવે છે. વાઘાણીને માના દૂધની પવિત્રતા અને ઘોડિયાના સંસ્કારનો ખ્યાલ નથી. ગાંધી પરિવારે દેશની એકતા અને અખંડિતતા માટે ભોગ આપ્યો છે.

રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધુંઃ વાઘાણીનો નવો વિવાદ

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ હવે રાજકીય પાર્ટીઓમાં નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે, બનાસકાંઠાના રાધનપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, કહ્યું કે રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું હશે, રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જનમ્યા હતા, જે ઘોડિયામાં કમાન્ડોની સાથે જનમ્યા હોય તે દેશની વાતો કરે છે, વધુમાં વાઘાણીએ કહ્યું કે દૂધ પીતી વખતે થાય તે ખરુ, આપણે જોવા નથી ગયા.

કોંગ્રેસના વાઘાણી પર પ્રહાર

રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરતા મોટો હોબાળો થયો છે, કોંગ્રેસે તેનો વિરોધ નોંધાવ્યો છે વાઘાણીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

જો કે વાઘાણીએ કહ્યું કે મારી વાતનું ખોટું અર્થઘટન કરાયું છે અને હું દિલગીરી વ્યક્ત કરું છું.