જામનગરના જામજોધપુર શહેરમાં એક મિલમાં જામનગર એલસીબી પોલીસે દરોડો પાડી વીસથી વધુ શખ્સોને જુગાર રમતા પકડી જુગારીઓને પાછલા બારણે છોડી મૂકવા માટે રૂ.18 લાખનો પોલીસે તોડ કર્યો હોવાના આરોપો બાદ રેંજ આઈજી દ્વારા આ પ્રકરણની ગંભીર નોંધ લઇ રાજકોટ ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપી છે.
તપાસ કરતી પોલીસ ટીમ સામે આ પ્રકરણ રફેદફે કરી નાખવા દબાણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ પોલીસ આ પ્રકરણની તપાસ કરે તે પૂર્વે જ ટીમ પર રાજકીય અને ગાંધીનગરથી દબાણ ભાજપના નેતાઓએ વધારી દીધું છે.
જામનગર એલસીબીના સ્ટાફની સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે ગૃહ વિભાગનું દબાણ આવી રહ્યું છે. પ્રકરણમાં તપાસમાં જાણી જોઇને ક્ષતિઓ રાખી પોલીસને બચાવી લેવા દબાણ કરવામાં આવી રહયુ છે.
ગંભીર કહી શકાય તેવા આ ચકચારી બનાવમાં રેન્જ આઈજી નજર રાખી રહ્યાં છે.
જામજોધપુર મિલમાં દરોડા દરમિયાન જુગાર રમી રહેલ પોરબંદરનો યુવાન પોલીસથી બચવા ઊંચી દીવાલ કુદી નાશ્યો હતો. પરંતુ દીવાલ કુદતા જ તે પાછળના પાણી ભરેલા ઊંડા વોકળામાં પડ્યો હતો. ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો.
યુવાનના મૃત્યુ પાછળ એલસીબી જવાબદાર છે. જો યુવાનના મૃત્યુ અને જુગાર દરોડાને કઈ સબંધ નથી તો જામનગર એલસીબી દરોડાના બીજા દિવસે જામજોધપુર કેમ પહોચી હતી. જાણકારોના જણાવ્યા અનુસાર યુવાનનું મૃત્યુ દરોડાનું કારણ ન બને તે માટે આ સમગ્ર કવાયત થઈ રહી છે.