ગાંધીનગર : જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનાં મુદ્દે કોંગ્રેસમાં આંતરિક ભડકો થયો છે, જૂથબંધી સપાટી પર આવી છે.ધારાસભ્ય ભીખા જોષીએ પક્ષ સામે રણસિંગુ ફૂંક્યું છે. પોતાના સમર્થકોના સ્થાને વિરોધીઓને કોર્પોરેશનની ટિકીટ મળી હોવાના આક્ષેપો ભીખા જોષીએકર્યા છે. પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, મેં કોંગ્રેસ સાથે હંમેશા વફાદારી જ રાખી છે. ક્યારેય કોંગ્રેસ છોડવાનો વિચાર પણ કર્યો નથી.
ભીખા જોષી કહે છે “ ધારાસભ્ય તરીકે ચૂંટાણા પછી મેં પ્રદેશ સાથે દલીલ કરી શહેર પ્રમુખ કરીકે વિનુ અમીપરાને નીમાયા હતા. અમે નક્કી કરેલી રણનીતિ પ્રમાણે જૂનાગઢ મનપાની ચૂંટણી જીતીશું એવો વિશ્વાસ હતો. વિધાનસભામાં મને જીતાડવા જેમણે દિવસ રાત જેણે દિવસ રાત મહેનત કરી તેવા કાર્યકરોની ટિકીટ કાપી અને મને હરાવવા મેદાનમાં ઉતરેલાં લોકોને ટિકિટ આપી છે. નિરીક્ષકો મારી પાસે આવ્યા અને મારી સાથે ચર્ચા કરી અને આ તમામની ટિકીટ ફાઈનલ કરી છે તેવું કહ્યું. આમ અમારા ટેકેદારો અને પસંદ કરેલાં તમામની ટીકિટ કાપી કાઢવામાં આવી જે દુઃખદ બાબત છે.”
તેમણે આરોપ મૂકતાં કહ્યું કે, પાર્ટીના અમુક વિઘ્ન સંતોષી નેતા મને જૂનાગઢ લડાવવા માંગતા નહોતા. પરંતુ કેટલાંક વરિષ્ઠ નેતાઓની દરમિયાનગીરીથી મને વિધાનસભામાં ટીકિટ આપી અને ધારાસભ્ય તરીકે જીતાડ્યો. આ ઉપરાંત હાલમાં જ યોજાયેલી માણાવદરની જવાહર ચાવડાને હરાવા માટે મેં સૂચવેલો ઉમેદવાર ન મૂક્યો અને કોંગ્રેસ આ બેઠક જીતી ન શક્યું.‘
કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી સામે આટ આટલો અસંતોષ વ્યક્ત કર્યા બાદ તેમ જ તેમની અને તેમનાં ટેકેદારોની સતત ઉપેક્ષા થવા છતાં ભીખાભાઈ જોષી કોંગ્રેસ નહિ છોડવા મક્કમ છે. તેઓ કહે છે જૂનાગઢની પ્રજાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે એટલે અન્ય ધારાસભ્યોની માફક તેમનો વિશ્વાસઘાત કરી શકું નહિ. અને મારી કરણીનાં આધારે જ રાજકારણ કર્યું છે. હું સત્તાલક્ષી નથી પણ પ્રજાલક્ષી કામો કરવાનો અભિગમ ધરાવું છું.
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીના મુદ્દે કોંગ્રેસનાં નારાજ શહેર પ્રમુખ વિનુ અમીપરાએ પહેલાં જ રાજીનામુ ધરી દીધું હતું.