જૂનાગઢનાં વડાલ ગામનાં ખેડૂતોનું પાક વીમા માટે હલ્લાબોલ

રાજ્યમાં ખેડૂતોની બદહાલી દિવસે ને દિવસે વધી રહી છે. એકબાજુ જગતનો તાત દેવાનાં ડૂંગર તળે સતત દબાઈ રહ્યો છે તો બીજી બાજુ બેન્કો દ્વારા પાક વીમાની રકમ સમયસર ચૂકવવામાં થઈ રહેલાં ઠાગાઠૈયાંનાં કારણે તાતને બે બાજુથી માર સહન કરવાનો વારો આવ્યો છે.
ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં કેટલાંય સમયથી ખેડૂતોનાં પ્રશ્ને સતર્ક હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની હકિકત એ છે કે, રાજ્યનાં ખેડૂતોને દિવસે ને દિવસે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક બાજુ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં અપૂરતાં વરસાદનાં કારણે અછતની સ્થિતિ ઊભી થઈ છે તો બીજી બાજુ પોતાનાં પાકને બચાવવા માટે પાણી માટે સતત પોકાર કરી રહ્યો છે. આ સંજોગોમાં પોતાનાં પાક માટે લીધેલાં વીમાની રકમ પણ બેન્કો દ્વારા ન ચૂકવાતાં ખેડૂતોની સ્થિતિ આજે બદથી બદતર બની રહી છે અને આટલું ઓછું હોય એમ દેવાનાં ડૂંગરતળે દબાયેલો ખેડૂત આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે અને છેલ્લાં બે સપ્તાહમાં બે ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનાં કિસ્સા પણ સામે આવ્યાં છે. આ સ્થિતિમાં જૂનાગઢનાં વડાલ ગામે પાક વીમાનું પેમેન્ટ બેન્ક દ્વારા ન ચૂકવાતા કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાનાં નેતૃત્વમાં વડાલ ગામની બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે 500 જેટલાં ખેડૂતોએ હલ્લાંબોલ કર્યું હતું. ખેડૂતોએ જણાવ્યું કે, વીમા કંપની દ્વારા તેમનાં પાક વીમાની રકમ બેન્કમાં જમા નથી કરાવ્યું તેનાં કારણે આ બાબતે રજૂઆત કરી પરંતુ કોઈ યોગ્ય જવાબ મળતો નથી.
આ મામલે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આક્ષેપ કરતાં કહ્યું કે, જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી રાજ્યનો ખેડૂત પાયમાલીની ગર્તામાં ધકેલાઈ ગયો છે. અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે રાજ્ય સરકારની ઉદાસીનતાને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપની સરકાર માત્ર ઉદ્યોગપતિઓને જ સાચવે છે અને ખેડૂતો માટે કોઈ નક્કર નિર્ણય કરતી નથી ત્યારે આવનારા દિવસોમાં જગતનો તાત સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરી પોતાનો વિરોધ વ્યક્ત કરશે અને તેનું પરિણામ આવનારી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પૂર્વે રાજ્યનાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ પણ આ જ મામલે જેતપુરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં હલ્લાંબોલ કરીને ખેડૂતોનાં પાકવીમાની રકમ તાત્કાલિક છૂટી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.