નરેશ અંતાણી |
[‘ફીલિંગ્સ’ સામાયિકમાંથી સાભાર.]
ભારતના ખાસ કરીને ગુજરાતના ઇતિહાસ, પુરાતત્વ, કલા, સંસ્કૃતિ, શિલ્પ અને સ્થાપત્યના સંવર્ધનમાં કચ્છનું પ્રદાન મુઠ્ઠી ઊંચેરું રહ્યું છે. આપણા પ્રાચીન ઇતિહાસના પાનાઓ પર તેના અનેક પ્રમાણો મળી આવે છે. વિશ્વસફરના અનેક પ્રવાસીઓ અને યાયાવર પ્રજાએ કચ્છને કાયમ પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે. જે આપણને પ્રાગૈતિહાસિક કાળ સુધી લઈ જાય છે અને આ પ્રક્રિયાના ફળસ્વરૂપે કચ્છ પ્રદેશમાં વિશ્વભરની સંસ્કૃતિઓનો સુમેળ આપણે જોઈ શકીએ છીએ. કચ્છ પ્રદેશ ઉપર ચીક પણિઓ અને અંધકોથી લઈને છેલ્લે સમાવંશના જાડેજા સુધીના સત્તાધીશોએ રાજ કર્યું છે અને આના પરિણામે અનેક જનજાતિઓ કચ્છમાં વસે છે. અનેક પંથો અને સંપ્રદાયો માટે કચ્છમાં અનુકૂળ વાતાવરણ રહ્યું છે. કચ્છમાં હવામાન, ભૂમિ, પ્રાકૃતિક વૈવિધ્ય, રણ, સમુદ્ર વગેરેની વિવિધતા જોવા મળે છે. આ પ્રદેશ હજારો વર્ષથી બૌદ્ધિક સમૃદ્ધિથી છલકાતો રહ્યો છે. પરિણામે સદીઓથી સમગ્ર જગતને કચ્છમાં આવવાનું, માણવાનું આકર્ષણ રહ્યું છે. પૃથ્વી પરની અનેક ઊથલપાથલનો ભોગ કચ્છ અનેક વાર બન્યું છે. ચાર-ચાર વાર દરિયામાં જઈને પાછું ઉપર આવ્યું છે.
ભારતના એક વિશિષ્ટ ખૂણામાં આવેલા આ પ્રદેશમાં રાજાઓની, સૈન્યોની અને અનેક પ્રવાસીઓની અવરજવર થતી રહી છે, જેને કારણે અનેક પ્રકારનાં પરિવર્તનોનો આ પ્રદેશ સાક્ષી છે અને અનેક જાતિ પ્રજાતિઓના સાંસ્કૃતિક સુમેળને કારણે અહીંની પ્રજાના પહેરવેશ અને આભૂષણોમાં પણ વૈવિધ્યતા જોવા મળે છે. વિશાળ અને આશરે 43000 ચો.કિ.મી.નો ભૂ-વિસ્તાર ધરાવતા ભાતીગળ કચ્છ પ્રદેશમાં અનેક પ્રવાસધામો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પર્યટનધામો આવેલા છે. નારાયણ સરોવર-કોટેશ્વર માતાનો મઢ, ધોણોધર, કાળો ડુંગર, ધ્રંગ, જેસલતોરલ, ભદ્રેશ્વર, હાજીપીર જેવા કેટલાય જાણીતા પ્રવાસન મથકો વિશે આખું વિશ્વ જાણે છે, પરંતુ એવા કેટલાય મથકો પણ આ વિસ્તારમાં છે, જેની જાણ દરેકને હોવાની સંભાવના ઓછી છે. અહીં આવા અણજાણીતા ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસધામો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પર્યટનધામો વિશે ટૂંકમાં વિગતો આપવાનો પ્રયાસ કર્યો છે.
કિલ્લાની નગરી લખપત : કચ્છના પાટનગર ભૂજથી 150 કિ.મી. દૂર સ્થિત કચ્છના ઐતિહાસિક કિલ્લાનું કચ્છ રાજ્યના સમયમાં ખૂબ જ મહત્વ હતું. કચ્છનો આ અદ્યતન કિલ્લો એ સત્તરમી સદીના અંત અને અઢારમી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. કચ્છના તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરથી 16-17 કિ.મી.ન અંતરે આવેલું લખપત એક સમયે બસ્તા બંદર તરીકે ઓળખાતું. કચ્છના સિંધ સાથેના વેપારમાં લખપતનું નામ સૌથી મોખરે લેવાય છે. એક સમયે લખપત કચ્છનું મહત્વનું બંદર હતું. સપાટ અને છીછરો દરિયો ધરાવતા આ બંદરમાં માલના પરિવહન માટે સઢવાળા નાના વહાણો ચાલતાં. દેશ-વિદેશ સાથે તેનો દરિયાઈ વેપાર રહેતો. કચ્છના મહારાવ લખપતજીએ આ બંદરનો પાયો નાખ્યો હતો. આ બંદરની સમૃદ્ધિ આંખ ઠરે એવી હતી, પરંતુ માનસર્જિત અવળચંડાઈ અને કુદરતી અવકૃપાએ આ બંદરની જાહોજલાલી છીનવી લીધી. કચ્છની એક સમયની જીવાદોરી સમાન સિન્ધુ નદીના વહેણને સિન્ધના અમીર ગુલામશાહ કલોરાએ નદી પર બંધ બાંધી પાણી રોક્યું તો ઇ.સ. 1819ના વિનાશક ધરતીકંપના કારણે લખપત વિસ્તારમાં સિંધોડીનો દુર્ગ તોડી પાડતા ચાલીસેક કિ.મી.માં દરિયો ધસી આવ્યો. કુદરતી અલ્લાહ બંધનું નિર્માન થયું. પરિણામે લખપત બંદરના વળતા પાણી થયા.
હાલની આ લખપતની ધરતી પર 1818 સુધી સિન્ધુ નદીનું મીઠું પાણી કોરીક્રીકના કારણે ઠલવાતું ત્યારે અહીં અઢળક પાક થતો. સિન્ધના લાલ ચોખા પણ અહીં પુષ્કળ પ્રમાણમાં થતાં. પરિણામે આ પ્રદેશની આવક લાખોમાં થતી. આથી જ આ પ્રદેશ લખપતના નામે ઓળખાય છે. કચ્છના ક્રોમવેલ તરીકે જાણીતા લશ્કરી વડા જમાદાર ફતેહમહંમદના સ્થળનું વ્યૂહાત્મક મહત્વ જાણીને લખપતને ફરતે મજબૂત કિલ્લો બનાવ્યો હતો. શીખોના ધર્મગુરુ અને શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે સિન્ધના હિંગળાજ પીરસરવા જતા હતા તે દરમિયાન આ જ લખપતમાં કેટલોક સમય રોકાણ કર્યું હતું. તેમની યાદગીરી રૂપે ગુરુદ્વારા પણ લખપતમાં છે. તો કચ્છના આજ્યના સમયમાં આ ઐતિહાસિક નગરીમાં નાગરોની વસતી મોટા પ્રમાણમાં હતી તેની સાક્ષીરૂપ હાટકેશ્વરજીનું મંદિર અને નાગરરાઈ આજે પણ છે.
મહાબંદર ધોળાવીરા :
જિલ્લાના પાટનગર ભૂજથી 225 કિ.મી દૂર સ્થિત ધોળાવીરા પૂર્વ કચ્છના ખડીર બેટમાં આવેલું છે. આ બેટ ચારે તરફથી ઘેરાયેલો છે. ઇ.સ. 1930ના દાયકામાં કચ્છમાં પડેલા દુષ્કાળના સમયમાં ખડીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહતકામ દરમિયાન શંભુદાનભાઈ ગઢવીને એક મુદ્રા મળી. આ મુદ્રા કંઈક વિશેષ જણાતાં તેમણે તેને સતાધીશો સુધી પહોંચાડી અને આ પછી આરંભાઈ અતિતના સ્પંદનો ઝીલવાની કવાયત. ઇ.સ. 1970-73ના વર્ષ દરમિયાન જગત્પતિ જોશીએ ધોળાવીરાનું આરંભિક ઉત્ખનન કાર્ય હાથ ધરતાં આ સ્થળે વિશાળ હડપ્પીય નગર હોવાનું શોધી કાઢ્યું. આ પછી બે દાયકા સુધી આ કાર્યમાં કોઇ પ્રગતિ કરી શકાઈ નહીં. તે પછી છેક 1991ના ગાળામાં ભારત સરકારના પુરાતત્વ સર્વેક્ષણના વડા શ્રી બીસ્ટ અને તેમના સાથીદારોએ ઉત્ખનન કાર્યનો આરંભ કર્યો. પરિણામે ત્રણ ભાગમાં વહેંચાયેલું એક વિરાટ સિન્ધુ નગર પ્રકાશમાં આવ્યું. તમામ દૃષ્ટિએ જોતાં કંઇક ને કંઇક વિશિષ્ટતાવાળું આ નગર સિન્ધુ સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો પુરવાર થયો, જેણે કચ્છને આતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી દીધી. હડપ્પીય ધોળાવીરાની ખાસ ધ્યાન ખેંચે તેવી તેની કિલ્લેબંધી છે. મુખ્ય મહેલ કે જેને ‘સિટાડેલ’ કહેવામાં આવે છે. તે ખૂબ જ મજબૂત કિલ્લાથે રક્ષવામાં આવ્યો છે. બીજો કિલ્લો આ મહેલ તેમજ ઉપલા નગરની સુરક્ષા માટે બાંધવામાં આવ્યો છે. આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પણ કચ્છનું આ શહેર (આજની જેમ) દુશ્મનોથી સાવધ હશે તે આ ઉપરથી અંદાજ કરી શકાય છે. અહીંના સુશોભિત સ્તંભો પણ વિશેષ છે. ધોળાવીરામાંથી મળી આવેલું એક વિશાળ બોર્ડ પણ રસપ્રદ છે. જેના પર સિન્ધુ લિપિમાં અક્ષરો લખવામાં આવ્યા છે. આ બોર્ડ પર લુગદી જેવા પદાર્થ વડે ચોડીને મણકાઓથી લખાયેલા 10 અક્ષરો કે સંજ્ઞાઓ છે. હજુ સુધી આપણે સિન્ધુ લિપિ ઉકેલી શક્યા નથી. જ્યારે પણ લિપિ ઉકેલાશે ત્યારે આ બોર્દ પરની સંજ્ઞાઓનો ઉકેલ ખૂબ જ રસપ્રદ નીવડશે એ ચોક્કસ છે.
વસઈ તીર્થ ભદ્રેશ્વર
ભદ્રેશ્વરના પ્રાચીન જૈન દેરાસરની પ્રાચીનતા અંગે અનેક મતમતાંતરો પ્રવર્તે છે. એક કિવદંતી મુજબ આજથી અંદાજે 2500 વર્ષથી વધારે સમય અગાઉ ઇ.સ. 448માં દેવચંદ્ર નામના ગૃહસ્થે અહીં મંદિર બંધાવ્યું હતું અને તેમાં જૈન તીર્થંકર પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. અનેક વખત જિર્ણોદ્ધાર પામેલા આ જૈન દેરાસરનો સૌ પ્રથમ વખત જિર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો. એ પછી સંવત 1315માં જગડુશાએ અને ત્યારબાદ આ તીર્થની હાલત જોઈ સંવત 1920માં જૈન મુનિ ખંતવિજયજીએ કચ્છના રાક પ્રાગમલજી અને દેશળજીની સહાયથી જિર્ણોદ્ધાર કરાવ્યો. સંવત 1939ના મહા સુદ-10ના દિવસે માંડવીના શેઠ મોણશી તેજશીના પત્ની મીઠાબાઈએ પણ તેનો જિર્ણોદ્ધાર કરાવ્યાની વિગતો નોંધાઈ છે. અનેક ચઢાવ-ઉતારના મૂક સાક્ષી એવા ભદ્રેશ્વર જૈનતીર્થનો છેલ્લો જિર્ણોદ્ધાર કરવાની અનિવાર્યતા ઇ.સ. 2001ના ધરતીકંપને કારણે આવી પડી. આ ભૂકંપમાં જિનાલયને વ્યાપક નુકશાન થતાં કચ્છ અને બૃહદ કચ્છના દાતાઓના સહયોગથી 15 કરોડથી વધારેના ખર્ચથી આ કાર્ય પણ સંપન્ન થયું છે. વર્તમાન સમયમાં સોમનાથ, લોથલ, મોઢેરા, વડનગર, ધોળાવીરા વગેરે સ્થળોએ આવેલા પ્રાચીન મંદિરોમાંથી પ્રાપ્ત ખંડિત પ્રતિમાઓ, શિલ્પો અને અન્ય અવશેષોને જાળવી રાખવા તથા પ્રવાસીઓ અને સંશોધકોના માર્ગદર્શન માટે સ્થળ સંગ્રહાલયોનું નિર્માણ કરાયું છે. ભદ્રેશ્વર ખાતે પણ હાલમાં પ્રાપ્ત ખંડિત પ્રતિમા તથા 2001ના ભૂકંપમાં જિનાલયને નુક્સાન થતાં જે પ્રતિમાઓ અને શિલ્પો ખંડિત થયા હોય તે તમામને જાળવી રાખવા આવું જ સ્થળ સંગ્રહાલય ભદ્રેશ્વર ખાતે જ આકાર પામે તે ઇચ્છનીય છે.
કોટેશ્વર :
અરબી સમુદ્રના કિનારે કોરીક્રીકના નાકા પર અને પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર પાસે સાગર તટે પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ છે. રાવ ધુરારાના પત્ની ગૌડરાણીએ રાવ ધુરારાને પામવા લીધેલી પ્રતિજ્ઞા પૂરી થતાં તેણે આ મંદિરની પ્રતિષ્ઠા કરી હોવાનું કહેવાય છે. તેની સ્થાપના પાછળ એક પૌરાણિક કથા પણ સંકળાયેલી છે. લંકાપતિ રાવણે આકરું તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરી પોતાની સાથે શંકરનું લિંગ લઇ જઇ ત્યાં તેની પ્રતિષ્ઠા કરવાનું વરદાન માંગ્યું. આ વખતે શંકરે એવી શરત કરી કે, લંકા સુધી પહોંચતાં ક્યાંય પણ લિંગ જમીન પર મૂકવું નહીં અને જ્યાં પણ લિંગ જમીન પર મૂકાશે ત્યાં તેની પ્રતિષ્ઠા કરવી પડશે ! રાવણ હાથમાં શિવલિંગ લઇ લંકા તરફ ઉપડ્યો. આથી દેવોમાં ગભરાટ ફેલાયો. ત્યારે બ્રહ્માએ ગાયનું રૂપ લઈ નારાયણ સરોવર પાસે એક ખાડામાં ફસાયેલી ગાયનું રૂપ લીધું. જેથી પસાર થતાં રાવણે તેને પાણીમાં ફસાયેલી સાચી ગાય માની તેને બચાવવા હાથમાંનું લિંગ જમીન પર મૂક્યું. ગાયને બચાવી. પણ તેણે પાછળ જોયું તો જમીન પર મૂકેલ લિંગમાંથી એક કરોડ લિંગ થઇ ગયેલા. આમાંથી અસલ લિંગ શોધવું મુશ્કેલ હોઇ, અહીં જ ભગવાન શંકરના મંદિરની પ્રતિષ્ઠા કરી એ આજનું કોટેશ્વર. એક કરોડ લિંગ પૈકીના કારણે આ મહાદેવના સ્થાનનું નામ પણ કોટેશ્વર મહાદેવ પડ્યું. ઇ.સ. 1819ના ધરતીકંપ વખતે આ મંદિરને વ્યાપક નુક્સાન થતાં કચ્છના એ સમયના દાનવીર સુન્દરજી સોદાગરે ઇ.સ. 1820માં તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. પવિત્ર તીર્થ નારાયણ સરોવરથી આ સ્થાન 3 કિ.મી. છે અને ભૂજથી 163 કિ.મી. છે.
માતાના મઢ આશાપુરા માનું મંદિર :
પશ્ચિમ કચ્છમાં પવિત્ર અને પ્રાચીન યાત્રાધામ માતાના મઢમાં કચ્છ રાજ્યના કુળદેવી આશાપુરા માતાનું પુરાણ પ્રસિદ્ધ મન્દિર આવેલું છે. આ મન્દિર આશરે 1220 વર્ષ જૂનું છે. કચ્છના રાજવી જાડેજા વંશના કુળદેવી હોવાને નાતે પ્રત્યેક કચ્છી પણ તેને આદરથી માથું નમાવે છે. કચ્છ રાજ્યના કુળદેવી હોવાને નાતે નવરાત્રિમાં કચ્છના રાજવંશ તરફથી આશાપુરા માતાને ચામર ઢોળવાની પરંપરા રાજાશાહીના સમયથી ચાલતી આવી છે જે આજે પણ ચાલુ છે. નવરાત્રિના શુભ દિવસોએ ઘટસ્થાપન, હોમહવન થાય છે. હવનાષ્ટમીના યોજાતા મેળામાં કચ્છ અને બૃહદ કચ્છથી લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા પોતાની માનતા પૂરી કરવા તથા માતાને શિશ નમાવવા આવે છે. જોકે, હવે તો નોરતાંના આરંભથી જ લોકો માતાના મઢની પદયાત્રા આરંભી દે છે. ભૂજથી 80 કિ.મી.ના અંતરે આવેલા આ સ્થાનકે લોકો મોટી સંખ્યામાં આવે છે. અહીં રહેવા તથા ભોજનની સુન્દર સુવિધા સ્થાનિક વિકાસ સમિતિ તરફથી પૂરી પાડવામાં આવે છે. સુન્દર અતિથિગૃહ તથા ભોજનશાળા અહીં છે.
જેસલ-તોરલની સમાધિ – અંજાર :
અંજાર શહેરની પાદરે અજેપાળ મન્દિરની બાજુમાં આવેલી જેસલ-તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું તેનું નિરુપણ મુલાકાતીઓને જિજ્ઞાસા પ્રેરે છે અને સંસારની વિરક્ત ભાવનાઓને જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ-તોરલની અમર ગાથા આજે પણ લોકહૃદયમાં તાણાવાણાની માફક ગુંથાઈ ગઈ છે. હજારો દર્શનાર્થીને ભક્તિભાવથી ભીંજવતી આ સમાધિ પરની ઇમારતને યુગના બદલાતા પરિવર્તનમાં આજનું આધુનિક રૂપ આપવામાં આવ્યું છે. કચ્છ અને કચ્છ બહારથી દર વર્ષે હજારો યાત્રિકો અહીં દર્શન કરવા આવે છે. સન 2001ના ધરતીકંપમાં આ સમાધિનું મન્દિર ધ્વસ્ત થઈ ગયું હતું. તેનો જિર્ણોદ્ધાર કરાયો છે.
નારાયણ સરોવર તીર્થ, તા.લખપત :
કચ્છના પશ્ચિમ સમુદ્ર કિનારે આવેલું પુરાણ પ્રસિદ્ધ નારાયણ સરોવર ભારતનું મહાતીર્થ સ્થાન ગણાય છે. જ્યાં હિન્દના પાંચ પવિત્ર સરોવરો (માનસરોવર, પમ્પા સરોવર, પુષ્કર સરોવર, બિન્દુ સરોવર) પૈકીનું પાંચમું ‘નારાયણ સરોવર’ તથા આદિનારાયણનું પ્રાચીન સ્થા આવેલ છે. કચ્છના આ પવિત્ર તીર્થ સ્થાનની યાત્રા વિના અને નારાયણ સરોવરમાં સ્નાન કર્યા વિના ભારતના અન્ય તીર્થધામોની યાત્રા અધૂરી ગણાય છે એવી માન્યતા છે. હિન્દુસ્તાનના જુદાજુદા ભાગોમાંથી હજારો યાત્રાળુનો અવિરત પ્રવાહ અહીં વર્શભર ચાલુ રહેતો હોય છે. કચ્છના રાવશ્રી દેશળજી-પહેલાના મહારાણી મહાકુંવરબાએ સંવત 1790માં દ્વારકાની યાત્રા વખતે પંડાઓના થયેલા કડવા અનુભવ પછી અઢીસો વર્ષ પૂર્વે અહીં દ્વારકાના મન્દિરો જેવા શ્રી ત્રિકમરાય આદિ દેવોના મન્દિરો બન્ધાવેલા છે. શ્રી ત્રિકમરાયજીના મુખ્ય મન્દિર સાથે પાંચ મન્દિરો (આદિ લક્ષ્મીનારાયણ મન્દિર, ગોવર્ધનનાથ, દ્વારિકાનાથ અને લક્ષ્મીજી)નું યાત્રાધામ છે. જેમાં સુવર્ણરાયજી (રનછોડરાય/કલ્યાણરાય)નું વિખ્યાત ઐતિહાસિક મન્દિર પણ આવેલું છે. એ નોંધવા જેવું છે કે ભાગવત, બ્રહ્મવૈવર્ત, મત્સ્ય પુરાણોમાં આ પ્રસિદ્ધ તીર્થ નારાયન સરોવર અને કોટેશ્વર માહાત્મ્યનો ઉલ્લેખ જોવા મળે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભારતમાંની 84 બેઠકોમાંની એક સુપ્રસિદ્ધ બેઠક અહીં આવેલી છે. લખપતથી 37 કિ.મી. અને ભૂજથી 160 કિ.મી. અંતરે આવેલા નારાયણ સરોવર સ્થળે કાર્તિક પૂર્ણિમાએ મેળો ભરાય છે.
આયના મહેલ :
આયના મહેલ એટલે અરીસાનો મહેલ અને એ ભૂજ શહેરની મધ્યમાં દરબારગઢના ચોકમાં આવેલ છે. આ આયના મહેલને 1 જાન્યુ.1750ની આસપાસ એટલે કે આજથી અઢીસો વર્શ પહેલાં બનાવાયો હતો. રાવ લખપતજીએ મુઘલ બાદશાહનો દબદબો જોઈ કચ્છમાં પણ એમણે કંઇક કરવાનો મનસૂબો કર્યો. એમની મહેચ્છા કચ્છમાં એક મોટો મહેલ બાન્ધવાની હતી અને એ ઉદ્દેશને પાર પાડવા માટે રામસિન્હ માલમે તૈયારી બતાવી અને આખરે ભૂજના આયના મહેલની શરૂઆત થઈ. આયના મહેલ એ પ્રથમ એક સાધારણ જૂનો મહેલ હતો. એના અમુક ખાસ ભાગને પસન્દ કરી આયના મહેલ બનાવવામાં આવ્યો છે. આ મહેલમાં દીવાને આમ, દીવાને ખાસ, ઉનાળામાં તાપથી બચવા પાણીના ફુવારાવાળી ખાસ વ્યવસ્થાવાળી બેઠક, ખાનગી રૂમ અને આયના હોલ એમ વ્યવસ્થા કરી. રૂમની ચારે બાજુ છૂટથી ફરી શકાય એવી લાંબીઓ છે. મુમ્બઈ ગેઝેટિયરની નોંધ પ્રમાણે આ આયના મહેલ તૈયાર કરવાનું બે લાખ પાઉંડ એટલે એ વખતની 80 લાખ કોરી એટલે લગભગ પચ્ચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. અને આ કામ સને 1750ની આસપાસ પૂરું થયું.
આયના મહેલમાં કેટલાક નવા વિભાગો ઉમેરી તા. 1-1-77ના ‘મદનસિંહજી મ્યુઝિયમ’ અને તા. 1-1-82ના ‘કલાઅટરી કચ્છ’ની રચના કરવામાં આવેલી. આ નવા વિભાગોમાં નાગપંચમીની નીકળતી સવારીની કચ્છી શૈલીના ચિત્રપટો ઉપરાંત સવારીની પાલખી, ગરમ પાણી માટેનું વરાળયંત્ર, રાજવી પોષાક, રાજ્યકાળ વખતના કેટલાક દસ્તાવેજો, અલભ્ય તસવીરો, કચ્છી રાજવીઓની તસવીરો, અસવારીમાં નીકળતા નિશાન-ડંકા, કચ્છી ચલણના સિક્કા, લગ્નની ચોરી વગેરે મૂકેલા છે. આયના મહેલના સંચાલકો દ્વારા ‘કચ્છી પ્રવાસી માહિતી કેન્દ્ર’ શરૂ કરવામાં આવેલ છે. આ માહિતી કેન્દ્રમાં કચ્છ આવતા પ્રવાસીઓને વિનામૂલ્ય્ર કચ્છના પ્રવાસનું માર્ગદર્શન આપવામાં આવે છે. અહીં શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે. આયનામહેલ દર ગુરુવારે બંધ રહે છે. એક સમયે કચ્છની ગણતરી રણપ્રદેશ તરીકે થતી હતી પણ આજે ‘કચ્છ’ની ખુશ્બુ દેશ-વિદેશમાં પ્રસરી ચૂકી છે. અહીંનું સફેદ રણ, ધાર્મિક પ્રવાસધામો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા પર્યટન સ્થળોને લીધે કચ્છ પ્રવાસીઓનું માનીતું સ્થળ બની ગયું છે.