રાધનપુર નગરપાલિકામાં લોકોની ફરિયાદો સાંભળીને તેના પ્રશ્નો ઉકેલવા માટે અગલ વિભાગ શરૂ કરવા માટે અહીંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરેલી ભલામણથી અનેક દુઃખી લોકોના પ્રશ્નો ઉકેલ આવ્યો છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે. અહીં લોકોની ફરિયાદ સાંભળવા માટે 26 સપ્ટેમ્બર 2018થી જનસંપર્ક વિભાગ શરુ કરાયો છે. જેમાં ટેલિફોન ઉપર લોકોની ફરિયાદો લેવામાં આવે છે. જનસંપર્ક વિભાગમાં બે મહિનામાં પીવાના પાણી, શહેરમાં ગંદકી સહિત 100 ફરિયાદો લોકો તરફથી મળી હતી. તેમાંથી 80 ફરિયાદો દૂર કરવામાં આવી છે.
કોંગ્રેસે સત્તા સંભાળ્યા બાદ રાધનપુર શહેરમાં ગંદકી, પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટરો સહિતની ફરિયાદોનું પ્રમાણ વધી જવા પામ્યુ હતું. લોકોની ફરિયાદોનું નિરાકરણ આવતું ના હોવાની રાવ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સુધી પહોંચી હતી. જે માટે જનસંપર્ક વિભાગ શરૂ થયો હતો. લોકો હવે અહીં ફરિયાદ કરે છે અને અહીંથી જ જવાબ માંગે છે.
શરૂઆતમાં ઘણી બધી ફરિયાદો આવવા લાગી હતી. તે બધી ફરિયાદોનો નિકાલ આવી જતાં હવે ઘણી ઓછી ફરિયાદ આવવા લાગી છે. જનસંપર્ક વિભાગની જવાબદારી પૂજા ઠક્કરને સોંપવામાં આવી છે. તેમની પાસે જે ફરિયાદ આવે તેને પાલિકાના જે તે વિભાગમાં મોકલી આપવામાં આવે છે. તેના ઉપર તુરંત પગલાં લેવામાં આવે છે. મોટા ભાગે ગંદકી-સફાઈ અને પીવાના પાણીની સમસ્યાઓ હજુ આવતી રહે છે. વિભાગને મોકલ્યા બાદ ત્રણ-ચાર દિવસમાં તેનો નિકાલ ના આવે તો ફરીથી તે અધિકારી કે કર્મચારીને કહેવામાં આવે છે. તેમ છતાં જો કામ ન થાય તો જે તે કર્મચારી કે અધિકારીને મુખ્ય અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવે છે. જે ફરિયાદો આવે તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાની પાસે આવી ફરિયાદો ઓછી આવે તે માટે કરેલો રસ્તો સફળ થયો છે. લોકોને પોતાનો પ્રશ્ન ઉકેલાય તેમાં રસ હોય છે. કોણ ઉકેલે તેમાં તેને રસ નથી હોતો. ગુજરાતના 182 ધારાસભ્યો, તમામ કોર્પોરેટરો જો અલ્પેશ ઠાકોરને અનુસરે તો પ્રજાના તમામ પ્રશ્નોનો ઉકેલ આવી જાય તેમ છે.