પંચાયતની પંચાત
વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે સમગ્ર ઘટના બાબતે જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્રને આવેદનપત્ર આપ્યું છે.
વીડિયો વાયરલના મુદ્દે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી 12 નવેમ્બર 2018ના રોજ સોમવારે સવારે લવાલ ગામે ગયા હતા અને સરપંચ મહિપતસિંહને કહ્યું હતું કે, મારા વિરૂધ્ધ વીડિયો વાયરલ કેમ કર્યો છે. તેમ કહીને તેમ કહીને ધારાસભ્યે સરપંચની ફેટ પકડીને ઝપાઝપી કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગામના આગેવાનોને પણ ધમકી આપી હતી.
કોણ છે લડાયક સરપંચ ?
28 વરસના યુવાન મહિપતસિંહ ચૌહાણ કલકતાથી વતનમાં આવ્યો હતો. ગામમાં આવીને જોયું તો ગામ વિકાસને બદલે ખરાબી વધી રહી હતી. તે બજાજ આલીયાન્ઝમાં રૂ.70 હજારના પગારની નોકરી હતી. તે ધોરણ દસમાં હતા ત્યારે અહીં ગામમાં સાઈકલ પર ગુલ્ફી વેંચી હતી. આ યુવાને 1500 ગામની વસતીનુ જીવન ધારણ બદલી નાંખ્યું છે. ગામમાં આવતાં ત્યારે તેમને ગુંગણામણ થતી હતી. નોકરી છોડી દીધી. ચૂંટણી આવી અને તેમાં ઉમેદવારી નોંધાવી અને તેણે જાહેર કર્યું કે ગામનો વિકાસ કરવો હોય તો મારા પર વિશ્વાસ રાખીને મને મત આપજો. મહિપાલસિંહ ફરી કલકત્તા જતાં રહ્યાં અને ચૂંટણીના બે દિવસ પહેલાં ફરી ગામમાં આવ્યા હતા. કોઈ લાલચ વગર તે સરપંચ બન્યા.
હાથમાં સાવરણો લીધો
પહેલું કામ ઉકરડા દૂર કરીને ગામની સફાઈ કરી હતી. સરપંચ પોતે સાવરણો લઈને ગામ સાફ કરવા લાગ્યા. સાથે 150 યુવકો પણ જોડાયા હતા. ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. ગામના રસ્તાઓ પહોળા થઇ ગયા. રસ્તો પહોળો કરવા માટે કેટલાંક દબાણો તોડવા પડ્યા હતા. તે બધા તેના દુશ્મન બની ગયા હતા.
કેમેરા લગાવ્યા અને ચોરી બંધ
1500ની વસતી વચ્ચે 16 સીસી ટીવી કેમેરા સરપંચે પોતાના ખર્ચે લગાવી દીધા અને ચોરી બંધ થઈ. આગલા વર્ષે અઢી લાખ રૂપિયાની પાંચ ચોરી થઈ હતી. એલઈડી ફ્લડ લાઈટ, દરેક ઘરેથી કચરો ઉઠાવી લેવાની વ્યવસ્થા કરી હતી. આખા ગામમાં ભુગર્ભ ગટર લાવી દીધી, રૂ.2.50 લાખના પોતાના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નંખાવી છે, સ્ટ્રીટ સ્પીકર ગોઠવી દીધા, કોમ્યુનિટી હોલ બનાવી દીધા, કોલેજમાં દાખલ થનાર દરેક વિદ્યાર્થીનીને પહેલા વર્ષનું શિક્ષણ મફત કરી આપ્યું, સ્વચ્છ ફળીયાને ટ્રોફી આપે છે, પંચવટી ગાર્ડન બનાવ્યા. 2000થી વધું વૃક્ષો ઉછેર્યા. જે વ્યક્તિ ઘર આંગણે એક વૃક્ષ વાવીને ઉછેરે એને વેરામાંથી દસ ટકા મુક્તિ આપવામાં આવે છે. ગામના નિસંતાન વૃદ્ધોને તેમના ઘરે જ જમવાનું પહોંચાડવાનું સરુ કરાવી આપ્યું.
દારૂબંધી અમલી કરી
ગુજરાતમાં દારુ બંધીનો કાયદો છે. આ ગામે ખરા અર્થમાં દારુ બંધીનો અમલ અઢી વર્ષથી કરી બતાવ્યો છે. સરપંચ જાતે જઈને દારુ બેચનારના માટલા ફોડી કાઢ્યા હતા. પહેલાં ગામમાં દારુ વેચાતો હતો. તેની સામે ભાજપના સાંસદ કે ધારાસભ્ય કંઈ કરી શકતાં ન હતા. જે આ સરપંચે કરી બતાવ્યું છે. ગમમાં દારુ પીને કોઈ પ્રવેશી શકતું નથી. રાજકીય નેતાઓ દારુના હપ્તા લઈને દારુ વેચવા દે છે તેથી આ સરપંચ તેમને પસંદ નથી. એ તો ઠીક પણ ખેડા જિલ્લા પોલીસ વડા પણ તેમની ફરિયાદ લેતા નથી અને ધારાસભ્યની તરફેણ કરે છે. ડીએસપીને ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણ કહી દીધું હતું કે, ‘ફરિયાદ લેવી તે તમારું કામ છે. ન્યાય આપવો તે કોર્ટનું કામ છે. તમે ન્યાયાધીશ ન બનો. ધારાસભ્યની તમે તરફેણ ન કરો. મારી ફરિયાદ લો પછી બીજી વાત કરો.’
સરપંચનું મુલ્યાંકન
વર્ષમાં બે જાહેર સભા બોલાવી જેમાં દરેકનો બોલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ગ્રામ સભામાં લાગતા વળગતા અને માનીતાને બદલે તમામને બોલવાની છૂટ!! દર વરસે તમામ લોકો પાસેથી અભિપ્રાય માટે પત્રક ભરાવવામાં આવે છે. જેમાં સરપંચની કામગીરીનું ગામ લોકો પાસે મૂલ્યાંકન કરાવા માં આવે છે. 10 માર્કનું મુલ્યાંકન પોતે જ પોતાનું કરાવે છે. જેમાં 95 ટકા લોકોએ નવ થી દસ ગુણ આપેલા છે.
ખેડૂત યોજના
ખેતી અહીં મુખ્ય વ્યવસાય છે. ગામના ખેડૂતો માટે એક અનોખી યોજના શરુ કરીને વિધા દીઠ વધારે ઉત્પાદન મેળવતા પ્રથમ ખેડૂતને રૂ.5000, બીજા નંબરે આવતાં ખેડૂતને રૂ.2100 અને ત્રીજા ક્રમે આવેલાં ખેડૂતને રૂ.1100નું ઈનામ આપવાનું દર વર્ષે શરૂ કર્યું છે. તેથી ખેડૂતો પોતાના ખેતરમાં વધારે ઉત્પાદન લેવા માટે વધું ધ્યાન આપવા લાગ્યા છે.
લવાલની લાડલી યોજના
દીકરીનો જન્મ થાય ત્યારે રૂ.1,000નું ઇનામ આપવામાં આવે છે. ગામની તમામ દીકરીઓના લગ્નનો ખર્ચ ગ્રામ પંચાયત ઉઠાવે છે. કોઈ દીકરી કોલેજના પ્રથમ વરસમાં દાખલ થાય તો એમનો ખર્ચ પણ ગ્રામ પંચાયત ઉઠાવે છે. સરપંચે સ્વ ખર્ચે ચાર છોકરીઓ અને એક પૂત્રવધુને કોલેજમાં ભણાવી રહ્યા છે. લવાલની લાડલી યોજના હેઠળ ગામની દીકરીનાં લગ્નનો તમામ ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લગ્ન વાડી, મંડપ, ભોજનની વ્યવસ્થા ગ્રામ પંચાયત પુરી પાડશે.
વોઈસ ઓફ વસો
વસો તાલુકાના 22 ગામના 124 હોંશિયાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામ અને તાલુકામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે કામ કરે છે. બાળકોની લાક્ષણીકતા બહાર લાવવા માટે ‘વોઈસ ઓફ વસો’ અને ‘વોઈસ ઓફ ખેડા’ કાર્યક્રમનું આયોજન કરીને ગીત કે સંગીતમાં હોંશીયાર બાળકોને પસંદગ કરીને રૂ.10,000, રૂ.7,000 અને રૂ.5000ના ઇનામ આપવામાં આવે છે. આ સંગીત સ્પર્ધાનું લાઈવ કવરેજ પણ કરવામાં આવે છે.
જિલ્લાનું પ્રથમ સ્માર્ટ ગામ
લવાલ ખેડા જીલ્લાનું પ્રથમ ડીઝીટલ ગામ બન્યું છે. સ્માર્ટ ગામ બનવા માટેની તમામ લાયકાત આ ગામે મેળવી છે. સરપંચ ગામ બહાર હોય તો તે અહીંની માઈલ સીસ્ટમ સાથે ગમે ત્યાંથી જોડાઈ શકે છે અને જાહેરાત કરી શકે છે. ગામ લોકોને સ્પીકર દ્વારા આવનવી સૂચના આપીને તેમને માહિતગાર કરવામાં આવે છે.
સંડાસ બનાવી આપ્યું
માતર તાલુકામાં તેજલબેન નામની મહિલા છેલ્લા ચાર વરસથી શૌચાલય માટે તાલુકામાં ધક્કા ખાય છે. તરત જ એ બહેનનું સરનામું મેળવીને મહિપતસિંહ ની ટીમ બધી સામગ્રી સાથે ત્યાં જઈને બે દિવસમાં જ શૌચાલય તૈયાર કરી દીધું હતું. માત્ર સંડાસ જ નહીં પણ સરપંચે મોટાભાગની સેવા પોતાના ખર્ચે કરી આપી છે. ખાસ કરીને વ્યક્તિ લક્ષી યોજનાઓનું ખર્ચ તે જાતે ઉપાડે છે. તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કલકત્તામાં પાંચ વર્ષ સુધી મેનેજર રહી ચૂક્યા હતા.
માતાએ ગામનું ભલું કરવા કહ્યું, ને સરપંચ બન્યા
અઢી વર્ષ પૂર્વે તેઓ ગામના સરપંચ બન્યા છે. ગામના પૂર્વ સરપંચ લીલાબેન તેમના માતા છે. પુત્ર મહિપતસિંહ ચૌહાણે પૂર્વ સરપંચ રહી ચૂકેલા તેમની માતાની ઈચ્છા કે લવાલ ગામનો સારો વિકાસ થાય તે માટે નોકરી છોડી સ્થાનિક ગ્રામ્ય રાજકારણમાં ઝંપલાવી અને સરપંચ બન્યા અને ત્યારબાદ લવાલ ગામની રોનક બદલવાની શરૂઆત થઇ હતી. તેમના માતા લીલાબેન સમરસ સરપંચ થયા હતા. તે ગામ માટે કરવા માગતાં હતા તે સપના પુરા કરવા માટે પુત્રને સરપંચ બનવા પ્રેરણા આપી હતી.
સાંસદ સામે લડવા, કોંગ્રેસમાં જોડાયા
સરપંચ મહિપતસિંહ ચૌહાણની અને ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણ વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. ગ્રામ પંચાયતમાં બનેલા રસ્તાના કામ બાબતે દબાણો દૂર કરવા અને રોડ બનાવવામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો હતો. સાંસદ સામે તે એકલા હાથે કોઈની મદદ વગર લડી નહીં શકે એવું લાગતાં સરપંચ મહિપતસિંહ ચૌહાણ કોંગ્રેસમાં બે અઠવાડિયા પહેલાં જોડાઇ ગયા હતા.
ધારાસભ્યની ધરપકડ કરો
સરપંચે અરજીમાં લખ્યું છે કે આ ધારાસભ્ય ઘણા માથાભારે હોય તેમને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. ગયા મહિને ભાજપના ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ગ્રાંટ રદ કરાવી દઈને કિન્નાખોરીની હદ પાર કરી હતી. ગ્રાન્ટના મુદ્દે સરપંચ મહિપતસિંહ ચૌહાણે વડાપ્રધાન કાર્યાલય પહોંચીને લેખિત રજૂઆત કરી હતી. જે ઘટનામાં ગ્રામ પંચાયત લવાલને પહેલા ફાળવવામાં આવેલ રોડ બનાવવાનો વર્ક ઓર્ડર તાલુકા પંચાયત વસો દ્વારા આપવામાં આવ્યો હતો. જે કામ પૂર્ણ થઇ ગયા બાદ સાંસદના દબાણથી રદ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રાન્ટ રદ કરવામાં આવતા અઢી લાખ રૂપિયા જેટલી રકમનો ભાર સરપંચના શિરે આવી જતા સરપંચે બંડ પોકાર્યું હતું. તેથી ભાજપની વિચારધારા છોડીને અમદાવાદ જિલ્લાના આગેવાન મુર્તુજા ખાનની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
એકલા હાથે કામ કર્યું તેની રાજકીય કિન્નાખોરી શરૂ થઈ
મહિપતસિંહ ચૌહાણે એકલા હાથે ગામને માત્ર પોણા બે વર્ષમાં બદલી નાંખ્યું છે તે પણ કોઈ રાજકીય પક્ષ કે સરકારની મદદ વગર. તેમણે જે કર્યું તે અંગે હવે બીજા ગામના લોકો સાંસદ અને ધારાસભ્યને પ્રશ્નો કરવા લાગ્યા છે કે તેમને આવી સગવડ કેમ અપાવતાં નથી. તેથી મહિપત તરફ રાજકીય કિન્નાખોરી રાખવાનું શરૂ કર્યું હતું. પહેલાં સંસદ સભ્ય અને પછી હવે ધારાસભ્ય તેમની સામે પડી ગયા છે. ગામનો વિકાસ કરવાનું કામ કરનારને ભાજપના નેતાઓ હવે પરેશાન કરી રહ્યાં છે. ગુજરાતમાં વિકાસ કરવો તે ગુનો હોય તેમ તેમને દરેક રીતે પરેશાન કરી રહ્યાં છે. કારણ કે તે ધારાસભ્ય, સંસદસભ્ય અને જિલ્લા પોલીસ વડાને સાચા કારણોસર પડકારી શકે છે.
આ એક સરપંચની વાત નથી દરેક એવા સરપંચની વાત કરી શકાય કે જે કોઈ રાજકીય નેતાના ટેકા વગર પોતાના ગામનો વિકાસ કરવા માંગે છે. તે પહેલાં ભાજપના વિચારોને સમર્થન કરતાં હતા. પણ પછી કિન્નાકોરીનો ભોગ બનતાં વિચારો બદલ્યા છે.
મહિપતસિંહ ચૌહાણ khabarche.com સાથે વાત કરતાં કહે છે કે, ‘હું મારા ગામ માટે કામ કરું છું. જે માટે મેં કોઈ રાજકારણીની મદદ લીધી નથી તેમ છતાં આટલું કામ કરી શક્યો છું. જેની ઈર્ષા ભાજપના ધારાસભ્યને આવી રહી છે. હું ગામના અને સરપંચના હક્ક માટે લડું તે શું કોઈ ગુનો છે ?’
(દિલીપ પટેલ)