જોખમી ઝડપે ચાલતાં વાહનોને પકડવા સ્પીડ ગન ઊંચા ભાવે ખરીદી

ઓવર સ્પિડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લામાં સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અકસ્માતોના ડેટા બતાવે છે કે, જીવલેણ માર્ગ અકસ્માતો માટે વાહનોની ઓવર સ્પીડ મુખ્ય કારણ છે. તેથી તેના ઉપર અંકુશ રાખવા માટે અને દંડવા માટે રૂ.3.90 કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત 39 સ્પીડ ગન ખરીદવામાં આવી છે. એકની કિંમત રૂ.10 લાખ છે. જો કે ભારતમાં ટ્રાફિક સ્પીડ ગન એકદમ નજીવી કિંમતે રૂ.1 લાખથી રૂ.5 લાખના ખર્ચે મળે છે તો પછી અમેરિકાથી કેમ ઊંચા ભાવે ખરીદ કરવામાં આવી તે એક સંશોધનનો વિષય છે.

5 સ્પીડ ગન અમદાવાદ શહેરને અને તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને એક – એક ગન  ફાળવવામાં આવશે. એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂરથી જ ઝડપ માપી શકે છે. તેની રેન્જ ૦ થી ૩૨૦ કી.મી/કલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે.

ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વિડિયો રેકોર્ડિંગ પણ સ્ટોર થતું રહેશે જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઉભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહેશે.

સ્પીડ ગન સંબંધિત 3 દિવસની તાલીમ રાખવામાં આવી હતી. તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જેથી આવનારા દિવસોમાં અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર, જિલ્લાઓમાં ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવી શકાશે.