રાજકીય વિશ્લેષણ – દિલીપ પટેલ
જે લોકસભા વિસ્તારમાં કે જિલ્લામાં ભાજપ નબળો છે અને જ્યાં ઓછા ધારાસભ્યો ચૂંટાયા છે એવા કેટલાંક વિસ્તારોને ભાજપના નેતાઓ રાજકીય રીતે તોડફોડ કરી રહ્યો છે. જેમાં સત્તા અને સંપત્તિ વપરાઈ રહી છે. 15 જિલ્લાની 10 લોકસભા બેઠક ભાજપ માટે નબળી છે ત્યાં તોડફોડ શરૂ કરાયું છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, મહેસાણા પર રાજકીય તાંડવ શરૂ કર્યું છે. જેમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદીના જન્મના સ્થાનો તથા ભાજપના 12 એવા નેતાઓના કાર્યક્ષેત્રોમાં પરાજય થયો છે તે પણ આવી જાય છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ વખતે 26 માંથી 15 થી 17 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને ફાયદો થઇ રહ્યો છે. તેથી તોડફોડ થઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ ભાજપમાં દિલ્હીથી અમિત શાહ દ્વારા જોડાયા હતા. હવે આશા પટેલ પણ એજ રસ્તે છે. બારડોલી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે જ્યા કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી હળપતિ ભાજપ સાથે પંજો મેળવી રહ્યાં છે. આ બધા રાજકીય પક્ષાંતરો અમિત શાહ, નરેન્દ્ર મોદી અને જીતેન્દ્ર વાઘાણી કરાવી રહ્યાં છે. ગુજરાતનું રાજકારણ હવે અંતિમવાદી બની ગયું છે. જે સાથે નથી તે સામે છે એવું અમિત શાહ સ્પષ્ટ પણે માને છે. કોંગ્રેસ સામે છે અને તેથી અનૈતિક રીતે કોંગ્રેસ તોડી રહ્યાં છે. ગુજરાતમાં 2001થી નીતિમત્તાનું રાજકારણ ખતમ થઈ ગયું છે.
એક પણ ધારાસભ્ય ન ચૂંટાયા હોય એવા જિલ્લા
જિલ્લો – ભાજપ – કોંગ્રેસ
ગીરસોમનાથ – 00 – 04
અરવલ્લી – 00 – 03
અમરેલી – 00 – 05
મોરબી – 00 – 03
જુનાગઢ – 01 – 05
આણંદ – 02 – 05
તાપી – 00 – 02
નર્મદા – 00 – 01
ડાંગ – 00 – 01
ભાજપના ઓછા ધારાસભ્યો ચૂંટાયા હોય એવા જિલ્લાઓ
જિલ્લો – ભાજપ – કોંગ્રેસ
સુરેન્દ્રનગર – 01 – 04
પાટણ – 01 – 03
ગાંધીનગર – 02 – 03
જામનગર – 02 – 03
છોટાઉદેપુર – 01 – 02
બનાસકાંઠા – 03 – 05 – 01(અન્ય)
કોંગ્રેસ અને ભાજપના સમાન ધારાસભ્યો હોય એવા 5 જિલ્લા છે .
દ્વારકા – 01 – 01
બોટાદ – 01 – 01
ખેડા – 03 – 03
દાહોદ – 03 – 03
મહીસાગર – 01 – 01 – 01
કોંગ્રેસમાંથી આયાત
કોંગ્રેસ મુક્ત કરવાનો નવો રસ્તો ગુજરાતથી શરૂ થયો છે. જેમાં કોંગ્રેસના નેતાના રાજીનામાં અપાવીને કોંગ્રેસને તોડવાનો માર્ગ છે. રાજ્યસભાની ચૂંટણીમાં 14 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવીને કોંગ્રેસ છોડાવી હતી. જે તમામ ભાજપમાં ગયા હતા. જેમાં એવો આરોપ હતો કે એક ધારાસભ્યને રૂ.9 કરોડથી રૂ.16 કરોડ આપવામાં આવ્યા હતા. આમ પક્ષાંતર હવે પૈસાથી થઈ રહ્યું છે.
પૈસો નહીં તો કાયદો
હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે સોદાબાજી શરૂ કરી છે. તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતિ કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આવા ઘણાં બનાવો બન્યા છે જેમાં કાયદાનો ડર બતાવીને અમિત શાહ, નરેન્દ્ર મોદી અને જીતેન્દ્ર વાઘાણીએ પક્ષાંતર કરાવવા માટે ચોક્કસ નેતાઓને જવાબદારી સોંપી હોય. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસની સાથે ગદ્દારી કરી તે પાછળ પણ સીબીઆઈની રેડ અને કાયદો જવાબદાર હતો.
સત્તા પણ આપો
વડાપ્રધાન મોદી વડનગરનાં વતની છે જ્યારે અમિત શાહ માણસાનાં વતની છે. આ બંને મહેસાણા લોકસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાં મોટાપાયે કોંગ્રેસ છોડાવો અને ભાજપ જોડાવો અભિયાન હાથ ધર્યું છે. ભાજપ ‘કોંગ્રેસયુક્ત’ બની ગયો છે. અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર વિસ્તારમાં કોળી ઓપરેશન માટે કુંવરજીને શહીદ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ પાટીદારોના નેતાઓને ભાજપમાં લેવામાં આવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં 32 ધારાસભ્યોમાંથી 17 કોંગ્રેસના અને 15 ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા.
ભાજપે દ્વારકા, અમરેલી, દાહોદ, બોટાદ, જામનગર જેવા જિલ્લામાં રાજકીય નેતાઓની આયાત કરી હતી.
1995 પછી કોંગ્રેસમાંથી ભાજપમાં
ગુજરાતમાં 1995થી 2018 સુધીમાં જેટલી ચૂંટણીઓ થઇ છે તેમાં કોંગ્રેસના 12 સંસદસભ્યો, 65 ધારાસભ્યો અને 15000 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ખાસ કરીને જ્યારે પાલિકા, પંચાયત, રાજ્યસભા, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે. તેમની સાથે પાર્ટીના કાર્યકરો પણ સામૂહિક રીતે જોડાઇ જાય છે. મહત્વના કહી શકાય તેવા નેતાઓમાં લીલાધર વાઘેલા, જોઇતાભાઇ પટેલ, નરહરિ અમીન, વિઠ્ઠલ રાદડિયા, જયેશ રાદડિયા, કુંવરજી બાવળીયા, બાવકુ ઉંઘાડ મુખ્ય છે.
શંકરસિંહ પણ એક
ગઇ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું તે સમયે તેમની સાથે તેમના 11 સમર્થકો પણ જોડાયા હતા. કોંગ્રેસને રાજ્યસભામાં તો મુશ્કેલીમાં મૂકી હતી પરંતુ સાથે સાથે વિધાનસભામાં પણ મુશ્કેલીમાં મૂકી છે. આશ્ચર્યની બાબત એવી છે કે કોંગ્રેસમાં મુખ્યમંત્રીના જે દાવેદારો છે તે– શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ અને તુષાર ચૌધરી જેવા સિનિયર નેતાઓ વિધાનસભાની ચૂંટણી હારી જાય છે.
આંતરિક રાજકારણ જવાબદાર
રાજકોટમાં કુંવરજી બાવળિયા અને ઇન્દ્રનિલ રાજ્યગુરૂ વચ્ચે ઘણાં સમયથી લડાઈ ચાલતી હતી. કોંગ્રેસ આ બન્ને મોટા લિડર્સ ગુમાવ્યા છે. આવું ઘણાં રાજ્યોમાં તેમજ શહેરોમાં થયું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપની નજરમાં કોંગ્રેસના છ થી સાત ચહેરા છે જે ભાજપમાં આવીને ચૂંટણી જીતી બતાવે તેવા છે. તેમને ભાજપમાં પ્રવેશ આપવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે.