ટુકા ગાળાનો ચોમાસૂ પાક – બેબી કોર્ન 

બેબી કોર્ન (baby corn), અમેરીકન સ્વીટ કોર્ન (sweet corn), લીલા ડોડા માટે મકાઇ, દિવેલા (castor), ગુવાર અગત્યના છે. જો તમારી પાસે ટ્રાન્સપોર્ટની સગવડ઼ હોય અથવા તમે શહેરી વિસ્તારની નજીક રહેતા હોય તો બેબી કોર્ન અથવા અમેરીકન સ્વીટ કોર્નના વાવેતરથી વધારે આવક મેળવી શકાય નહીંતો અન્ય સુચન કરેલા પાક વાવવા.

બેબી કોર્ન
બેબી કોર્ન એટલે બીન ફલીત દાણા વગરના મકાઇના ડોડા જેનો ઉપયોગ સંભાર, શાકભાજી, અથાણુ, પુલાવ જેવી વાનગીઓમાં થાય છે. શહેરી વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરંટમાં બેબી કોર્નની ઘણી માંગ રહે છે.

જ્મીનની તૈયારી
જો ખેતરમાં અગાઉ છાણીયુ ખાતર અથવા કમ્પોસ્ટ આપેલ હોયતો ફરીથી આપવાની જરૂર નથી. ફક્ત રાસાયણીક ખાતરોજ આપવાના રહે છે.

જાતોની પસંદગી
વહેલી પાકતી મધ્યમ ઉંચાઇની, ઉભા પાંદડા તથા વધુ ડોડા આપતી ભલામણ કરેલ જાતો જેવી કે વી.એલ-42, એચ. એમ-4, પ્રકાશ, ગુજરાત મકાઈ-3, ગુજરાત મકાઈ-4, ગુજરાત મકાઈ-6 વિગેરેનું વાવેતર કરવું.

બિયારણ અને માવજત
હેક્ટેર દિઠ 20-25 કિલો બિયારણ વાવવું. જ્મીન જ્ન્ય રોગ-જીવાત અટકાવવા માટે બાવીસ્ટીન + કેપ્ટાન (1+1) ના પ્રમાણમા 2 ગ્રામ દવા પ્રતિ કિલો ના દરથી બિયારણને દવાનો પટ આપવો.

ખાતર
150-60-50 કિ. નાઇટ્રોજન, ફોસ્ફરસ પોટાશ આપવો. આમાંથી 15 કિલો નાઈટ્રોજન તથા સમગ્ર ફોસ્ફરસ અને પોટાશ તથા 25 કિલો ઝીંક સલ્ફેટ વાવેતર પહેલા આપવું જયારે બાકીનો નાઇટ્રોજનનો જથ્થો ચાર હપ્તામાં નિચે જણાવ્યા પ્રમાણે આપવો

30 કિલોનો પહેલો હપ્તો પાકના પાંદ્ડા આવે ત્યારે
45 કિલોનો બીજો હપ્તો આંઠ પાંદ્ડા આવે ત્યારે
35 કિલો નર ફુલ આવે ત્યારે
30 કિલો નર ફુલ કાપ્યા પછી
વાવેતર
45 X 20 સેમી અથવા 60 X 15 સેમી ના અંતરે વાવેતર કરવું. શક્ય હોય તો ચાસ ઉત્તર-દક્ષીણ દિશામાં પાડવા. નિંદાંમણ અટકાવવા માટે એટ્રાજીન નામની દવા એક થી દોઢ કિલો 300 લીટર પાણીમાં ઓગાળીને પાક ઉગ્યા પછી છંટકાવ કરવો.

પિયત
જરૂરીયાત મુજ્બ 4-5 પિયત આપવા. પાકની શરુઆતની અવસ્થાએ, 6-8 પાંદડા આવે ત્યારે, નર ફુલ અવસ્થાએ તેમજ બેબી કોર્નની કાપણી પહેલાની અવસ્થા પિયત માટે અગત્યની છે.

કાપણી
માર્કેટમાં બેબી કોર્નનો સારો ભાવ મેળવવા માટે યોગ્ય સમયે કાપણી જરૂરી છે. પાકમાં જ્યારે જ્યારે નર ફુલ આવે ત્યારે નર ફુલ કાઢી નાખવા. પાક 45-50 દિવસનો થાય ત્યારે કાપણી કરવી. ડોડી ઉપર માદા ફુલ (મુંછીયા) 2-3 દિવસના થાય ત્યારે બેબી કોર્નની કાપણી કરવી. બેબી કોર્નની બીજી કાપણી પહેલી વીણીના 8-10 દિવસ પછી કરવી. આમ કરવાથી સંકર જાતોમાં 3-4 વીણી અને દેશી જાતોમાં 2-3 વીણી મેળવી શકાય. છેલ્લી વીણી પછી લીલા છોડ કાપીને ઢોરો માટે ઘાસચારા માટે ઉપયોગમાં લેવા. વીણી સવારે અથવા સાંજના સમય઼એ કરવી કારણકે એ સમયે વાતાવરણ ઠંડુ અને ભેજવાળું હોય છે.

ઉત્પાદન અને આવક
હેકટેર દિઠ 15-20 ક્વિંટલ બેબી કોર્ન અને 350-400 કિલો લીલો ઘાસચારો મેળવી શકાય. હેક્ટેર દિઠ રૂ. 10,000 ના ખર્ચા સામે રૂ.30,000-40,000 ની આવક થઇ શકે છે.

લેખક – ડો. એસ. એન. ગોયલ , મુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી